Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

લાલપરી તળાવમાં ન્હાવા જતા ડૂબી જતા બે બાળકોના મોત

એક યુવાને સવારે રાંદરડા તળાવમાં કૂદી આપઘાત કર્યો તેની ઓળખ થઇ નથી ત્યાં બપોરે ડૂબી જવાની ઘટના : જુના માર્કેટ યાર્ડ પાછળ યુવરાજનગરમાં રહેતા રાજા (ઉ.૧૫) અને પંકજ (ઉ.૧૩)ના મોતથી બિહારી પરિવારોમાં કલ્પાંત: ડૂબી જતાં મોતને ભેટેલા રાજા બીન અને પંકજ રામના નિષ્પ્રાણ દેહ

રાજકોટ તા. ૨૬: ઉનાળો આવતાં જ લોકોએ ડેમ-તળાવ-નદીઓમાં ન્હાવાનું શરૂ કરી દીધુ છે. ગઇકાલે રવિવારે આજીડેમમાં પણ અનેક લોકો ન્હાવા પડ્યા હતાં. ત્યાં આજે બપોરે લાલપરી તળાવમાં બે બિહારી બાળકો ન્હાવા જતાં ડૂબી જતાં બંનેના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 

જાણવા મળ્યા મુજબ જુના માર્કેટ યાર્ડ પાછળ યુવરાજનગર મફતીયાપરામાં રહેતાં  રાજા એકમભાઇ બીન (બિહારી) (ઉ.૧૫) અને તેનો મિત્ર પંકજ કિશોરભાઇ રામ (બિહારી) (ઉ.૧૩) બપોરે ઘર નજીક લાલપરી તળાવમાં ન્હાવા ગયા હતાં. બંને એકાએક ઉંડા પાણીમાં ગરક થઇ જતાં દેકારો મચી ગયો હતો. ભેગા થઇ ગયેલા લોકોએ બંનેને બહાર કાઢી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ બંનેના મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાજા બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને પિતા સાથે કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. જ્યારે પંકજ ધોરણ-૭માં અભ્યાસ કરતો હતો. તે ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. પિતા કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. બનાવથી બંનેના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:45 pm IST)