Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

૧૫ હજારની લાંચમાં સપડાયેલ મહિલા એએસઆઈ અને રાઈટર સહિત ૩ના આજે રીમાન્ડ મંગાશે

રાજકોટ, તા. ૨૬ :. ગઈકાલે ૧૫ હજારની લાંચ લેતા પકડાયેલ યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ અને રાઈટર સહિત ત્રણને આજે રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગઈકાલે એસીબીના પીઆઈ સી.જે. સુરેજા તથા સ્ટાફે ટ્રેપ ગોઠવી મહિલા એએસઆઈ ભાવનાબેન લાલજીભાઈ સંતોકી તેના રાઈટર ગોવિંદભાઈ ગજીયા તથા વચેટીયા ચાવાળા બીજલ દેવશી ગમારાને ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેતા શહેર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો. મહિલા એએસઆઈ ભાવનાબેન સોલંકીએ ફરીયાદી મહિલાના પતિના વિરૂદ્ધમાં વ્યાજખોરી અંગે થયેલ અરજીમાં સમાધાન થઈ જતા 'તમારૂ સમાધાન થયું, અમારૂ શું?' તેમ કહી એક લાખની માંગણી કરી હતી અને રકઝકના અંતે ૨૫ હજારમાં પતાવટ કરવા નક્કી કરાયુ હતું. આ પેટે ફરીયાદી મહિલાએ ૧૦ હજાર અગાઉ આપી દીધા હતા અને ગઈકાલે ૧૫ હજાર દેવા જતા પૂર્વે એસીબીને જાણ કરતા ટ્રેપ ગોઠવાઈ હતી અને આ ટ્રેપમાં એએસઆઈ ભાવનાબેન, રાઈટર ગોવિંદભાઈ તથા વચેટીયો ચાવાળો બીજલ ગમારા સપડાય ગયા હતા.

આ ટ્રેપ બાદ એસીબીએ બન્ને પોલીસ કર્મચારીના ઘરે જડતી કરી હતી પણ કંઈ મળ્યુ ન હતું. પકડાયેલ મહિલા એએસઆઈ ભાવનાબેન સંતોકી, રાઈટર ગોવિંદ ગજીયા તથા વચેટીયા ચાવાળા બીજલ ગમારાને આજે સાંજે એસીબી રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ એસીબીના પીઆઈ એમ.બી. જાની ચલાવી રહ્યા છે.(૨-૧૫)

(12:44 pm IST)