Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ર૬ : વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપી સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ગુમાનસિંહ ઝાલાએ ચંદ્રશનગર, શેરી નં. પ, મવડી પ્લોટ, રાજકોટ ખાતેર હેતા બલરાજસિંહ ઉર્ફે-બાલી વનરાજસિંહ રાણાને ૧૦૦ પાઇપર સ્કોચ વ્હીસ્કીની બોટલ સાથે પકડીને તેના વિરૂદ્ધ પ્રોહીબીશનની નવીકાયદાની કલમ હેઠળ ગુનો નોંધેલ હતો.

ઉપરોકત કેસ ચાલી જતા આરોપી તરફે તેના વકીલ અમીત એન. જનાણીએ જણાવેલ કે, તપાસ કરનાર અધિકારીએ સબંધીત દારૂ બનાવતી કંપનીમાં જઇને તપાસ કરેલ અને કહેવાતી કબજે કરવામાં આવેલ બોટલો અને કંપનીના સીલની સામ્યતા કરેલ છે, પરંતુ આવો કોઇ પુરાવો ફરીયાદપક્ષે રજૂ થયેલ નથી. તેમજ જે મુદામાલ કબ્જે લીધેલ છે તેના ઉપર સબંધીત પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદાર અથવા પી.એસ.આઇ.શ્રીએ પોતાનો કોઇ સીલ મારેલ હોય તેનો કોઇ ઉલ્લેખ નથી. જેથી આ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જી.એલ.આર.-૪૩૩ ધીરજલાલ ગાંડાભાઇ વિરૂદ્ધ સ્ટેટના ચુકાદામાં જણાવ્યા મુજબ તેનો લાભ આરોપીને મળવો જોઇએ. ઉપરોકત કામમાં કોઇ સ્વતંત્ર સાહેદોના પુરાવાથી કોઇ સમર્થન મળતું નથી. માત્ર પોલીસ સાહેદને જુબાનીના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ આરોપી બલરાજસિંહે ઉર્ફે-બાલી વનરાજસિંહ રાણાને રાજકોટના જયુડી. મેજી.શ્રીએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, શૈલેષ એમ. ગોંડલીયા રોકાયા હતાં.

(4:13 pm IST)