Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પત્રકારત્વ ભવન દ્વારા પ્રત્યાપન અને માધ્યમો વિષે સેમીનાર

રાજકોટઃ શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન તથા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના સંયુકત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય સેમિનાર ''પ્રત્યાયન અને માધ્યમો''નું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય વકતવ્યમાં જાણીતા પત્રકાર અને લેખક રાજુલભાઇ દવેએ પોતાના પત્રકારત્વના અનુભવો વર્ણવવાની સાથે પત્રકારત્વ અને લોકમાધ્યમોમાં અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીના પ્રદાનને યાદ કરી અમુલ્ય વારસાને જિવંત રાખવા અને પેઢી  સુધી પહોંચાડતા આહવાન કર્યુ હતું. અતિથિવિશેષ પદે ફૂલછાબના તંત્રી કૌશિકભાઇ મહેતાએ લોકસાહિત્યના જતન માટેના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રયાસોને બીરદાવીને વર્તમાન સમયમાં ભારતમાં લોકમાધ્યમોની જરૂરિયાત અને તેની અસરકારકતા પર પ્રકાશ પાડ્યો હતો. સેમિનારની સાથે પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત 'લક્ષ્યવધે' સામયિકનું વિમોચન પણ કરવામાં આવ્યંુ હતું. આ તકે જાણીતા પત્રકાર અને લોકસાહિત્યકર નીલેશભાઇ પંડ્યાએ 'લક્ષ્યવેધ'ના નિર્માણની સફર વર્ણવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભવનના અધ્યક્ષા ડો.નીતાબેન ઉદાણીએ મહાનુભવોનું શાબ્દિક સ્વાગત તથા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. અંબાદાન રોહડિયાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી. અંતમાં આભારવિધિ તુષારભાઇ ચંદારાણાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. યશવંત હિરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના સંયુકત ઉપક્રમે યોજાયેલા 'પ્રત્યાયન અને માધ્યમો'વિષય પરના એક દિવસીય પરિસંવાદમાં પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા સામયિક 'લક્ષ્યવેધ'નું વિમોચન કરી રહેલા 'ફૂલછાબ'ના તંત્રી કૌશિકભાઇ મહેતા, ભવનના અધ્યક્ષા ડો. નીતાબેન ઉદાણી, વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો.અંબાદાન રોહડિયા તથા લેખક પત્રકાર અને ગાયક નીલેશ પંડ્યા, ભવનના અધ્યાપકો તુષાર ચંદારાણા તથા ડો. યશવંત હિરાણી અને ઉપસ્થિત વિદ્યાર્થીઓ નજરે પડે છે.

(4:20 pm IST)