Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સૂર્યદેવ આકરા મૂડમાં: હિટવેવની આગાહી

ભેજમાં સતત ઘટાડો : બે થી ત્રણ દિવસ ગરમીનો પારો ૪૦-૪૧ ડિગ્રી આસપાસ રહેશે : આજે અને કાલે સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારો અને દિવમાં પણ ગરમ પવનો ફૂંકાશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨૬ : છેલ્લા બે દિવસથી તાપમાન ઉંચકાયુ છે. ભેજમાં થઈ રહેલા સતત ઘટાડાના પગલે ગરમીમાં વધારો થયો છે. દરમિયાન આવતા બે - ત્રણ દિવસમાં સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી આસપાસ રહેશે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં હવામાન ખાતા દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવતા આવનારા ૪૮ કલાકમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે લોકોએ તૈયાર રહેવુ પડશે. છેલ્લા છ દિવસથી ભેજના પ્રમાણમાં સતત ઘટાડાને કારણે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જાય તેવી સંભાવના વ્‍યકત કરવામાં આવી રહી છે. ઉત્તર - પૂર્વના પવનો ફૂંકાતા સૌરાષ્‍ટ્રમાં આગામી ૪૮ કલાક દરમિયાન હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવમાન વિભાગના જણાવ્‍યા મુજબ બે દિવસ પહેલા સૌરાષ્‍ટ્રમાં ૬૦ થી ૯૪ ટકા ભેજ નોંધાયો હતો. જયારે રાજકોટમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા સુધી રહેવા પામ્‍યુ હતું. જો કે ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતા ગરમીનો પારો ૨ થી ૩ ડિગ્રી ઉંચકાશે. હિટવેવની આગાહીને પગલે તંત્ર સજ્જ બની ગયુ છે અને લોકોને જરૂર પુરતુ જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે. ઉનાળો વધુ આકરો બનવાનો છે.

રાજયના મુખ્‍ય આઠ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાયુ હતું. હવામાન વિભાગે જણાવ્‍યુ હતું કે આજે અને કાલે સૌરાષ્‍ટ્રના દરિયા કિનારાના વિસ્‍તારો અને દિવમાં પણ ગરમ પવન ફૂંકાશે.

 

(4:07 pm IST)