Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સોની વેપારીઓ સાથે કરોડોની ઠગાઇઃ ત્રિપૂટીને ક્રાઇમ બ્રાંચે દબોચી

રાજકોટના બંગાળી વેપારીને ફોર્ચ્યુન હોટેલમાં બોલાવી ૧૬ લાખના સોનાની ઠગાઇ કરી'તીઃ આ ગુના સહિતના ભેદ ઉકેલાયા : સુત્રધાર ગાંધીગ્રામના કોૈશિષ ઉર્ફ આશિષ રાણપરા અને બે મનહર પ્લોટના મુકેશ કલાડીયા તથા મહારાષ્ટ્રના ધર્મેન્દ્ર માંડલીયા પકડી લેવાતાં ૧૧ ગુનાનો ભેદ ખુલ્યોઃ ૬,૪૬,૪૮૦નો મુદ્દામાલ કબ્જેઃ અગાઉ પણ મારામારી-છેતરપીડી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકયા છે : કોૈશિક ઉર્ફ આશિષ ફેસબૂક મારફત સોનાના મોટા વેપારીઓનો કોન્ટેકટ કરી પોતાની ઓફિસે બોલાવી મોટો વેપારી હોવાની છાપ ઉભી કરતો બાદમાં જે તે વેપારી પાસેથી સોનુ મંગાવી દાગીના ઓળવી જતો

રાજકોટ તા. ૨૬: રાજકોટ, અમદાવાદ, રાયપુર સહિત રાજ્યભરમાં સોનાના મોટા વેપારીઓનો ફેસબૂક સહિતના માધ્યમોથી કોન્ટેકટ કરી પોતે મોટો સોનાનો વેપારી છે તેવો દેખાવ ઉભો કરી બાદમાં જે તે વેપારી સાથે વાતચીત કરી ધરોબો કેળવી પોતાના બે સાગ્રીતોને મોકલી સોની વેપારીઓ પાસેથી લાખોના સોનાના દાગીના ખરીદી તેના પૈસા ન ચુકવી કરોડોની ઠગાઇ કરનાર રાજકોટ ગાંધીગ્રામના સોની શખ્સ, તેના સાગ્રીત મનહરપ્લોટના સોની શખ્સ અને મહારાષ્ટ્રના એક સોની શખ્સને ક્રાઇમ બ્રાંચે દબોચી લેતાં ૧૧ ઠગાઇના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

 

આજથી ત્રણ મહિના પહેલા હાથીખાના શેરી નં. ૬/૧૫માં રહેતાં અને સોનાના દાગીના બનાવી વેંચવાનું કામ કરતાં બંગાળી વેપારી નજમુલ મુજાલિમ હક્ક (ઉ.૩૯) સાથે અમદાવાદના કોૈશિક, ધર્મેન્દ્ર બાબુલાલ સોની અને મુકેશે સોનુ ખરીદવાના બહાને રૂ. ૧૬,૨૫,૦૦૦ના ૫૨૫ ગ્રામ સોનાની ઠગાઇ કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ સુચના આપતાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. જયસુખભાઇ હુંબલ, જગમાલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ, કૃપાલસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા સહિતનાએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન જયસુખભાઇ, જગમાલભાઇ અને સંતોષભાઇને બાતમી મળી હતી કે આ ઠગાઇનો સુત્રધાર કોૈશિક ઉર્ફ આશિષ અરવિંદભાઇ રાણપરા (ઉ.૨૯) લાખના બંગલા પાસે આશાપુરા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં રહે છે અને હાલમાં તે સાગ્રીતો સાથે માધાપર ચોકડીએ આવ્યો છે.

આ બાતમી પરથી ત્રણેયને દબોચી લેવાતા તેની પાસેથી રૂ. ૬,૪૬,૪૮૦નો મુદ્દામાલ મળતાં કબ્જે લઇ પુછતાછ કરવામાં આવતાં ઠગાઇના ૧૧ ગુના કબુલ્યા હતાં. કોૈશિક સાથેના શખ્સોએ પોતાના નામ ધર્મેન્દ્ર બાબુલાલ માંડલીયા (સોની) (ઉ.૫૧-રહે. બી-૩૦૨, ગોપી કિશન પાટીલ કોમ્પલેક્ષ, નાઇ ગામ વસઇ મહારાષ્ટ્ર તથા મુકેશ મનહરલાલ કલાડીયા (સોની) (ઉ.૪૦-રહે. મનહરપ્લોટ-૧૨/૧૫, શ્રી પેલેસ બ્લોક નં. ૧૦૩-રાજકોટ) જણાવ્યા હતાં.

આ ત્રણેયે હાથીખાના વેપારી સાથે ૧૬.૨૫ લાખની ઠગાઇ કરવા પ્લાન ઘડ્યો હતો. કોૈશિકે પોતે મોટો વેપારી છે તેવી ઓળખ આપી બાદમાં સોનુ ખરીદવા માટે પોતાના સાગ્રીતોને ફોર્ચ્યુન હોટેલમાં મોકલ્યા હતાં. સાગ્રીતોએ પોતે રાજકોટથી અજાણ હોવાનું બહાનુ ધરી બંગાળી વેપારીને હોટેલ પર દાગીના સાથે બોલાવ્યા હતાં અને બાદમાં વાતચીત દરમિયાન બંને દાગીના લઇ છનન થઇ ગયા હતાં.

