Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

રૂડાની ટીપી યોજના મંજુર થયા બાદ તમામ રસ્તાઓ ખુલ્લા કરોઃ તો જ વિકાસ શકય બનશે

રીંગ રોડ કે મુખ્ય રસ્તાઓ સિવાય રૂડા અન્ય કોઇપણ રોડ રૂડા ખોલતું જ નથી... : રૂડા વિસ્તારના ખેડુત ખાતેદારોનું કલેકટરને આવેદનઃ કપાતનું આયોજન માત્ર કાગળ ઉપર બની રહે છે....

રૂડા વિસ્તારના આગેવાન ખેડૂતો-બીલ્ડરોએ કલેકટરને આવેદન પાઠવ્યું ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ર૬: રૂડા વિસ્તારના આગેવાન ખેડૂત ખાતેદારો વિશાલ દોંગા, સૂર્યકાંત પટેલ તથા અન્યોએ રૂડાના ચેરમેન અને કલેકટર ડો. વિક્રાંત પાંડેને આવેદનપત્ર પાઠવી મુસદા યોજનાના રસ્તાઓની જમીનના કબજા લઇ સ્થળ ઉપર રસ્તા ખુલ્લા કરવા અંગે રજુઆતો કરી છે.

આવેદનમાં ઉમેર્યું છે કે, સત્તામંડળ દ્વારા વિકાસ યોજનાના અમલી કરણ માટે નગર રચના યોજનાઓ બનાવવામાં આવી રહેલ છે. નર રચના યોજનાઓ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કાયદાકીય જોગવાઇને અનુરૂપ તૈયાર કરવાની રહે છે. આ કાયદાની કલમ-૪૦(૩) ની જોગવાઇ પ્રમાણે સત્તામંડળ રસ્તા તથા અન્ય જુદા-જુદા હેતુ માટે જમીન કપાત કરી મુસદ્દા યોજના તૈયાર કરે છે. મુસદ્દા યોજનામાં યોય પહોળાઇના રસ્તાઓ તથા બગીચા, ખુલ્લી જગ્યા, સ્કુલ, દવાખાના, રહેણાંક હેતુના વેંચાણ માટે, વાણીજય હેતુના વેંચાણ માટે તથા નબળા વર્ગના લોકોના આવાસ માટેના પ્લોટો અનામત રાખે છે. મુસદ્દા યોજના બનાવવાનો ઇરાદો જાહેર કર્યા બાદ ખાતેદારોની જમીન ઉપર જણાવેલ જુદા-જુદા હેતુ માટે કપાત કરવામાં આવે છે. પરંતુ આ કપાતનું આયોજન ફકત કાગળ પર જ બની રહે છે. ખાતેદારોની જમીન કપાત કરી તેના વિકાસ પર એક જાતનો બાન આવી જાય છે.

સત્તામંડળ દ્વારા રસ્તાનો કબ્જો મેળવી લીધા બાદ પણ રસ્તાની આયોજન માત્ર અને માત્ર કાગળ પણ બની રહે છે. યોજનામાં આવેલ રીંગ રોડ કે વધુ પહોળાઇના મુખ્ય રસ્તાઓ સિવાય કોઇપણ રસ્તાઓ સત્તામંડળ દ્વારા સ્થળે ખોલવામાં આવતા નથી. આથી વચ્ચેના ખેતરના કોઇ ખાતેદારને પોતાની જમીનમાં વિકાસ કરવો હોય ત્યારે પોતાની જમીનમાંથી પસાર થતા ટી.પી. રોડ તથા જાહેર હેતુના પ્લોટની જમીન છોડીને બાકી રહેતી જમીનમાં વિકાસ કરવાનો રહે છે. આવા સંજોગોમાં જો આજુબાજુના ખેતરના ખાતેદારો વિકાસ કરવા માંગતા ન હોય અને ખેતી પ્રવૃતિ કરી રહેલ હોય અને ટી.પી. રોડનો કબ્જો લેવાયા બાદ પણ સ્થળે રસ્તાઓ ખુલ્લા કરે ન હોવાને કારણે ખેતરની જમીન લેન્ડ લોક થઇ જાય છે અને વિકાસ કરવા માગતા ખાતેદારોને પારવાર હાર્ડમારી/મુશ્કેલી પડે છે. અને આર્થિક રીતે પણ ન ભરપાઇ થઇ શકે તેવું નુકશાન ભોગયું પડે છે. મુસદ્દા યોજના મંજુર થયા બાદ સત્તામંડળ બેટરમેન્ટ ચાર્જ-ફાળો આગોતરા વસુલી કરી લે છે પરંતુ સ્થાનિકે રસ્તાઓ ખોલવા જેવું અગત્યનું કામ વર્ષો સુધી એક યા બીજા બહાના હેઠળ બાકી રાખી ખેડુત ખાતેદારો માટે બધી રીતે મુશ્કેલી ઉભી કરે છે.

આથી રજુઆતો ધ્યાને લઇ મુસદ્દા યોજના મંજુર થયા બાદ તમામ રસ્તાઓ સ્થળે ખુલ્લા કરવામાં આવે તેવી રજુઆત છે. તમામ રસ્તાઓ ખુલ્લા થાય તો જ યોજના વિસ્તારનો યોગ્ય રીતે આયોજનબધ વિકાસ થઇ શકે અને ખેડુત ખાતેદારે પડતી મુશ્કેલી કંઇક અંશે નિવારી શકાય.

(3:56 pm IST)