Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

થોરાળાના મનહરપરામાં પારકી પરણેતર સાથેના પ્રેમસંબંધને લીધે કાળુ જૂણેજાને છરીના ઘા ઝીંકાયા

પ્રેમિકાના પતિ ભીખો શાહમદાર, તેનો ભાઇ હનીફ અને બનેવી રશીદે વાત કરવા બોલાવી હુમલો કરી દીધોઃ પડખા-બેઠક પર ઇજાઃ ત્રણેય સકંજામાં

રાજકોટ તા. ૨૬: થોરાળા પાસેના મનહરપરા-૪માં રહેતાં રિક્ષાચાલક કાળુ બચુભાઇ જૂણેજા (ઉ.૪૦) નામના સંધી યુવાનને તેની પ્રેમિકાના પતિ સહિત ત્રણ જણાએ વાતચીત કરવાના બહાને બોલાવ્યા બાદ બે જણાએ પકડી રાખી ત્રીજાએ પડખા અને બેઠક પર છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો છે. સિવિલ હોસ્પિટલ મારફત થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં પી.એસ.આઇ. એમ. એફ. ડામોર અને કોન્સ. નારણભાઇ શીરોલીયાએ ગંભીર ઇજાગ્રસ્ત કાળુના ભાઇ ઇમ્તિયાઝ ઉર્ફ ીલાલો બચુભાઇ જૂણેજા (ઉ.૨૬-રહે. મનહરપરા-૬)ની ફરિયાદ પરથી ભીખો શાહમદાર (ફકીર), તેના ભાઇ હનીફ શાહમદાર અને બંનેના બનેવી રશીદ સામે આઇપીસી ૩૨૬, ૩૨૩, ૧૧૪, ૫૨૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી ત્રણેયને રાતોરાત સકંજામાં લઇ લીધા છે.

કાળુના ભાઇ લાલાએ જણાવ્યા મુજબ કાળુ ત્રણ ભાઇમાં મોટો છે અને રિક્ષા હંકારે છે. તેના પત્નિ હયાત નથી. કાળુભાઇને ભીખાની ઘરવાળી જાહીદા સાથે પ્રેમસંબંધ છે. આ બાબતે ભીખાને ખબર પડતાં ગઇકાલે રાત્રે ભીખો, તેનો ભાઇ અને બનેવી વાતચીત કરવાના બહાને આવ્યા હતાં અને કાળુભાઇને બહાર બોલાવ્યા હતાં. આ વખતે પોતે તથા પોતાના પત્નિ, માતા સહિતના લોકો પણ ઘર બહાર આવ્યા હતાં. કાળુભાઇને વાત કરવાના બહાને સાઇડમાં લઇ જવાયા બાદ હનીફ અને રશીદે પકડી રાખી ભીખાએ છરીથી હુમલો કરી દીધો હતો. દેકારો મચતાં ત્રણેય ભાગી ગયા હતાં. જો કે મોડી રાતે પોલીસે તેને પકડી લીધા હતાં. હાલમાં ભીખાની પત્નિ વાંકાનેર તેના માવતરે જતી રહી છે. ગંભીર ઇજાગ્રસ્ત કાળુભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(4:18 pm IST)