Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ટ્રાફીક પોલીસ જમાદાર ઉપર હુમલો કરવાના ગુન્‍હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૬ : ટ્રાફીક પોલીસના હેડ કોન્‍સટેબલ લખનભાઇ સુસરા પર ચકચારી હુમલો કરનાર આરોપી કરણેશ ઉર્ફે કરણ રામભાઇ લીલાની જામીન અરજી નામંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

ફરીયાદની ટુંકમાં વિગત જોવામાં આવે તો ફરીયાદી ટ્રાફીક પોલીસ હેડ કોન્‍સટેબલ તરીકે પોતાની ફરજ પર હતા ત્‍યારે ડબલ સવારીમાં મોટરસાઇકલ ચાલક સાઇડ બંધ હોવા છતા ટ્રાફીકના નિયમોનો ભંગ કરી પસાર થતા તેને રોકી મોટર સાઇકલના કાગળો તથા લાઇસન્‍સ માંગતા મોટર સાઇકલના ચાલક પાસે નહી હોવાનું જણાવતા દંડ ભરવાનું કહેતા બન્ને આરોપીઓ ઉશ્‍કેરાઇ જઇ ફરીયાદી પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ સાથે મનફાવે તેમ બોલવા લાગેલા અને ત્‍યાં પડેલ લાકડાનો ધોકો લઇ ફરીયાદીને પીઠના ભાગે ઘા મારી ગુપ્ત ભાગે પાટુ મારી રોડ પર પડેલ પથ્‍થરો લઇ ફરીયાદીને મારતા પેટના ભાગે તથા છાતીના ભાગે ઇજા કરી તેમજ કાનના ઉપર થપ્‍પડ મારી કાનના પડદા પર ઇજા કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી. ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલ હોય જે મુજબ આઇ.પી.સી.ની જુદી-જુદી કલમો હેઠળ ફરીયાદ થયેલ હતી.

આ કામમાં અરજદારે જામીન પર છુટવા અરજી કરેલ હોય જે અરજીનો વિરોધ કરી મુળ ફરીયાદીના વકીલએ દલીલ કરતા જણાવેલ કે આરોપી આવી અસમાજીક પ્રવૃત્તિઓ કરવાની ટેવવાળો હોય ફરીયાદી પોલીસ હેડ કોન્‍સટેબલ ઉપર જીવલેણ હુમલો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલ હોય જો આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો ફરીયાદી તથા સાહેદોને ડરાવી ધમકાવી તોડવા ફોડવાનો પ્રયત્‍ન કરે તેમ હોય તેમજ ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ અને મુળ ફરીયાદીના વકીલની દલીલ ધ્‍યાને લઇ આરોપીની જામીન અરજી અદાલતે નામંજુર કરેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ શાહ તથા યુવા ધારાશાષાી અશ્વિનભાઇ ગોસાઇ તથા સરકાર તરફે સ્‍મિતાબેન અત્રી તથા યુવા એડવોકેટ ચિત્રાંક એસ.વ્‍યાસ, નિતેષ કથીરીયા, નિવીધ પારેખ, નેહા વ્‍યાસ, કશ્‍યપ ઠાકર, રવિ આર. મુલીયા, બીનાબેન પટેલ, ઉર્વીશાબેન યાદવ, ભાવીનભાઇ રૂઘાણી, સાગર વાટલીયા, સચીન ગોસ્‍વામી, રાજુભાઇ ગોસ્‍વામી, કપીલ આર.મુલીયા, રીનાબેન સરના વિગેરે રોકાયેલા હતા.

(3:49 pm IST)