Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

શહેરમાંથી ગેરકાયદે હોર્ડીંગ્સ-બેનરો દૂર કરવા મ્યુ. કમિશ્નરને રજૂઆત

ગેરકાયદે ફ્રેમ સ્ટ્રકચરો-હોર્ડીંગ્સની એડ એજન્સીઓને ભારે નુકશાનીઃ રાજકોટ આઉટડોર એસો. દ્વારા કમિશ્નરને આવેદન પાઠવાયુ

રાજકોટ, તા. ૨૬ :. શહેરમાં ગેરકાયદે લગાવાયેલા હોર્ડીંગ્સ બોર્ડ તથા બેનરો દૂર કરવા રાજકોટ આઉટડોર એસોસીએશન દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરાઈ છે.

 

આ રજૂઆતમાં જણાવાયુ છે કે, રાજકોટ શહેરમાં ટેન્ડર પ્રક્રિયા મુજબ વિવિધ સ્થળો ઉપર હોર્ડિંગ, કિઓસ્ક, બસ શેલ્ટર, ગેન્ટ્રી તેમજ સીટી બસના માધ્યમથી જાહેરાતના કોન્ટ્રેકટની ફાળવણી કરવામાં આવે છે જેના દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને માતબર રકમની આવક પણ થાય છે.

જ્યારે શહેરના મહાનગરપાલિકાની હદમાં આવતા અલગ અલગ વિસ્તારમાં ખાનગી સંસ્થાઓ દ્વારા તેમજ ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદે રીતે નાની મોટી સાઈઝના બેનર તેમજ ફ્રેમ સ્ટ્રકચર ધરાવતા ડિસ્પ્લે બોર્ડ કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી વિના લગાવી દેવામાં આવતા હોય છે. જેનાથી સ્માર્ટ શહેર રાજકોટની સુંદરતામાં પણ ઘટાડો થાય છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક નુકશાન પણ ભોગવવું પડે છે. આ સાથે જે એડવર્ટાઈઝીંગ એજન્સી લાખો રૂપિયા રાજકોટ મહાનગર પાલિકાને એડવાન્સમાં ચુકવે છે અને ટેન્ડર દ્વારા કોન્ટ્રેકટ મેળવે છે તેની બાજુમાં જ આ પ્રકારના ગેરકાયદે ડિસ્પ્લે બોર્ડ મુકવાથી એજન્સીને પણ વ્યવસાયિક નુકશાન વેઠવું પડે છે.

ઉપરોકત બાબતે રાજકોટ શહેરમાં આવેલ ત્રણેય ઝોનમાંથી ઉપરોકત ગેરકાયદે બેનર તેમજ ફ્રેમ સ્ટ્રકચરવાળા ડિસ્પ્લે બોર્ડ દૂર કરવા માંગ છે.(૨-૨૯)

(3:46 pm IST)