Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

આજી જીઆઇડીસીમાં ફોટોફ્રેમની ફેકટરીમાં આગથી દોઢેક કરોડનું નુકસાનઃ ધૂમાડાથી ત્રણને ગુંગળામણ

વણિક ભાવેશભાઇ સંઘાણી અને કુંભાર વિપુલભાઇ ખોખરની ભાગીદારીના કારખાનામાં શોર્ટ સરકિટથી આગ લાગીઃ ૧૪ મશીનો, પ્લાયવૂડનો જથ્થો, કાચનો જથ્થો, પ્લાસ્ટીકના દાણા, વાહનો સહિત બધુ જ ખાક

રાજકોટઃ રવિવારે સાંજે ૮૦ ફુટ રોડ પર આજી જીઆઇડીસીમાં આવેલા વિરાણી ચોક પાસે ઉત્સવ એપાર્ટમેન્ટમાં રહેતાં ભાવેશભાઇ બળવંતરાય સંઘાણી (વણિક) અને ચુનારાવાડમાં રહેતાં તેમના ભાગીદાર વિજયભાઇ પ્રવિણભાઇ ખોખર (કુંભાર)ના ફોટો ફ્રેમ બનાવવાના કારખાનામાં  ભિષણ આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. આગની જાણ થતાં ફાયર ફાઇટરો દોડ્યા હતાં. છ ફાયર ફાઇટરોએ પાંચેક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

ભાવેશભાઇ સંઘાણીના જણાવ્યા મુજબ મશીન ઉપરના હેકઝોસ્ટ ફેનમાં શોર્ટ સરકિટ થતાં આગ ભભૂકી હતી. આગમાં પ્લાયવૂડનો જથ્થો, કાચનો જથ્થો, પ્લાસ્ટીકના દાણા, ફોટા ફ્રેમનો જથ્થો, લાકડાની પટ્ટીઓ, કાપડ તેમજ રેકઝીનના કલરનો જથ્થો તેમજ વાહનો પણ ખાક થઇ ગયા હતાં. ૩૩૦૦ વારના આ કારખાનામાં લગભગ બધુ જ ખાક થઇ ગયું હતું. આગથી દોઢેક કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. ભાવેશભાઇએ વધુમાં કહ્યું હતું કે આગ લાગી ત્યારે પોતે બહાર હતાં. એ પહેલા ભાગીદાર વિજયભાઇ ખોખર (ઉ.૩૪) અને તેના ભાઇઓ રાજશેભાઇ ખોખર (ઉ.૩૨) તથા હિતેષભાઇ ખોખર (ઉ.૩૦) આગ બુઝાવવા પ્રયાસ કરતાં હોઇ ધૂમાડાને કારણે ગુંગળામણ થતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. રાત્રે આગ બુઝાવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો પ્રથમ તસ્વીરમાં અને આગ પછી કેવી હાલત થઇ તે અન્ય તસ્વીરોમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૮)

(12:03 pm IST)