Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સોખડા ચોકડી પાસે મજા કરી એનો વિડીયો વાયરલ કરી દઇશ'...કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી ૧ાા લાખ માંગ્‍યા

કારખાના પાસેથી નીકળતી મીના સાથે ઓળખાણ બાદ તેને ઉછીના આપેલા ૭ હજાર કારખાનેદાર વાસુએ પાછા માંગતાં મીનાએ રૂપિયા ભુલી જા તારું એક છોકરી સાથે સેટીંગ કરાવી દઇશ તેમ કહી ધારા સાથે મુલાકાત કરાવી બંનેને ફરવા મોકલી કાવત્રું પાર પાડયું : આજીડેમ પોલીસે વાસુદેવ ઉર્ફ વાસુ વાધરોડીયાની ફરિયાદને આધારે ધારા બાબરીયા અને મીના મીના સોલંકીને સકંજામાં લીધીઃ ધારાના મિત્રની તલાસઃ પહેલા ૧ાા લાખ, પછી ૧ લાખ અને છેલ્લે ૫૦ હજાર આપી પુરુ કરવા કહ્યું: ધારાના મિત્રએ કહ્યું-આમાં તો મર્ડર પણ થઇ જાય! : પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં એએસઆઇ આર. જે. જાડેજા અને ટીમે બંને મહિલાને સકંજામાં લીધીઃ અન્‍ય એકની તલાસ

રાજકોટ તા. ૨૪ : હનીટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી પાસે રહેતાં અને માંડા ડુંગર પાસે કારખાનુ ધરાવતાં પટેલ યુવાને કારખાના પાસેથી અવાર-નવાર પસાર થતી એક મહિલાને કામે રહેવા બાબતે પુછ્‍યા બાદ ઓળખ થતાં અને તેણીને ઉછીના પૈસા આપતાં બાદમાં આ પૈસા યુવાને પાછા માંગતા મહિલાએ પૈસા નહિ, તેના બદલે એક છોકરી બતાવું તેની સાથે તારું સેટીંગ થઇ જશે તેમ કહી છોકરી સાથે ગત શનિવારે મુલાકાત કરાવી હતી. એ દિવસે યુવાન અને આ છોકરી સોખડા તરફ ફરવા ગયા હતાં અને ‘સારો સમય' સાથે પસાર કર્યો હતો. એ પછી છોકરીએ ફોન કરી આપણે સોખડા ચોકડીએ મજા કરી તેનો વિડીયો છે, તું દોઢ લાખ નહિ આપે તો વાયરલ કરી દઇશ, કારખાને આવી ભવાડા કરીશ તેવી ધમકી આપી બ્‍લેકમેઇલ કરતાં અને આ છોકરીના મિત્રએ પણ સમાધાન કરી લ્‍યો, આમાં તો મર્ડર પણ થઇ જાય તેમ કહી ધમકાવતાં કારખાનેદારે પોલીસને જાણ કરી છે.

આ બનાવમાં પોલીસે આજીડેમ ચોકડી નજીક ભવાની કોમ્‍પલેક્ષની આગળ સુંદરમ્‌ પાર્ક-૧માં રહેતાં અને માંડા ડુંગર અજય કાંટા આગળ દ્વારકાધીશ હોટેલવાળી શેરીમાં બહુચર પ્‍લાસ્‍ટીકના નામે જોબવર્કનું કારખાનુ ધરાવતાં વાસુદેવભાઇ ઉર્ફ વાસુ પોપટભાઇ વાધરોડીયા (ઉ.વ.૪૨)ની ફરિયાદને આધારે  કોઠારીયા રોડ રણુજા મંદિર સામે લાપાસરી રોડ પર વેલનાથપરા મફતીયાપરામાં રહેતી ધારા રમેશભાઇ બાબરીયા તથા માંડા ડુંગર નજીક અજય વે બ્રીજથી આગળ ગોકુલ પાર્ક છેલ્લી શેરીમાં ભરતભાઇ કોળીના મકાનમાં ભાડેથી રહેતી મીના જીવણભાઇ સોલંકી અને અજાણ્‍યા સામે આઇપીસી ૩૮૪, ૧૨૦ (બી), ૫૦૬ (૧), ૧૧૪ મુજબ અગાઉનો વિડીયો ઉતારી લીધો હોઇ તે વાયરલ કરવાની ધમકી આપી, કારખાને આવી ભવાડો કરશે તેવું કહી દોઢ લાખ માંગી છેલ્લે પચાસ હજાર કઢાવવાની માંગણી કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

