Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

બાર કાઉ.ના ઉમેદવારોને કોર્ટ પરિસરમાંથી બેનરો હટાવી લેવા આદેશ

ર૮ મીએ યોજાનાર ચૂંટણી પુર્વે પ્રચારનો ધમધમાટઃ કુલ રપ જગ્યા માટે ગુજરાતના ૯૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગઃ જમણવારના કાર્યક્રમો થતાં બાર કાઉ.ને અરજીઃ ગુજરાતભરના પ૦ હજારથી વધુ વકીલો ર૮ મીએ મતદાન કરશે

રાજકોટ તા. ર૬ :.. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રપ સભ્યો ચૂંટવા માટે આગામી તા. ર૮-૩-ર૦૧૮ ના રોજ ચૂંટણી યોજનાર છે. આ માટે બાર કાઉન્સીલ દ્વારા રાજકોટ જિલ્લાના નિમાયેલ મતદાન અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે કે, આ ચૂંટણી માટે તા. ર૮-૩-ર૦૧૮ ના રોજ રાજકોટના મતદારો માટે રાજકોટની સીવીલ કોર્ટ બિલ્ડીંગમાં પ્રથમ માળે સવારના ૧૦ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી મતદાન થશે.

અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મતદાન કરવા આવનાર દરેક મતદારને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવેલ અસલ ઓળખ પત્ર સાથે લાવવુ ફરીજીયાત છે. કોઇ સંજોગોમાં જો આવુ ઓળખપત્ર ન મળી શકે તેમ હોય તો જ મતદાન અધિકારીને સંતોષ થાય તે રીતે સરકાર માન્ય અને ફોટા વાળુ આઇડેન્ટી પ્રુફ અસલ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે આધાર રજૂ કરવાનો રહેશે અને આવો આધાર સંતોષકારક લાગશે તો જ મતદાન કરવા દેવામાં આવશે.

બાર કાઉન્સીલમાં  રપ ઉમેદવારોને ચૂંટવાના હોય અને આ ચૂંટણી પ્રેફરન્સીયલ વોટથી કરવાની હોય દરેક મતદાર ૧ થી રપ સુધીના ગમે તેટલા મત આપી શકશે પરંતુ આ મતદાન માત્ર આંકડાથી જ કરવાનું રહેશે જેમ કે પોતાની પ્રથમ પસંદગીના ઉમેદવારને એકડો, બીજી પસંદગીના ઉમેદવારને બગડો, ત્રીજી પસંદગીના ઉમેદવારને ત્રગડો એમ એકડો, બગડો, ત્રગડો તે રીતે વધુમાં વધુ રપ સુધીના ઉમેદવારોને મતદાન કરી શકાશે.

મતદાન કરનારે કોઇપણ ઉમેદવારને પ્રથમ મત એટલે કે એકડો કરવો ફરજીયાત છે. એકડાથી મતદાન કર્યા વગર સીધા બગડા, ત્રગડા વિગેરેથી મતદાન કરી શકાશે નહીં.

એકવાર મતદારને મત પત્રક આપ્યા બાદ બીજુ મત પત્રક આપી શકાશે નહીં જેથી મતદારે મત પત્રક લીધા પછી તેને યોગ્ય રીતે મતદાન કરીને મત પેટીમાં નાખવાનું રહેશે. મત આપવામાં જો કોઇ ભુલ થયેલ હશે તો તેવા કારણસર ફરી વખત મત પત્રક આપવામાં આવશે નહીં. બાર કાઉન્સીલ દ્વારા પ્રસિધ્ધ કરાયેલ મતદાર યાદીમાં જેનું નામ હશે તે મતદારે જ મત આપવાનો અધિકાર રહેશે તે સિવાય અન્ય કોઇને મતદાન કરવા દેવામાં આવશે નહી અને ચૂંટણી વખતે મતદાર યાદીમાં નામ ઉમેરી શકાશે નહીં.

મતદાન મથકમાં મતદારને કોઇપણ પ્રકારનું ચૂંટણીને લગતુ કોઇ લખાણ કે સાહિત્ય સાથે રાખવા દેવામાં આવશે નહીં તેમજ મતદાન સમયે મોબાઇલ કે અન્ય ડીવાઇસનો ઉપયોગ કરી શકાશે નહીં.

રાજકોટમાંથી બાર કાઉન્સીલની ચૂંટણી દિલીપભાઇ પટેલ, જીજ્ઞેશભાઇ જોષી, સિધ્ધરાજસિંહ જાડેજા, જયંતભાઇ પંડયા, રાજેશ વોરા, વિગેરે લડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી રપ જગ્યા માટે ૯૯ ઉમેદવારો ચૂંટણી લડી રહેલા છે.

દરમ્યાન ઉમેદવારો દ્વારા કોર્ટના પ્રિમાઇસીસમાં બેનરો લગાવાતા બાર કાઉન્સીલ દ્વારા બેનરો હટાવવા જણાવતા ઉમેદવારો દ્વારા બેનરો ઉતારાયા હતા તો જમણવારના કાર્યક્રમો થતાં બાર કાઉ.ને તે અંગે પણ અરજી મળેલ હોય. વધુ આકરા પગલા ભરાઇ રહ્યાનું જાણવા મળે છે.

દરમ્યાન રાજકોટની કોર્ટ પ્રીમાઇસીસમાં ઉમેદવારોએ પ્રચાર માટે બેનરો મુકેલા હોવાની બાર કાઉન્સીલને જાણ થતાં રાજકોટ ખાતેના ઓથોરાઇઝડ પોલીંગ ઓફીસર આર. એમ. વારોતરીયા, તથા મહર્ષિભાઇ પંડયાએ ઉમેદવારોને પત્ર પાઠવીને  સુચના આપેલ કે, કોર્ટ પ્રીમાઇસીસમાં હોર્ડીંગ્સ, બેનર, સ્ટીકર્સ લગાવવાથી આચાર સંહિતાનો ભંગ થતો હોય બેનરો ઉતારી લેવા જણાવાયું છે.

બાર કાઉ.ની ચૂંટણીમાં તા. ર૮ મી એ સવારના ૧૦ થી પ દરમ્યાન રાજકોટમાં સીવીલ કોર્ટ બીલ્ડીંગ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ગુજરાતમાં કુલ પ૦ હજારથી વધુ મતદારો છે. જેઓ રપ સભ્યોને ચૂંટી કાઢવા ચૂંટણી લડી રહેલા ૯૯ ઉમેદવારોને મતદાન કરશે. બાર કાઉ.ની ચૂંટણી પુર્વે ઉમેદવારો દ્વારા જોરદાર પ્રચાર કાર્ય થઇ રહ્યું છે.

(4:14 pm IST)