Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

આવતીકાલે વિશ્વ રંગભૂમિ દિન

અમેરિકન થિયેટર પ્રવૃત્તિ

સૂરજ અને સોનું જ્યાં હંમેશ ઝગ્યા કરે છે તે ઉર્વીસાર દેશ અમેરિકાને હું 'યક્ષદેશ'ના હુલામણા નામથી બિરદાવું છું. થોડાએક વર્ષ પહેલાં એ ડોલરિયા દેશના પ્રવાસે જવાનું થયું ત્યારે, એની રંગભૂમિની રોનક સાથે નાતો બંધાયો. પૃથ્વીનું પાટનગર લેખાતી ન્યૂયોર્ક નગરીમાં રંગદેવતાના અનેક નાના મોટા મંદિરો છે. ભારતની રંગભૂમિ દ્વિભૂજા છે, એક ભુજાનું નામ છે શોખની (એમેચ્યોર) અને બીજાનું નામ છે વ્યવસાયી (પ્રોફેશ્નલ) રંગભૂમિ. જ્યારે અમેરિકન રંગભૂમિ અષ્ટભૂજા છે. જે માહેની (૧) બ્રોડવે થિયેટર (ર) ઓફ બોડવે થિયેટર અને (૩) શેકસપિયર ફેસ્ટીવલ થિયેટર. આ ત્રણે થિયેટર વિષે થોડું જાણીએ.

(૧) બ્રોડવે રંગભૂમિ : આને નિઃસંકોચ વિલાસની રંગભૂમિ કહી શકાય. શૃંગાર, રંગરાગ એના નગદ લક્ષણો. એ જમાનો હતો આ (૧૯૮૦) સદીના બીજા ત્રીજા દાયકાનો. જ્યારે તેના નાટકો દુનિયાને રંગભૂમિ પાઠ ભણાવતા. એ વર્ષોની ભર વસંત માણ્યા પછી, હવે આ બ્રોડવેની રંગભૂમિના દિલર, કાયાના કથળી ગયેલા રૂપ જોબનને કોસ્મેટીકસના થથેડા વડે ટકાવી રાખવાનો મરણિયો દેખાડો કરતી પ્રગલ્ભ વારવનિતા જેવા છે. બ્રોડવેનું બીજું નામ છે બજારૂ રંગભૂમિ. પણ તેનું હાડ અને હાર્દ હવે સડવા લાગ્યા છે. તે રોગિષ્ટ બની ગઇ છે. આ એટલા માટે કહી શકાય કે તેને હવે કલા ખાતર નાટક કરવાનો ખપ નથી રહ્યો. નખરા, ઠાઠ ઠઠારોને છાક છેલાઇ જ તેનો રોકડીયો વેપલો બની રહ્યો છે. આ સ્થિતિનું મુળ કારણ એ છે કે એ દેશમાં કોઇ સંગીત નાટ્ય પરંપરાનું અસ્તિત્વ જ નથી. આપણી ગુજરાતી રંગભૂમિ પર ઓછા વત્તે અંશે આ સ્થિતિ ક્ષિતિજે ડોકાતી હોય તેવો ભાસ થાય છે. 'રંગભૂમિએ માનવ સંસ્કૃતિનું આભ ઊંચેરૃં મંદિર છે.' એ મંત્ર હવે જાણે ટીખળ તરીકે ખપાવાતો હોય તેમ જણાય છે. જાણે કે બજારમાં જે માલનો ઉપાડ હોય તેનું જ ઉત્પાદન કરો બસ... કામ ચલાઉ સ્વાદ વાળો અને કેમીકલયુકત જ માત્ર...

(ર) ઓફ બ્રોડવે રંગભૂમિ : બ્રોડવેની બહાર, પણ એની હદ રેખાની લગોલગ જે નાટકશાળાઓ સ્થપાણી છે તે ઓફ બ્રોડવે - થિયેટરના નામે ઓળખાય છે. જાતવંત નાટકો અને કુલીન નિર્માણ - રીતિ એ આ રંગભૂમિની વિશિષ્ટતા. ન્યૂયોર્કના મેન હટન વિસ્તારનો, વોશિંગ્ટન સ્કેવરની બાજુએ, નહી શ્રીમંત નહીં દરિદ્ર એવો મધ્યમ કક્ષાનો રંગભીનો એ લતો છે. એ લતો એટલે ઓફ બ્રોડવેનું ધામ. નિષ્ઠાવંત અને અલગારી કલાકારોનો ત્યાં આવકારો હંમેશ હોય છે. આડે દિવસે ખાસ નહીં પણ શુક્ર, શનિ અને રવિની ઉઘડતી સાંજે અને જામતી રાતે એ શેરીઓમાં મનોરંજનની મહેફિલો જામે છે. સંગીત નૃત્ય અને નાટયના હેલારે ચઢીને એ ગલીઓ ગાંડી તૂર બને છે. નાટયધર્મીઓને ઘેલા કરે એવી નાજુક નરવી આ રંગભૂમિ છે. સ્વપ્ન દૃષ્ટા રંગકર્મીઓ જુના અને નિસ્તેજ રૂપોને બદલવા અહીં ઝઝુંમતા હોય છે. ખ્વાબીઓ અહીં તપસ્વીની જેમ ઇચ્છીતવર પામવા અડીંગા લગાવે છે. રૂચિવંત પ્રેક્ષકોએ તન, મન અને ધનથી આને વધાવી લીધી. તેણે જાહેર કર્યું  કે આ ઓફ બ્રોડવે રંગભૂમિ નગરની નિર્માલ્ય નાટય પ્રવૃતિમાં દૈવત પૂરી શકે તેમ છે. વરસે દહાડે અહીં ૭૦૦થી ૧૦૦૦ નાટકો ભજવાય છે. માટે ન્યુયોર્કની તે સૌથી મોટી અસ્કયામત બની ગઇ છે અને તેથી જ રસજ્ઞો હોંશે હોંશે તેની ટીકીટો ખરીદી આ રંગમંદિરના અસ્તિતવને ટકાવી રાખી તેને સતત ઝગમગતું રાખે છે અને તરવરીયા તરૂણ નાટય કલા કર્ણધારોની એક નવી હરોળ સ્વપ્નાઓના સૂરજ લઇ ઉમંગભેર ત્યાં આગળ આવી રહી છે.

