Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

શાપરના ૪ વર્ષના હેતનું અપહરણ કરી હત્યા

કોળી પરિવારનો એકનો એક લાડકવાયો સાંજે દાદીમા સત્સંગમાં બેઠા હતાં ત્યાં રમતો-રમતો ગૂમ થયો'તોઃ સવારે મૃતદેહ મળતાં ખળભળાટઃ રીબડાના ગુંદાસરા પાસેથી લાશ મળીઃ દોરડાથી ગળાફાંસો દઇ હત્યા કરવામાં આવીઃ શાપર પોલીસે સાંજે સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધ્યો'તોઃ અપહરણકાર, હત્યારા કોણ? હેતુ શું?...તપાસનો ધમધમાટ

રાજકોટઃ. શાપર-વેરાવળમાં આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતા કોળી પરિવારના ૪ વર્ષના માસુમ બાળક હેતનું ગઈકાલે સાંજે અપહરણ થયા બાદ આજે સવારે રીબડાના ગુંદાસરા ગામ પાસે રેલ્વે ટ્રેક પાસેથી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા હાહાકાર મચી ગયો છે. માસુમ પુત્રના અપહરણ અને હત્યાથી કોળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઉપરની પ્રથમ તસ્વીરમાં હત્યાનો ભોગ બનેલ માસુમ હેતનો ઝાળીમાં મૃતદેહ નજરે પડે છે. વચ્ચેની તસ્વીર માસુમ બાળક હેતની ફાઈલ તસ્વીર છે. છેલ્લે બાળકની કઈ રીતે હત્યા કરાઈ ? તેનુ નિરીક્ષણ કરતો ગોંડલ તાલુકા પોલીસનો કાફલો નજરે પડે છે. નીચેની પ્રથમ તસ્વીરમાં ગોંડલના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, તાલુકાના ઈન્ચાર્જ એએસઆઈ અમિત વસાવા, શાપર-વેરાવળના પીએસઆઈ આર.જી. સિંધુ દ્રશ્યમાન થાય છે. અંતિમ તસ્વીરમાં ઘટના સ્થળે પોલીસનો કાફલો નજરે પડે છે (તસ્વીરઃ કમલેશ વાસાણી-શાપર-વેરાવળ)

રાજકોટ તા. ૨૬: શાપર વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતાં કોળી પરિવારનો ૪ વર્ષનો બાળક ગઇકાલે સાંજે રમતાં-રમતાં ગૂમ થઇ ગયો હતો. શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં શાપર પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. દરમિયાન આજે સવારે રીબડાના ગુંદાસરા ગામ નજીકથી આ બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.  ગત સાંજે છ વાગ્યે આ બાળક તેના દાદીમાં ઘર નજીક સત્સંગમાં બેઠા હોઇ ત્યાં રમતો હતો અને પછી એકાએક ગાયબ થઇ ગયો હતો. હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ માસુમની હત્યા દોરડાથી ફાંસો દઇને અન્ય કોઇ સ્થળે કર્યા બાદ રીબડા નજીક ફેંકી દેવામાં આવ્યાનું પોલીસનું અનુમાન છે.

ચોંકાવનારા બનાવની જાણવા મળેલી માહિતી મુજબ શાપર શાંતિધામમાં રહેતાં અને કલર કામ કરી ગુજરાન ચલાવતાં હરેશભાઇ જબુલભાઇ વાઢેર (કોળી)નો પુત્ર હેત (ઉ.વ. ૪) ગઇકાલે સાંજે ઘર નજીક તેના દાદીમા જીવીબેન સત્સંગમાં બેઠા હોઇ તેની પાસે રમતો હતો. બાદમાં નજીકમાં ધુળના ઢગલા પર રમવા ગયો હતો. એ દરમિયાન તેના માતા જયાબેન કારખાનેથી આવતાં હેત દોડીને તેની પાસે ગયો હતો અને તેને વળગી પડ્યો હતો. એ પછી માતા ઘરમાં જતાં રહ્યા હતાં. અહિ સુધી દાદીએ હેતને જોયો હતો. પછી તેમને એમ હતું કે હેત પણ માતા સાથે ઘરમાં ગયો છે.

