Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ત્રણ દિવસીય રોટરી વર્ચ્યુઅલ મેરેથોનનો પ્રારંભઃ ભાગ લેવા કાલ મધ્યરાત્રી સુધી તક

તમારા ઇચ્છીત સ્થળેથી દોડ પુરી કરીને ડેટા અપડેટ કરવાના : ૧૦૦ થી વધુ ઇનામો

રાજકોટ તા. ૨૫ : કોરોના મહામારી સામે પોતાના જાનની પણ પરવા કર્યા વગર સમાજના દરેક વર્ગના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રયત્નશીલ એવા કોરોના વોરીયર્સને સલામ કરવા, તેમને માન સન્માન આપવાના શુભ આશયથી રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ના સહયોગથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આજથી ત્રિદિવસીય રન ફોર કોરોના વોરીયર્સ 'રોટરી વર્ચ્યુઅલ મેરેથોન ૨૦૨૦' નો પ્રારંભ થયો છે.

આજે સવારથી મેરેથોન રનર્સ રેસકોર્ષ  તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અને શહેરના વિવિધ ગાર્ડન્સ ખાતે મેરેથોન રન કરતા નજરે પડયા હતા.

રાજકોટ મ્યુ. કમિશનર શ્રી ઉદીત અગ્રવાલે ટ્રેડ મીલ પર ૨૧ કીલોમીટર દોડી ને હાફ મેરેથોન પુર્ણ કરી કોરોના વોરીયર્સને સમર્પિત કરી હતી. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી તેમજ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ મેહુલ નથવાણી તથા રોટરી મેરેથોનના પ્રોજેકટ ચેર રવિ ગણાત્રાએ પણ આજે હાફ મેરેથોન રન પુરી કરી હતી. ૭૦ વર્ષની ઉંમરના રોટેરીયન અશોકભાઈ સુરેલીયા એ તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી ને સ્વસ્થ થયા છે તેમણે પણ કોરોના વોરીયર્સ ને સમર્પિત ૧૦ કીલોમીટર ડ્રીમ રન પુરી કરેલ.

કીચ ગૃપના ભરતભાઈ હપાણી તથા આર. કે. સિલ્વરના જયદીપ વાઢેર સહિતના સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ ભાગ લીધો હતો.

એક સ્પર્ધક રવિ જાદવે આજે ૨૧ કીમી દોડી ને હાફ મેરેથોન પુર્ણ કરી સાથે એવું જાહેર કર્યું કે તેઓ રોટરી મેરેથોન ૨૦૨૦ ના ત્રણેય દીવસ રોજ દોડશે. આજે વહેલી સવારે રનર્સ કલબના સભ્યોએ રેષકોર્ષ પર અલગ અલગ વિભાગમાં પોતાની મેરેથોન રન પુરી કરી અને કોરોના વોરીયર્સને સમર્પિત કરી.

તારીખ ૨૫,૨૬ અને ૨૭ એમ ત્રણ દિવસીય મેરેથોનમાં ભાગ લેતા તમામ સ્પર્ધકોને વર્તમાન સમય ના કોવીડ -૧૯ અંતર્ગત તમામ પ્રોટોકોલ્સ અને કાયદા ની મર્યાદામાં રહી ને મેરેથોનમાં ભાગ લેવા  આયોજકો દ્વારા સુચના અપાઇ છે.

આ રોટરી મેરેથોન ૨૦૨૦ ને ખુબ જ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. દેશ વિદેશમાથી બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓથી માંડીને વૃધ્ધો સુધીના લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કલેકટર શ્રી રાજકોટ, રેમ્યા મોહનજી, પોલીસ કમિશનર રાજકોટ શહેર શ્રી મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ તથા એડીશનલ કલેકટર શ્રી પરીમલ પંડયાએ જાહેર જનતાને રન ફોર કોરોના વોરીયર્સ, રોટરી મેરેથોન ૨૦૨૦ માં જોડાવા માટે અપીલ કરી છે.

ભાગ લેનારાઓને લકી ડ્રો ના માધ્યમ થી ૧૦૦ થી વધારે આકર્ષક ઈનામો  ઉપરાંત ડેટા અપલોડ કરાવનાર દરેક સ્પર્ધકને ઈ- સર્ટિફિકેટ આપવામાં આવશે. મેડલ માટે રજીસ્ટ્રેશન કરાવનારને મેડલ એનાયત કરવામાં આવશે.

આ વર્ચ્યુઅલ મેરેથોન માં ભાગ લેવા માટે  હજુ ૨૬ ડીસેમ્બર રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં www.rotarymarathon.com પર રજીસ્ટ્રેશન કરાવવા તક છે. વધુ વિગત માટે મો.૮૨૦૦૦ ૧૦૩૧૦ અથવા rotarymarathon2020@gmail.com ઉપર સંપર્ક કરી શકાશે.

આ ઇવેન્ટની સફળતા માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:00 pm IST)