Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રૂડાની વીર સાવરકરનગરમાં પાણી સહિતની સમસ્યા ઉકેલો પછી જ રહેવાસી સંચાલન લેશે

લીફટ-ફાયર સેફટીના સાધનો અને ખામીયુકત બાંધકામોઃ બગીચો વેરાન થઈ ગયોઃ પાણી ભરવા એક કિ.મી. દૂર જવુ પડે છેઃ પાર્કિંગ પણ અવ્યવસ્થિતઃ તંત્ર એ લોકો સાથે છેતરપીંડી કર્યાના આક્ષેપોઃ લાભાર્થીઓમાં રોષ

સુવિધા આપોઃ કાલાવડ રોડ વિસ્તારમાં અવધ રોડ ઉપર રૂડાએ બનાવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાના ફલેટધારકોને પાણી સહીતની સુવિધા નહી મળતા આ બાબતે રહેવાસીઓનુ પ્રતિનિધ મંડળે 'અકિલા'કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવી વિગતો રજુ કરી હતી તે વખતની તસ્વીરઃ જનકસિંહ ઝાલા, રાજુભાઇ ડાભી, પંકજભાઇ જોષી, હરેશભાઇ જોશી, મહેન્દ્રભાઇ ગણાત્રા વગેરે નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૬ :. શહેરના છેવાડે 'રૂડા' (શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા) મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગરીબ મધ્યમ વર્ગના લોકોને બે બેડ અને વન બેડના ફલેટની યોજના સાકાર કરી છે, પરંતુ આ યોજનામાં મૂળ જે પ્રકારનું બાંધકામ, પાણીની સુવિધા, આંગણવાડી વગેરેની જે પ્રાથમિક સુવિધાઓ દર્શાવાઈ છે તે મુજબ હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી થઈ અને આવી વ્યવસ્થા વગર જ રહેવાસીઓને આ 'વીર સાવરકરનગર' ફલેટ યોજનાનું સંચાલન સંભાળવા તંત્ર દબાણ કરી રહ્યુ હોય આ સામે રહેવાસીઓએ જબરો વિરોધ દર્શાવીને 'તંત્ર વાહકો સૌ પ્રથમ આ સ્થળે સંપૂર્ણ સુવિધા આપે ત્યાર પછી જ સંચાલન સંભાળશે તેવો નિર્ણય લીધાનું જાહેર કર્યુ છે.

આ અંગે 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલા અવધ રોડ પર 'રૂડા' દ્વારા નિર્મિત 'વીર સાવરકરનગર'ના રહેવાસીઓના પ્રતિનિધિ મંડળે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ અને તેઓની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજુઆત કરતા જણાવેલ કે, આ આવાસયોજનામાં દરેક ફલેટધારક એક પરિવારની જેમ રહે છે પરંતુ જયાં સુવિધાના નામે મીડું હોઇ તેનું સંચાલન અમે ફલેટધારકો કેવી રીતે સંભાળી શકીએ? રૂડાના અધિકારી શ્રી પંડ્યા સીઇઓ ડિસેમ્બર માસમાં ચૂંટણી ટાણે આવાસ યોજનાની મુલાકાતે આવ્યાં હતા અને ત્યારે તેમણે એવી મૌખિક બાંહેધરી આપી હતી કે, આ સ્થળે નર્મદાનીર મળી રહે તે માટે અઢી કરોડના ખર્ચે એક યોજના મંજુર કરવામાં આવી છે હકીકતમાં આ યોજના હજુ સુધી કાગળો વચ્ચે જ અટવાયેલી છે. અને હવે ચૂંટણી પત્યા બાદ હવે સીઇઓ કહે છે કે, નર્મદાના નીર આપવાએ સરકારના હાથની વાત છે તો અગાઉ અમોને  ઠાલા વચનો શા માટે દેખાડવામાં આવ્યાં ? શું વચનો ચૂંટણીને અનુલક્ષીને હતાં

અહી પ્રાથમિક સુવિધાઓના મુદ્દે અગાઉ મુખ્યમંત્રીશ્રી, રાજકોટ જિલ્લા કલેકટર, નર્મદાનિગમ, રાજકોટ પાણી પુરવઠા બોર્ડ, મ્યુનિ. કોર્પોરેશન અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધીમાં કોઇપણ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.  છતાં રૂડા આ આવાસ યોજનાનું સંચાલન અમને સોંપીને પોતે જવાબદારીમાંથી છટકવા ઇચ્છે છે તેના કારણો આ મુજબ છે.

 આજદિન સુધી રૂડા પીવાના પાણીનો કોઇ કાયમી સ્ત્રોત અમને આપી શકયું, આવાસ યોજનાને મુખ્યમંત્રીનું નામ અપાયું પરંતુ તેમાં અનેક ખામીયુકત બાંધકામો છે કેટલાક ફલેટમાં સીડી ઉતરતી વખતે લોકોના માથા ભટકાય છે., ગણ્યાંગાઠયા એક બગીચાનું જતન કરવામાં પણ તંત્ર વામણું પૂરવાર થયું છે ઘાસ સુકાઇ ગયું છે. લાઇટો તૂટી ગઇ છે. આંગણવાડી, સ્કૂલ, જનરેટર શોભાના ગાંઠિયાની જેમ પડ્યા છે, લિફટમાં હલકી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી છે અમે ઇચ્છીએ છીએ કે તેમાં વપરાયેલા માલસામાનનું જોઇન્ટ વેરીફિકેશન કરવામાં આવે. નિયમ મુજબ ૭ વર્ષ પછી મકાન ભાડે આપી શકાય પરંતુ ખુદ રૂડા અને બિલ્ડરના કેટલાક માણસો મકાન ભાડે આપે છે. ભાડૂઆતોનું વેરીફિકેશન કરવાનો સમય રૂડાને મળતો નથી માત્ર નોટીસ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે સફાઇ વ્યવસ્થા સંતોષકારક નથી, બગીચાઓ અને આવાસ યોજનાની બહાર ગંદકીના ગંજ જોવા મળે છે. ઇબલ્યુએસ આવાસ યોજનાના ૧૫ બિલ્ડીંગમાં પાર્કિગની વ્યવસ્થા જ નથી. કોમ્યુનિટી હોલ ખૂબ જ નાનો છે. ફાયરસેફટીના સાધનો તો મૂકાયા છે પરંતુ કયારેય તેની મોકડ્રીલ કરવામાં આવી નથી. સાધનો હોવા છતાં આગજનીની ઘટનામાં બચાવ કાર્ય કેવી રીતે કરવું તે માટે સૌ અજાણ છે.

આમ જો રૂડા રહેવાસીઓને ઉપરોકત સુવિધા પુરી પાડે સમસ્યાઓનું સમાધાન લાવે તો ભવિષ્યમાં આ આવાસ યોજનાનું સંચાલન સંભાળવા માટે રહેવાસીઓ તૈયાર થશે. તેમ રહેવાસીઓએ જાહેર કરેલ.

આ શુભેચ્છા મૂલાકાતમાં  (૧)જનકસિંહ ઝાલા (૨)રાજુભાઇ ડાભી (૩)પંકજભાઇ જોષી (૪)હરેશભાઇ જોષી (૫)મહેન્દ્રભાઇ ગણાત્રા વગેરે જોડાયા હતા.

(4:28 pm IST)