Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ઘંટેશ્વર પાસે બાઇક ખાડામાં ઉતરી જતાં બીબીએની છાત્રા ગોંડલની આશા પટેલનું મોતઃ સાથેના સાવન પટેલને ઇજા

મૃતક કડવા પટેલ યુવતિ એકાદ વર્ષથી રાજકોટ એવરેસ્ટ પાર્કમાં બહેનપણીઓ સાથે રૂમ રાખી રહેતી'તીઃ અલગ-અલગ બાઇક પર મિત્રો જામનગર રોડની હોટલે જમવા ગયા'તાઃ સાવનનો બર્થ ડે હતોઃ પરત આવતી વખતે બનાવઃ ત્રણ યુવતિ અને ત્રણ યુવાન જમવા ગયા'તાઃ જમ્યા બાદ અલગ-અલગ રવાના થયાઃ પોણા બે વાગ્યે ટ્વિન્કલ અને પાર્થ સોરઠીયાએ ખાડામાં બાઇકની લાઇટ થતી જોઇ તપાસ કરતાં આશા અને સાવન ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા

રાજકોટ તા. ૨૬: મોડી રાત્રે પોણા બે  વાગ્યા આસપાસ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક ગોળાઇમાં બાઇક સ્લીપ થઇ જતાં ચાલક રાજકોટના લેઉવા પટેલ યુવાનને ગંભીર ઇજા થઇ હતી અને તેની પાછળ બેઠેલી મુળ ગોંડલની અને હાલ રાજકોટ રૂમ રાખીને બીબીએનો અભ્યાસ કરતી કડવા પટેલ યુવતિને ગંભીર ઇજા થતાં તેણીનું મોત નિપજ્યું હતું. ત્રણ છોકરી અને ત્રણ છોકરા રાત્રે અલગ-અલગ બાઇકમાં જામનગર રોડ પરની હોટેલમાં જમવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે બાઇક સ્લીપ થઇ ખાડામાં ઉતરી જતાં આ દૂર્ઘટના સર્જાઇ હતી. યુવાન અને આશાસ્પદ દિકરીના મોતથી ગોંડલના કડવા પાટીદાર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. તો સાથે ભણતી સહેલીઓ શોકમાં ગરક થઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ રાત્રીના ઘંટેશ્વર નજીક ગોળાઇમાં બાઇક નં. જીજે૩જેએચ-૪૯૩૦ સ્લીપ થઇ ખાડામાં ઉતરી જતાં બાઇકના ચાલક મવડી બાપા સિતારામ ચોકમાં રહેતાં સાવન જગદીશભાઇ દુધાત્રા (ઉ.૨૩) અને તેની પાછળ બાઇકમાં બેઠેલી હાલ કાલાવડ રોડ મેકડોનાલ્ડ પાછળ એવરેસ્ટ પાર્ક-૪ બ્લોક નં. ૪ ખાતે રહેતી આશા ભીખુભાઇ ભુત (કડવા પટેલ) (ઉ.૧૮)ને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ને જાણ થતાં ઇએમટી વિજયભાઇ ગઢવી અને પાઇલોટ નિલેષભાઇ ગોસ્વામીએ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. અહિ આશાને તબિબે મૃત જાહેર કરી હતી અને સાવનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એચ. બી. ગઢવી અને રાઇટર રાજેશભાઇ મિંયાત્રાએ હોસ્પિટલે અને બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતક આશાના પિતા ગોંડલ ગુંદાળા રોડ પર વલ્લભ વાટીકામાં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં ભીખુભાઇ પોલાભાઇ ભુત (ઉ.૬૫)ની ફરિયાદ પરથી બાઇક ચાલક સાવન દુધાત્રા સામે અકસ્માત સર્જવાનો ગુનો નોંધ્યો હતો.

ભીખુભાઇના કહેવા મુજબ મારે સંતાનમાં બે દિકરી છે. જેમાં ડિમ્પલ (ઉ.૨૯) મોટી છે જેના લગ્ન થઇ ગયા છે. તે રાજકોટ સાસરે છે. નાની દિકરી આશા (ઉ.૧૮) કાલાવડ રોડ મટુકી હોટેલ પાછળ ગ્રેસ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. એકાદ વર્ષથી તે એવરેસ્ટ પાર્ક-૪માં બહેનપણીઓ સાથે રૂમ રાખીને રહેતી હતી.

મને રાત્રે અઢી વાગ્યે મારી દિકરી આશાના ફોનમાંથી ફોન આવ્યો હતો અને વાત કરનારે પોતે આશાની બહેનપણી બોલતી હોવાનું અને આશાનું એકસીડન્ટ થયાની જાણ કરતાં હું તથા મારા પત્નિ નયનાબેન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. અહિ મારી દિકરીની લાશ જોવા મળી હતી અને બાઇક સ્લીપ થયાનું કહેવાયું હતું. હોસ્પિટલે હાજર મારી દિકરીની બહેનપણી ટ્વિન્કલ કિશોરભાઇ કપુરીયાએ મને કહેલ કે હું, આશા, રજનીકા ગોસાઇ, સાવન દુધાત્રા, પાર્થ સોરઠીયા, રાજદિપસિંહ એમ બધા રવિવારે રાત્રે અગિયારેક વાગ્યે જામનગર રોડ ટી.જી.એમ હોટેલ ખાતે જમવા ગયા હતાં.

રાત્રે સવા એકાદ વાગ્યે જમીને અમે ત્યાંથી નીકળ્યા હતાં. હું તથા પાર્થ સોરઠીયા બંને પાર્થના બાઇકમાં, રજનીકા તેના મિત્ર રાજદિપસિંહના બાઇકમાં અને આશા તથા સાવન બંને સાવનના બાઇકમાં નીકળ્યા હતાં. અમે બધા અલગ-અલગ રવાના થયા હતાં. હું અને પાર્થ જામનગર રોડથી નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર જતાં હતાં ત્યારે પોણા બે વાગ્યા આસપાસ ઘંટેશ્વર એસઆરપી કેમ્પની ગોળાઇ પાસેના ખાડામાં બાઇકની લાઇટ થતી હોઇ અકસ્માત થયાનું જણાતાં હું અને પાર્થ ઉભા રહ્યા હતાં અને જોવા જતાં આશા તથા સાવનને અકસ્માત નડ્યાની ખબર પડતાં તુર્ત જ ૧૦૮ બોલાવી હતી. બંનેને સિવિલમાં લાવ્યા હતાં. પણ આશાને ડોકટરે મૃત જાહેર કરી હતી. સાવનને બીજી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. તેનો ગઇકાલે બર્થ ડે હોવાથી બધા જમવા ગયા હતાં.

ઉપરોકત વાત ટ્વિન્કલે મૃતક આશાના પિતાજી ભીખુભાઇને કરી હોઇ પોલીસે એ મુજબ ફરિયાદ નોંધી હતી. લાડકી દિકરીના મોતથી પરિવાજનો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૭)

(12:04 pm IST)