Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રામનવમીના પવિત્ર દિવસે મહિલા પીએસઆઇ રામાનુજ અને ટીમે ત્રણ ગૌવંશનો જીવ બચાવ્યો

જંગલેશ્વરમાં ઇકબાલ મીનીવાડીયાના ઘરમાં થતી'તી ગેરકાયદે કતલઃ એક વાછરડાને કાપી નાંખ્યોઃ છરી-કુહાડા-વજનકાંટો કબ્જે

રાજકોટઃ જંગલેશ્વર શેરી નં. ૨૬માં રહેતો ઇકબાલ ગનીભાઇ મીનીવાડીયા પોતાના બંધ ફળીયામાં રામનવમીના દિવસે ગૌવંશ વાછરડાની ગેરકાયદેસર રીતે કતલ કરતો હોવાની માહિતી વાવડીના જાગૃત નાગરિક કિશન ધર્મેન્દ્રભાઇ સોલંકી (રજપૂત)ને થતાં તેણે ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતાં પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ મહિલા પી.એસ.આઇ. આર. સી. રામાનુજ, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ભદ્રેશા, દિગ્પાલસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત સહિતના ત્યાં પહોંચ્યા હતાં. પોલીસ ત્રાટકતા ઇકબાલ છનનન થઇ ગયો હતો. પોલીસને એક કતલ કરાયેલુ વાછરડુ મળ્યું હતું. બીજા ત્રણને પાણી-નીરણની વ્યવસ્થા વગર ક્રુરતાથી બાંધી રખાયા હોઇ પોલીસે મુકત કરાવ્યા હતાં. પશુ ડોકટરને બોલાવી માંદા જેવા આ વાછરડાને ત્યાં જ બાટલા ચડાવી સારવાર અપાવી હતી અને બાદમાં પાંજરાપોળમાં મુકવા વ્યવસ્થા કરી હતી. આ અંગે આઇપીસી ૨૯૫ (એ), ૪૨૯, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫, ૬, ૮, ૯, તથા પુશ પ્રત્યે ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી ભાગી છૂટેલા ઇકબાલની શોધખોળ હાથ ધરી છે. પોલીસે વજન કાંટો, છરી, કુહાડી કબ્જે લીધા છે. મોરબી તરફથી આ વાછરડાને ઇકબાલ લાવ્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. સંવેદનશીલ ગણાતા જંગલેશ્વરમાં મહિલા પી.એસ.આઇ. અને ટીમે આ કાર્યવાહી કરતાં અધિકારીઓએ પ્રશંસા કરી હતી.

(4:19 pm IST)