વાસુ વાધરોડીયાએ પોતાની આપવીતી વર્ણવતા પોલીસને જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કારખાનામાં કામ કરુ છું. અગાઉ મારા કારખાના પાસેથી મીનાબેન અવાર-નવાર નીકળતી હોઇ જેના કારણે હું તેને ઓળખુ છું. ગત સાતમ આઠમના તહેવાર પર હું મારા કારખાના બહાર ઉભો હતો ત્‍યારે મીનાબેન નીકળતાં મારે મજૂરની જરૂર હોઇ જેથી મેં તેણીને કહેલું કે તમારે કામે આવવું હોય તો કહેજો. તે વખતે તેણીએ આવવું હશે તો જણાવશે તેમ કહી મને પોતાના ફોન નંબર આપ્‍યા હતાં. ત્‍યારબાદ હું અને મીના અવાર-નવાર ફોનમાં વાતચીત કરતાં હતાં. ચારેક દિવસ પછી મીનાએ મને કહેલું કે મારે દવાખાનાના કામ માટે સાતેક હજાર રૂપિયાની જરૂર છે. તેની સાથે ઓળખાણ થઇ ગઇ હોઇ જેથી મેં તેને આ રકમ આપી હતી.

ત્‍યારપછી અમારે અવાર-નવાર મોબાઇલમાં વાતચીત થતાં સારા સંબંધ બંધાઇ ગયા હતાં. આજથી એકાદ મહિના પહેલા મીનાબેન પાસે મેં રૂપિયા સાત હજાર આપ્‍યા હતાં તે પાછા માંગતા તેણે કહેલું કે રૂપિયાનું રહેવા દ્‌યો હું તમને મારી એક બહેનપણી ધારા છે તેની સાથે સેટીંગ કરાવી આપીશ. જેથી હું માની ગયો હતો.

આજથી ત્રણેક દિવસ પહેલા ૨૧/૧/૨૩ના રોજ મીનાબેને મને ફોન કરી કહ્યુ઼ હતું કે જૈન દેરાસર પાછળ માર્કેટમાં આવી જાવ, મારી બહેનપણી ધારા આવી ગઇ છે. આથી બપોરે ત્રણેક વાગ્‍યે હું ત્‍યાં ગયો હતો. જ્‍યાં મીનાબેન સાથે એક છોકરી હતી. તેનું નામ ધારા બાબરીયા હોવાનું મને કહેવાયુ હતું અને મીનાબેને અમારી ઓળખાણ કરાવી હતી. ત્‍યારબાદ ધારાએ પોતાનું એક્‍ટીવા બગડી ગયું છે રીપેર કરાવવું છે તેમ કહેતાં મેં તેનું એક્‍ટીવા મારા ઓળખીતા ગેરેજવાળા પાસે રીપેરીંગમાં મુકાવી દીધુ હતું અને તેનો ખર્ચો ત્રણેક હજાર થયો હતો. એ રકમ મેં ચુકવી હતી.