(૩)  શેકસપિયર ફેસ્ટીવલ થિયેટર : નાટય મહર્ષિ શેકસપિયર ભલે સોળમી સદીમાં ઇંગ્લેન્ડના રંગમંચ પર એની લીલા પાથરી ગયો હોય, પણ વર્ષો અને સૈકાઓ વીતતા ગયા તેમ તેમ, એની શબ્દ સિદ્ધિએ એને વિશ્વવંદ્ય બનાવી દીધો. ૧૯પ૦માં એ સમયની સ્મૃતિ જીવંત રાખવા કૃતશીઓએ એના નામનો નાટ્યોત્સવ યોજયો હતો. જેમાં ૩ શેકસપિયરના અને બે અન્ય લેખકોના હોય તેમ નક્કી થયું હતું. જેના સર્વેસર્વા હતાં જોસેફ પાપ અને માઇક કહાન. તે બાદથી આ પરંપરા ૩૦ વર્ષ થયા એટલા માટે ચાલુ છે કે પ્રેક્ષકોએ તેને ભરપૂર ઇજજત આપી. છતાં તેમાં સ્ટાર સીસ્ટમ ઘૂસી ન શકી. કલાકાર કરતા નાટય કલાનો અહીં આંક ઉંચો અંકાય છે. લોકોને અભિનેતા કરતા નિર્માતાના સામર્થ્યમાં વધુ શ્રદ્ધા બેસતી હતી. બે એકને બાદ કરતા શેકસપિયરના બધા જ નાટકો અહીં ભજવાઇ ગયા તેના એક અન્ય આયોજક લેન્ગર કહેતા કે નાટયોત્સવને જોતા પ્રેક્ષકોને લાગવું જોઇએ કે આ દેશની પોતાની નિર્માણ શૈલીથી નાટકને રમતું કરવામાં આવ્યું છે. શેકસપિયરના નાટકોના મંચ માટે આ અમારી મુખ્ય શરત છે. વિદ્યાર્થીઓ માટે ટીકીટનો દર અડધો જ રખાતો, જેનો હેતુ તેને નાટયાભિમુખ કરવાનો હતો. આ વ્યવસ્થાથી લાખો વિદ્યાર્થીઓ નાટકો જોવા આવી પડતા. અનેક દાચ જોસેફ પાપ એટલા માટે જ કહેતા કે નાટય જગતની હર એક નવી પેઢી શેકસપિયર પોતાના જ છે એવો દાવો કરતી આવી છે. (તા.ક. ગુજરાતી રંગભૂમિના અભ્યાસુ, રંગકર્મી તથા લેખક સ્વ.શ્રી વજુભાઇ ટાંકના ઉપરોકત શિર્ષકના ૧૯૭૯ના પેપરનું સંક્ષિપ્તી કરણ)(૨૧.૧૯)

અખિલ વિશ્વ નાટ્ય મહોત્સવ

જગતના નકશા પર આ ડોલરીયા દેશનું પ્રતિષ્ઠાન થયાને બે સૈકા ૧૯૭૬માં થયા. એની ઉજવણી નિમિત્તે દુનિયાભરની આશરે ચાલીશ જેટલી સંપન્ન નાટ્ય મંડળીઓ, આ દેશની આઝાદીને અહોભાવન અંજલિ આપવા અને તેનું આતિથ્ય માણવા પધારી હતી. આ વિશ્વ નાટ્ય મહોત્સવનો પ્રણેતા હતો બ્રોડવેનો એલેકઝાન્ડર કોહન અને તેનું સલાહકાર મંડળ વિશ્વભરની રંગભૂમિના સોએક જેટલા ટોચના નિષ્ણાતોનું બનેલું હતું. બધી જ મંડળીઓએ પહેલા ન્યૂયોર્કના રંગમંચ પર બાદ અમેરિકાના અન્ય શહેરો પછી કેનેડાના ટોરોન્ટો અને સ્ટ્રેટફોર્ડના રંગમંચો પર પોતાના નાટકો રજુ કર્યા હતા. આ નાટ્ય મહોત્સવ સાચુકલા અને ઉત્સાહી ઉત્સુક નાટ્યધર્મીઓ માટે એક મહામોલુ નજરાણું બની રહ્યો હતો.

 આલેખન

કૌશિક સિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:46 pm IST)