Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

RTEમાં પ્રવેશ માટે રાજકોટમાં ૧૨૭૯૮ ફોર્મ ભરાયા

અમદાવાદમાં ૪૦ હજાર મળી સમગ્ર ગુજરાત રાજયમાં અઢી લાખ પ્રવેશ વાંચ્છુકોએ ઓનલાઈન ફોર્મ ભર્યા : તા.૬ મે એ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો

રાજકોટ, તા. ૨૬ : ગરીબ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં શિક્ષણ મેળવે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન કાયદો બનાવવામાં આવ્યો છે. આ વર્ષે સમગ્ર ગુજરાત રાજયમાં આરટીઈ પ્રવેશ માટે અઢી લાખથી વધુ ફોર્મ ઓનલાઈન ભરાયા છે.

'રાઈટ ટુ એજયુકેશન' હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોના પ્રવેશ માટે વાલીઓમાં મોટી સંખ્યામાં ધસારો જોવાયો છે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૨૦,૦૦૦ અને અમદાવાદ ગ્રામ્યમાં પણ ૨૦,૦૦૦ કરતા વધુ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ભરાયેલા આશરે ૪૦,૦૦૦ ફોર્મમાંથી ૩૦,૦૦૦થી વધુ ફોર્મ ડીઈઓ - ડીપીઈઓના માધ્યમથી એપ્રુવ પણ કરી દેવાયા છે.

આરટીઈ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનો ગુરૂવારે આખરી દિવસ હતો. ત્યારે ફોર્મની કોપી અને જરૂરી ડોકયુમેન્ટ નિયત રીસીવિંગ સેન્ટર ખાતે જમા કરાવવા જરૂરી હતી. તેની સમય મર્યાદા ૨૬ એપ્રિલથી વધારીને ૨૯ એપ્રિલ કરી દેવાઈ છે. સાથે જ ૧ મે સુધીમાં તમામ ઓનલાઈન જમા કરાવાયેલા ફોર્મની ડીઈઓ - ડીપીઈઓના માધ્યમથી ચકાસણી કરીને એપ્રુવ કરવાના રહેશે.

ત્યારબાદ ૬ના રોજ બાળકોને સ્કુલ પ્રવેશ આપવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે અને જે તે શાળા ખાતે વાલીઓએ ૧૩ મે સુધીમાં તમામ દસ્તાવેજ સાથે હાજર થઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે હાલ મળી રહેલા આંકડા મુજબ આશરે ૧,૮૦,૦૦૦ જેટલા ઓનલાઈન ફોર્મ અત્યાર સુધી ભરવામાં આવ્યા છે. સાથે જ સરકાર દ્વારા ૧,૧૭,૦૦૦ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ ફાળવવામાં આવશે.

દરમિયાન રાજકોટમાં રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ કુલ ૧૨૭૯૮ છાત્રોના ફોર્મ ઓનલાઈન ભરાયા છે.

(11:38 am IST)