Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આઇ-વે પ્રોજેકટઃ રેસકોર્ષમાં હાઇસ્પીડ 'વાઇ-ફાઇ'

૨૦ કરોડના ખર્ચે શહેરમાં વધુ ૫૦૦ સીસીટીવી કેમેરા મુકવાનો પ્રારંભઃ ૪૪ વોર્ડ ઓફિસો, જાહેર શાકમાર્કેટ સહિતના સ્થળોએ કેમેરા મુકાશેઃ વિગતો જાહેર કરતા મ્યુ. કમિશ્નર બંછાનિધી - મેયર ડો. જૈમનભાઇ

રાજકોટ તા. ૨૬ : મ્યુ. કોર્પોરેશનના આઇ-વે પ્રોજેકટ હેઠળ હવે બીજા તબક્કામાં શહેરમાં વધુ ૫૦૦ સીસીટીવી કેમેરા મુકવાનો પ્રારંભ થઇ ગયાનું અને હવે આ પ્રોજેકટ અંતર્ગત રેસકોર્ષમાં હાઇ-સ્પીડ 'વાઇ-ફાઇ' મુકવાની યોજના સાકાર થશે. તેમ મેયર ડો. જૈમન ઉપાધ્યાય તથા મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જાહેર કર્યું છે.

મેયર ડો.જૈમન ઉપાધ્યાય તથા મ્યુનીસિપલ કમિશ્નર એક સયુંકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરની સલામતી માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા કુલ રૂ.૬૭ કરોડના ખર્ચે શહેરમાં ૯૭૩ સી.સી.ટી.વી.કેમેરાઓ નાખવાનું આયોજન કરેલ છે. જે પૈકી પ્રથમ ફેઇઝમાં ૪૨૭ સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવેલ. તેમજ નાનામૌવા મલ્ટી એકટીવીટી સેન્ટર તથા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી એમ બે સ્થળોએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ જેનું લોકાર્પણ અગાઉ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું હતું. હવે આ પ્રોજેકટના દ્વિતીય તબક્કાની કામગીરીનો પ્રારંભ થઈ ચુકયો છે.

આ બીજા તબ્બકામાં અંદાજે રૂ.૨૦ કરોડના ખર્ચે રાજકોટ આઈ-વે પ્રોજેકટ હેઠળ ૫૦૦ સી.સી.ટીવી કેમેરા લગાડવાનો શુભારંભ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની જેમાં  ઝૂ, સ્ટોર તેમજ જુદી જુદી બધી જ મિલકતોને આવરી લેવામાં આવશે. તેમજ જુદા જુદા વિશેષ ૧૦ સ્થળોએ એલ.ઈ.ડી. બોર્ડ મુકવામાં આવશે.

આ ઉપરાંત શહેરની તમામ ૪૪ વોર્ડ ઓફિસોને, બધા જ રેનબસેરા,કોર્પોરેશનનિ ૪ શાકમાર્કેટો વિગેરે પણ કવરેજ કરાશે.  આ ઉપરાંત ટ્રાફિક વાળા જુદા જુદા ૧૦ સ્થળોને(ANPRRLVD) આવરી લેવામાં આવશે.  ખાસ કરીને રેસકોર્ષ ખાતે હાઈસ્પીડ વાઈફાઈ પણ કાર્યરત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારશ્રીના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ તથા 'સેઇફ એન્ડ સીકયોર ગુજરાત' પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરા તથા અન્ય આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ ઉભી  કરવા માટે એક મેગા પ્રોજેકટ 'રાજકોટ આઇવે પ્રોજેકટ' હાથ ધરવામાં આવેલ છે. કોઈ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ સાથે મળીને આ પ્રકારનો કમ્બાઈન્ડ સીસીટીવી પ્રોજેકટ કાર્યરત કર્યો હોય તેવું ભારત દેશમાં પ્રથમવાર બન્યું છે. આવું પ્રથમ શહેર બનવાનો શ્રેય રાજકોટને ફાળે જાય છે.

કુલ રૂ. ૬૭ કરોડનો ખર્ચ ધરાવતા આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેરમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર જુદી જુદી આ પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કામાં કુલ ૯૭૩ કેમેરા પૈકી શહેરનાં તમામ મુખ્ય માર્ગો પર ૪૮૭ સીસીટીવી કેમેરા, જાહેર જનતાને જાહેર હિતની માહિતી માર્ગદર્શન આપવા ૧૦ સ્થળોએ વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન, ૧૪ વાઈ-ફાઈ એકસેસ ઝોન તથા તેમજ ૨૦ સ્થળોએ પર્યાવરણની વિસ્તૃત માહિતી આપતા સેન્સર IOT (એન્વાયરમેન્ટ સેન્સર) ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં આ કામ માટે અંદાજે રૂ. ૪૭,૫૦,૦૦,૦૦૦ જેટલો ખર્ચ થયો છે.

