Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

આ વખતે મતદાન સ્લીપની જેમ હજારો લોકોને મતદાન સ્લીપ સાથેની માર્ગદર્શક બુકલેટ પણ નથી મળીઃ ચારેકોર ટીકા

કલેકટર તંત્રે ૧૫ થી ૧૭ લાખના ખર્ચે પોણા પાંચ લાખ બુકલેટ છાપી પણ BLO દ્વારા પહોંચાડાઇ નહીં... : નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચોંકી ઉઠયાઃઆવા તમામ BLO સામે પગલા લેવા નોટીસ ફટકારવા આપેલો નિર્દેશ

રાજકોટ તા.૨૬: રાજકોટ કલેકટર તંત્રના બુથ લેવલ ઓફિસરોએ આ વખતે મતદારોને મતદાન સ્લીપ પહોંચાડવામાં ભગા કર્યા- હજારો લોકો મતદાન સ્લીપ વિહોંણા રહ્યા... પરિણામે આમથી તેમ ભટકવું પડયું, ધોમધખતા તાપમાં લોકો હેરાન-પરેશાન થઇ ગયા, ખુદ તંત્રએ કબુલવું પડયું કે અનેક લોકોને મતદાન સ્લીપ પહોંચી નથી.

હવે નવો ભગો તંત્રનો કે બીએલઓનો બહાર આવ્યો છે, હજારો લોકોને મતદાન સ્લીપ સાથે આપવાની થતી માર્ગદર્શક બુકલેટ પણ બીએલઓ દ્વારા પહોંચાડાઇ નથી... અને તેની ચારેબાજુ ટીકા થઇ રહી છે.

વિગતો મુજબ કલેકટરતંત્રે ૧૫ થી ૧૭ લાખના ખર્ચે પરિવારદીઠ એમ કુલ ૧૮ લાખ૮૩ હજાર મતદારો માટે ૪ાા થી પ લાખ બુકલેટો છાપી, એક બુકલેટ છાપવા પાછળ રાા થી ૩ રૂ. નો ખર્ચ થવા જાય છે, પરંતુ હજારો લોકોને બીએલઓ દ્વારા બુકલેટ પહોંચાડાઇ નહી હોવાનું બહાર આવતા કંઇક રંધાઇ ગયાની ચર્ચા ઉપડી છે.

આ બાબતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાંધલે ''અકિલા''ને ઉમેર્યું હતું કે, અમે વિધાનસભા બેઠક વાઇઝ બુકલેટો જે તે ડે. કલેકટર-મામતલદારોને આપી દીધી હતી, બુકલેટ પહોંચી ન હોવાનું જાણી, તેઓ ચોંકી ઉઠયા હતા, અને આવા તમામ બીએલઓની સામે પગલા લેવા -નોટિસ ફટકારવા અંગે નિર્દેશ ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેર્યા હતાં.

ચૂંટણી પંચની સ્પષ્ટ સૂચના હોવા છતાં બુકલેટો અનેક લોકોને પહોંચી નહી તે તપાસનો વિષય છે, બુકલેટ ઓછી છપાઇ હોય અને પહોંચી ન હોય તો કોઇ સવાલ નથી, પરંતુ એવું પણ નહિ હોવાનું શ્રી ધાંધલે ''અકિલા''ને ઉમેર્યું હતું.

(3:43 pm IST)