Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શ્રી હરિ પ્રાગટયોત્સવની ઉજવણી

રાજકોટ : પ્રમુખ સ્વામી મહારાજની ૯૮ મી જન્મ જયંતિના મહોત્સવના ઉપક્રમમાં કાલાવડ રોડ સ્વામીનારાય મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણના ૨૩૮ માં પ્રાગટય ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. આ દિવસે વિશિષ્ટ દર્શન, નીલકંઠવર્ણી અભિષેક અને અન્નકુટ દર્શન ખુલ્લા મુકાયા હતા. સવારે શણગાર આરતી બાદ 'શ્રીહરિ ચરિતમ' પર પૂ. સંતોની કથાવાર્તાનો લાભ અપાયો હતો. બપોરે રામજન્મોત્સવની આરતી ઉતારવામાં આવી હતી. જયારે સાંજે નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં મહાપૂજા તેમજ ઠાકોરજીને કેશર જળાભિષેક કરવામાં આવેલ. ભગવાન સમક્ષ વિશ્વ શાંતિ માટે સ્વામિનારાયણ મહામંત્ર ધૂન ગાન કરી વિવિધ વાનગીઓનો અન્નકુટ ધરાવી આરતી દર્શન ખુલ્લા મુકાયા હતા. રાત્રે પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે પ્રાગટયોત્સવની વિશિષ્ટ સભાનો લાભ ધર્મપ્રેમીજનોએ બહોળી સંખ્યામાં લીધો હતો. જેમાં સંતોએ મનનીય ચિંતન રજુ કરેલ. ધર્મ સિધ્ધ કરવા માટેના ધર્મ, ભકિત, જ્ઞાન અને વૈરાગ્ય એમ ચાર પાયારૂપ સાધનો વિષે વિડીયો શો ના માધ્યમથી માર્ગદર્શન અપાયુ હતુ. સમગ્ર પ્રાગટોત્સવના સમાપન ચરણમાં રાત્રે ધૂન, આરતી, કીર્તનગાન રૂપી ભકિત કરી શ્રી હરિને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. અંદાજીત દસ હજારથી વધારે ભાવિક ભકતોએ આ ધર્મોત્સવનો લાભ લીધો હતો. તેમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની યાદીમાં જણાવાયુ છે.

(4:16 pm IST)