અન્ય કબુલાતો મુજબ અઢી મહિના પહેલા રાજકોટના જયદિપભાઇ રાણપરાનો ફેસબૂકથી સંપર્ક કરી અમદાવાદ સી. જી. રોડ પર આવેલી આર.એમ. જ્વેલર્સ નામની ઓફિસે બોલાવી તેની સાથે છેતરપીડી કરી ૪૮૨ ગ્રામ સોનાના દાગીના મેળવી લીધા હતાં. એ વખતે સાથે મહેશ ઉર્ફ શાહરૂખ તથા વિશાલ મોનાલી અને મુકેશ કલાડીયા પણ હતાં.

ઉપરાંત ગત ડિસેમ્બર કમાસમાં અમદાવાદના મહેશભાઇ સોની સાથે રૂ. ૪,૭૦,૦૦૦ની ઠગાઇ, ડાયાભાઇ પટેલ સાથે રૂ. ૨ લાખની ઠગાઇ, ત્રણ માસ પહેલા એમ.એસ. પારાનો ફેસબૂકથી કોન્ટેકટ કરી ૩૦ ગ્રામ સોનાના પારાની ઠગાઇ, દસેક મહિના પહેલા નવરંગપુરાના ઠાકોરજી જ્વેલર્સમાંથી ૪૦ કિલો ચાંદી અને ૫૧૦ ગ્રામ સોનાના દાગીના મળી ૩૩ લાખની ઠગાઇ, નોટબંધીના સમયમાં રાજકોટના ડો. સમીરભાઇને વિશ્વાસમાં લઇ ૩૦ લાખની જુની ચલણી નોટોના બદલામાં નવી નોટો આપવાની લાલચ આપી ચીટીંગ  કર્યુ હતું. તે વખતે આશિષ લોહાણા, જસપાલ, જામનગરનો મિલન સોની, કેતન કનૈયાલાલ પણ સાથે હતાં.

બે વર્ષ પહેલા અમદાવાદ સી.જી. રોડ પર રૂત્નેશ કોમ્પલેક્ષમાં ઓફિસ હતી ત્યારે રાજકોટના હકાભાઇ પટેલ પાસેથી રૂ. ૨૧ લાખના ૭૦૦ ગ્રામ વજનના સોનાના સાનીયાની ઠગાઇ કરી હતી. તે વખતે કોૈશિક સાથે ઠગાઇમાં મુકેશ કલાળીયા, મિલન સોની અને સાગર પારેખ પણ હતાં.

આઠ વર્ષ પહેલા અમદાવાદના આર.એમ. જ્વેલર્સ નામની પેઢીના નામે વેપારીઓને ૫ લાખનો ધૂંબો મારી દીધો હતો. ચાર વર્ષ પહેલા અમદાવાદ માણેક ચોકમાં નથન બંગાળી પાસેથી ૧૨૦ ગ્રામ સોનુ લઇ ઠગાઇ કરી હતી. પંદરેક મહિના પહેલા ઝારખંડના રાયપુરની સદર બજાર, પુરાની બસ્તીના બંગાળી કારીગર સાથે ૮ લાખની ઠગાઇ કરી હતી.

હાલ પકડાયેલા ત્રણેય પાસેથી સોનાના ઢાળીયા રૂ. ૬,૦૦૪,૮૦ના તથા ૪૬ હજારના ૬ મોબાઇલ ફોન કબ્જે લેવાયા છે. કોૈશિષ ઉર્ફ આશિષ વિરૂધ્ધ અગાઉ રાજકોટના એ-ડિવીઝન, બી-ડિવીઝન, માલવીયાનગર, ગાંધીગ્રામ, ભકિતનગર, પ્ર.નગરમાં ચોરી-ચિલઝડપ-મારામારી-અપહરણ-મહિલા પોલીસ મથકમાં ૪૯૮નો કેસ મળી ૧૧ જેટલા ગુના નોંધાયા છે. ધર્મેન્દ્ર માંડલીયા વિરૂધ્ધ અમદાવાદમાં ચાંદખેડા, સેટેલાઇટ પોલીસમાં બેંક સાથે છેતરપીંડી, બનાવટી નોટોના ગુના તથા મુકેશ કલાડીયા વિરૂધ્ધ રાજકોટ બી-ડિવીઝનમાં સોનાની ઠગાઇનો ગુનો દાખલ થયો છે.

આ ટોળકી જુદા-જુદા શહેરના પોશ વિસ્તારોમાં ઓફિસ શરૂ કરી મોટા-મોટા વેપારીઓનો કોન્ટેકટ કરી ઓફિસે વાતચીત કરવા બોલાવી પ્રભાવ ઉભો કરી બાદમાં  સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી પૈસા ન ચુકવી ઠગાઇ કરતાં હતાં. ત્રણેયની વિશેષ પુછતાછ થઇ રહી છે. (૧૪.૧૫)

(4:17 pm IST)