પરંતુ સત્સંગ પતાવી જીવીબેન ઘરે પહોંચ્યા ત્યારે હેત ઘરમાં જોવા ન મળતાં આસપાસમાં તપાસ શરૂ કરાઇ હતી. પણ કોઇ પત્તો મળ્યો નહોતો. કામે ગયેલા હેતના પિતા-કાકાને પણ જાણ કરવામાં આવી હતી. બધાએ મળી શોધખોળ શરૂ કરી હતી. ઘર નજીક એક પાનની દૂકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતાં બાળક તેના દાદીમા જ્યાં સત્સંગમાં બેઠા હતાં ત્યાં રમતો દેખાયો હતો. એ પછી ત કઇ રીતે ગૂમ થયો, કયાં ગયો? તેની કોઇને ખબર પડી નહોતી.

શાપર પોલીસ મથકમાં પિતા હરેશભાઇ વાઢેરે જાણ કરતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે તાકીદે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને શોધખોળ આરંભી હતી. પણ પત્તો મળ્યો નહોતો.

દરમિયાન આજે સવારે રીબડાના ગુંદાસરા પાસેથી એક બાળકની લાશ મળતાં તપાસ થતાં આ લાશ ગૂમ થયેલા હેતની જ હોવાનું સ્પષ્ટ થતાં ખળભળાટ મચી ગયો છે. આ બાળકનું અપહરણ કરી હત્યા કરવામાં આવ્યાનું ખુલતાં તપાસ શરૂ થઇ છે. ઘટનાની જાણ થતાં ગુમ થયેલા હેતના પિતા હરેશભાઇ અને કાકા મહેન્દ્રભાઇ સહિતના સ્વજનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેણે લાશ ઓળખી હતી અને તે સાથે જ પોક મુકી હતી. અપહરણ-હત્યામાં કોની સંડોવણી? તે અંગે ઉચ્ચ અધિકારીઓ ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ, શાપરના પીએસઆઇ સિંધુ, ગોંડલ તાલુકાના ઇન્ચાર્જ આઇપીએસ અમીત વસાવા સહિતની ટીમે તપાસ આરંભી છે.

મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

.હેતની હત્યા ગળુ દાબીને કે કોઇપણ રીતે શ્વાસ રૃંધીને કરવામાં આવ્યાનું પ્રાથમિક તારણ છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. ગળા પર દોરી કે દોરડાથી ફાંસો અપાયો હોય તેવા નિશાન પણ દેખાયા છે.

અપહૃત હેતની અન્ય કોઇ સ્થળે હત્યા કરી લાશ રીબડા નજીક ફેંકી દેવાઇ

. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે હેતને શાપરથી ઉઠાવાયા બાદ અન્ય કોઇપણ સ્થળે ગળુ દાબી હત્યા કરવામાં આવ્યા પછી લાશને રીબડાના ગુંદાસરા નજીક ફેંકી દેવામાં આવ્યાની શકયતા છે. કોઇપણ વાહનમાં લાશ લઇ જઇ રોડ સાઇડમાં જ ફેંકી દેવામાં આવ્યાનું જણાય છે. પોલીસે એફએસએલ અધિકારીઓને ઘટના સ્થળે બોલાવી તપાસ કરાવી હતી. પોલીસે શાપરમાં તથા હાઇવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસવા કવાયત આદરી છે.

હેતની હત્યામાં નજીકના જ કોઇની સંડોવણી હોવાની દિશામાં પણ તપાસ

. માસુમ હેત શુક્રવારે સાંજે ઘર નજીક તેના દાદીમાં પુરૂષોત્તમ માસના સત્સંગમાં હતાં ત્યાં રમતો હતો. બાદમાં તેની માતા જયાબેન કારખાનેથી કામેથી છુટીને આવી ત્યારે હેત દોટ મુકીને તેને વળગી ગયો હતો. એ પછી હેત ઘરમાં જતો રહ્યાનું તેના દાદીને લાગ્યું હતું અને એ ફરીથી સત્સંગમાં વ્યસ્ત થઇ ગયા હતાં. સત્સંગ પત્યા બાદ તે ઘરે ગયા ત્યારે હેત જોવા મળ્યો નહોતો. હત્યામાં કોઇ નજીકનાની સંડોવણી તો નથી ને? તે દિશામાં પણ તપાસ થઇ રહી છે. તમામ પરિવારજનોના મોબાઇલની કોલ ડિટેઇલ મેળવવા પણ કવાયત હાથ ધરાઇ છે. ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.