ત્‍યાર પછી મીનાબેને કહેલું કે હવે તમે બંને ફરી આવો. આથી હું અને ધારા બાબરીયા સોખડા ચોકડીએ ફરવા ગયા હતાં. ત્‍યાં સાથે સમય વિતાવ્‍યો હતો. એ પછી સાંજે પાછા આવી ગયા હતા. બીજા દિવસે ૨૨/૧ના રોજ ધારાનો ફોન આવ્‍યો હતો કે મારે દસ હજારની જરૂર છે, દવાખાનાનું કામ છે. જેથી મેં કહેલું કે અત્‍યારે મારી પાસે દસ હજાર નથી. આ વાત ધારાને ગમી નહોતી. બાદમાં મેં મીનાબેનને ફોન કરીને કહેલું કે ધારા મારી પાસે દસ હજાર માંગે છે. આ સોમવારે ૨૩મીએ હું કારખાને હતો ત્‍યારે ધારાએ ફોન કરીને કહ્યું હતું કે આપણે સોખડા ચોકડીએ ગયા હતાં અને મજા કરી હતી તેનો વિડીયો મારી પાસે છે. બોલ હવે તારે શું કરવું છે? જો મને દોઢ લાખ રૂપિયા નહિ આપ તો તારા કારખાને આવીશ અને ભવાડો કરીશ, તારો વિડીયો વાયરલ કરીશ.

આ રીતે ધારાએ ધમકાવ્‍યા બાદ મીનાબેનનો ફોન આવ્‍યો હતો અને અને કહ્યુ઼ હતું કે તમે રૂપિયા આપીને ધારા સાથે સમાધાન કરી લ્‍યો, ધારાને પુછી લ્‍યો કેટલા આપવાના? આથી મેં ફરી ધારાને ફોન કરતાં તેણે કહેલૂં કે દોઢ લાખ ન હોય તો એક લાખ આપી દો. મેં એક લાખ જેવી રકમ મારી પાસે નથી તેમ કહેતાં ફરીથી મીનાનો ફોન આવ્‍યો હતો. મેં ધારા એક લાખ માંગે છે તેવી વાત કરતાં અને મારાથી આટલી રકમની વ્‍યવસ્‍થા નહિ થાય તેમ જણાવી દીધુ હતું.

ત્‍યારપછી હું મારા કારખાને હતો ત્‍યારે ફરી વખત ધારાએ ફોન કર્યો હતો અને હવે ૫૦ હજાર આપી દ્‌યો એટલે હું વિડીયો ડિલીટ કરી નાંખીશ, નહિતર માથાકુટ થશે. આ વખતે ચાલુ ફોન ધારાના કોઇ મિત્રએ લઇ લીધો હતો અને મારી સાથે વાત કરી કહેલું કે પુરુ કરી નાંખો નહિતર આમાં મર્ડર પણ થાય. આવી ધમકી આપતાં હું ગભરાઇ ગયો હતો અને મને અંદાજો આવી ગયો હતો કે મારી પાસેથી રૂપિયા પડાવવા મીના, ધારા અને ધારાના મિત્રએ કાવત્રુ ઘડી મને ફસાવ્‍યો છે. મીનાએ મારો પરિચય ધારા સાથે કરાવ્‍યા બાદ મને ધારા સાથે ફરવા મોકલ્‍યો હતો અને ત્‍યાં છુટછાડ લીધી હોઇ તેનો વિડીયો ઉતારી લીધો હોઇ આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કારખાને આવી ભવાડો કરવાની ધમકી આપી દોઢ લાખ માંગી છેલ્લે પચાસ હજાર બળજબરીથી કઢાવવા માંગણી થતી હોઇ અંતે મેં પોલીસને જાણ કરી હતી.

આજીડેમ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં એએસઆઇ વી. બી. સુખાનંદીએ ગુનો નોંધ્‍યો હતો. એએસઆઇ આર. જે. જાડેજાએ તપાસ હાથ ધરી બે મુખ્‍ય આરોપી મહિલાઓને સકંજામાં લીધી છે અને ધારાનો મિત્ર કોણ હતો? તેની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલી બંને મહિલાઓએ આ રીતે અન્‍ય કોઇને ફસાવ્‍યા છે કે કેમ? તેની સાથેનો અન્‍ય શખ્‍સ કોણ? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્‍ડની તજવીજ થશે.

(11:34 am IST)