આ પ્રોજેકટ રાજકોટ મહાનગરપાલિકાની અને રાજકોટ શહેર પોલીસની કામગીરીમાં મહત્વપૂર્ણ પૂરવાર થશે. મહાનગરપાલિકાની વાત કરૂ તો શહેરમાં કયા માર્ગ પર સફાઈ થઇ છે કે નથી થઇ, શહેરના માર્ગો પર વાહન પાર્કિંગ બરોબર નહી થવાને કારણે કયા કયા સ્થળે ટ્રાફિક સંબંધી પ્રશ્નો સર્જાય છે, કચરો ઉપાડતા વાહનો જે તે માર્ગને બરોબર આવરી લ્યે છે કે કેમ, મહાનગરપાલિકાના જુદા જુદા સંસ્થાનો અને જાહેર સંપતિનું મોનિટરિંગ વગેરે હેતુઓ માટે આ પ્રોજેકટ આશીર્વાદરૂપ પૂરવાર થશે.

મહાનગરપાલિકાની માલિકીના ખુલ્લા પ્લોટની જાળવણીમાં આ પ્રોજેકટ કેવી રીતે ઉપયોગી થશે એ જાણીને તમોને નવાઈ લાગશે. ટેકનોલોજીના સહારે ખુલ્લા પ્લોટની વર્ચ્યુઅલ બાઉન્ડ્રી નિશ્ચિત કરવામાં આવી છે. લક્ષ્મણ રેખા સમી આ બાઉન્ડ્રી ક્રોસ કરી જો કોઈ વ્યકિત આ પ્લોટમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કરશે તો તુર્ત જ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ટ્રીપ વાયર એલાર્મ વાગી ઉઠશે. આવી રીતે જાહેર સંપતિમાં અનાધિકૃત દબાણ થતું સત્વરે અટકાવી શકાશે. આ જ પ્રકારે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સ્પીડ લીમીટ ક્રોસ કરશે તો પણ તુર્ત જ એલાર્મ વાગી ઉઠશે અને જે તે સંબંધિત ડ્રાઈવર સામે ઓન ધ સ્પોટ પગલાં લઇ શકાશે.

આ ઉપરાંત શહેરમાં થતા 'સ્કાડા' સિસ્ટમની મદદથી પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા તથા ડ્રેનેજ સિસ્ટમ અને શહેરની સ્ટ્રીટ લાઈટોનું મોનિટરિંગ પણ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં થઇ શકશે.

જયારે બીજા તબ્બ્કાની કામગીરી સંપૂર્ણ થયા બાદ રૂ. ૪૭ કરોડના ખર્ચે મુખ્ય એક જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. આ સેન્ટર માત્ર મહાનગરપાલિકા કે શહેર પોલીસ જ નહી પરંતુ અન્ય સરકારી વિભાગોને પણ ઉપયોગી થઇ શકશે. આ આધુનિક પ્રણાલીની મદદથી શહેરના ટ્રાફિક ઉપરાંત મનપાની સેવાઓ અને ફિલ્ડ કામગીરીનું મોનીટરિંગ પણ થઇ શકશે. સાથોસાથ શહેરના મોટા ગાર્ડન, આજી ડેમ, ન્યારી ડેમ, પમ્પિંગ સ્ટેશન, ગાર્બેજ કલેકશન સેન્ટર, વોર્ડ ઓફિસો, હોસ્પિટલો અને અન્ય યુટીલીટીઝ તેમજ અન્ય મહત્વપૂર્ણ જાહેર સ્થળો અને માર્ગો ઉપર નીરિક્ષણ કરી શકાશે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાએ સીસીટીવીની સાથોસાથ ૧૦ જાહેર સ્થળોએ લોકોને માહિતી, માર્ગદર્શન અને જાહેર હિતની જરૂરી સૂચના આપવા માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન મુકયા છે જે રોજબરોજ તો ઉપયોગી છે જ પરંતુ કોઈ કટોકટી વખતે તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. રાજકોટવાસીઓને મહાનગરપાલિકાએ બી.આર.ટી.એસ. ટ્રેક પર બસ સ્ટેન્ડ ખાતે ફ્રી વાઈ-ફાઈ સેવા આપ્યા બાદ હવે શહેરના અન્ય ૧૫ સ્થળોએ પણ લોકોને ફ્રી વાઇ-ફાઇ સેવા ઉપલબ્ધ બનાવી છે. અત્યારનો સમય જ્ઞાનનો યુગ કહેવાય છે ત્યારે આ સુવિધા આપતી વખતે મહાનગરપાલિકાએ શૈક્ષિણક સંકુલો કવર થતા હોય વિસ્તારો ખાસ પસંદ કરેલ છે જેથી વિદ્યાર્થી ભાઈ-બહેનો તેનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત શહેરના કેટલાક ગાર્ડન પણ તેમાં આવરી લીધા છે.

(3:58 pm IST)