કોળી પરિવાર મુળ માળીયા હાટીનાના ભંડુરીનો વતનીઃ

કોળી દંપતિના ૬ વર્ષના પુત્રનું ડુબી જતાં મોત થયુ હતું: નાના પુત્ર હેતની હત્યા થઇ

. અપહરણ કરી હત્યા કરવામાં આવી એ હેતના પિતા હરેશભાઇ, માતા જયાબેન, દાદી જીવીબેન અને કાકા મહેન્દ્રભાઇ સહિતના પરિવારજનો મુળ માળીયા હાટીના તાબેના ભંડુરી ગામના વતની છે. છ વર્ષથી શાપર વેરાવળ સ્થાયી થયા છે. પિતા હરેશભાઇ અને કાકા મહેન્દ્રભાઇ કલર કામ કરે છે. હેતના મોટો ભાઇ જે છ વર્ષનો હતો તેનું ચાર વર્ષ પહેલા પાણીની કુંડીમાં ડુબી જતાં મોત થયું હતું. હવે એકના એક દિકરા હેતની હત્યા થઇ જતાં કોળી દંપતિ આઘાતમાં ગરક થઇ ગયું છે.

હેતના પિતાએ કહ્યું-મારા મિત્રના ફોનમાં અજાણ્યા શખ્સે ફોન કરી કહ્યું હતું કે મારે હરેશનું કામ છે...

એ ફોનમાં સામે ફોન જોડતાં સ્વીચ ઓફ આવ્યો હતો

. ગુમ થયા બાદ જેની લાશ મળી એ હેતના પિતા હરેશભાઇ જબુલભાઇ વાઢેરએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મારો દિકરો હેત ગુમ થયા બાદ અમે શોધખોળ કરતાં હતાં ત્યારે મારા મિત્ર જયેશભાઇ કોળી જે શેરડીના રસનો ચીચોડો ધરાવે છે તેના મોબાઇલ ફોનમાં ફોન આવ્યો હતો અને ફોન કરનારે 'મારે હરેશ વાઢેરનું કામ છે' એમ કહ્યું હતું. આ રીતે ત્રણેક વખત ફોન આવ્યો હતો. બાદમાં અમે એ નંબર પર ફરીથી ફોન જોડતાં ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. આથી કોઇ મારા દિકરાને ઉઠાવી ગયાની શંકા દ્રઢ બની હતી. હરેશભાઇએ એમ પણ કહ્યું હતું કે અમારે કોઇ સાથે માથાકુટ હતી નહિ. જો કે ગઇકાલે મારા નાના ભાઇ મહેન્દ્રને એક આહિર શખ્સ સાથે વાહન અથડાવવા બાબતે બોલાચાલી થઇ હતી. જો કે અપહરણ હત્યામાં કોની સંડોવણી છે? એ બહાર આવ્યું ન હોઇ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

હત્યા-અપહરણની તપાસ માટે જુદી-જુદી ત્રણ ટીમો બનાવાઇ

.માસુમ હેતનું અપહરણ કોણે અને શા માટે કર્યુ? હત્યા શા માટે થઇ? આ કોયડા મોડી બપોર સુધી અણઉકેલ છે. હેત ઘર નજીક જ રમતો હતો અને અચાનક ગાયબ થઇ ગયો હતો. બાદમાં તેની હત્યા કરાયેલી લાશ મળી હતી. ભેદ ઉકેલવા રૂરલ એસપી અંતરીપ સૂદની સુચનાથી અને ડીવાયએસપી દિનેશસિંહ ચોૈહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી, ગોંડલ તાલુકા પોલીસ અને શાપર પોલીસની ત્રણ ટીમો જુદી-જુદી દિશામાં તપાસ માટે દોડધામ કરી રહી છે.

(3:49 pm IST)