Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મવડી ચોકડીએ ઓવર બ્રીજનું કામ પુર્ણતાના આરેઃ ૧પ એપ્રિલ બાદ ખુલ્લો મુકવા કવાયત

બ્રીજને રંગબેરંગી બનાવાશેઃ લોકસભાની ચૂંટણીની આચારસંહિતામાં પણ લોકોના ઉપયોગ માટે બ્રીજ ખુલ્લો મુકવા બંછાનીધી પાનીના પ્રયાસો

રાજકોટ, તા., ૨૬:  શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ મવડી ચોકડીએ નિર્માણ થઇ રહેલ ફલાય ઓવરબ્રીજ આવતા મહીને એટલે કે ૧૫ એપ્રિલ બાદ  ખુલ્લો મુકી દેવા મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાની  દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ મવડી ઓવરબ્રીજનું  કાર્ય પૂર્ણ થવાના આરે  છે. હવે બ્રિજ ઉપર રસ્તો તથા બ્રીજની નીચેના ભાગમાં સિમેન્ટ પ્લાસ્ટર, રંગરોગાન વગેરે નાનુ-મોટુ કામ જ બાકી છે જે વહેલી તકે પૂર્ણ કરી અને આગામી એપ્રિલ મહીનાની૧પ તારીખ બાદ લોકસભાની ચૂંટણીની આચારસંહિતામાં  પણ લોકોના ઉપયોગ માટે કોઇપણ જાતના ઉદઘાટન સમારોહ વગર જ ખુલ્લો મુકી દેવાશે.

નોંધનિય છે કે, ૫૬૯ મી. લંબાઈના આ ઓવરબ્રિજનું કામ અંદાજે રૂ.૩૨ કરોડના ખર્ચે પૂર્ણ થશે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઓમનગર ચોક થી ઉમિયા ચોક તરફ આર.કે. એમ્પાયર બિલ્ડીંગ પાસે આ બ્રિજ પૂર્ણ થાય છે. આ બ્રિજમાં પ્રત્યેક લેનની પહોળાઈ ૮.૪૦ મીટરની છે. તે મુજબની  ચાર લેનમાં આ બ્રિજ તૈયાર થઇ રહ્યો છે. આ બ્રિજમાં ૨૮ આર.સી.સી. પીઅર, ૮૪ આર.સી.સી. ગર્ડર તથા ૨૮ આર.સી.સી. ડેકસ્લેબ મુકવામાં આવેલ છે. હાલ આ બ્રિજની સૌથી અગત્યની એવી મેઈન સ્પાન પી.એસ.સી. બોકસની કામગીરી પણ પૂર્ણ થયેલ છે. બ્રિજની બન્ને બાજુની રિટેનિંગ વોલમાં DBM તેમજ સ્લેબ પર BCની કામગીરી પણ ૭૫% જેટલી પૂર્ણ થયેલ છે. અને સ્લેબ પર માસ્ટીક આસ્ફાલ્ટની કામગીરી પ્રગતિમાં છે. અન્ય અંડરસ્પેસ ડેવલપમેન્ટ, કલર કામ તેમજ બાકી રહેલ કોન્ક્રીટની કામગીરી પણ પૂર્ણતાના આરે છે. તેમજ કોન્ક્રીટને કયોરિંગ પીરિયડ ધ્યાનમાં લેતા, ફલાય ઓવરબ્રિજની સંપૂર્ણ કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ થશે અને એપ્રિલમાં બ્રીજ ખુલ્લો મુકાયા બાદ મવડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ જશે તેમ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આશા સેવાઇ રહી છે.

(3:49 pm IST)