Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજકોટમાં રાત્રી કર્ફયુ હટાવોઃ ચેમ્બરની માંગણી

જો રાત્રી કર્ફયુ ન હટાવાય તો ૧૧ થી ૬ સુધી રાખોઃ મુખ્યમંત્રીને રજુઆત :દુકાનદારો-વેપારીઓ- નાના ધંધાર્થીઓને કર્ફયુથી ભારે મુશ્કેલી

રાજકોટ, તા.૨૫: તહેવારોની સીઝનની પુર્ણતાની સાથે જ કોરોનાનું જોર થોડું વધ્યું હોવાને કારણે રાજય સરકાર દ્વારા રાજયના ૪ મહાનગરોમાં રાત્રે ૯ થી સવારના ૬ સુધી રાત્રી કર્ફયુની અમલવારી કરેલ છે. પરંતુ બીજા શહેરોની સરખમણીમાં રાજકોટ શહેરમાં કોરોનાની પરિસ્થિતીની હાલ ઘણી કાબુમાં આવી ગયેલ છે અને લોકો સરકારશ્રીની તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન પણ કરી રહ્યા છે.અગાઉ સતત ૨ મહિનાની આસપાસ લાગુ કરાયેલ લોકડાઉનને કારણે તમામ વેરા-ઉદ્યોગકારોને પારાવાર નુકશાન થયું હોય અને આર્થિક મંદીમાં સંપડાયેલ છે તેઓ માંડ-માંડ તેમાંથી ઉજાગર થવા પ્રયાસ કરી રહ્યા છે. રાત્રિ કર્ફયુની અમલવારીથી તેઓને દુકાનો-ઓફિસો વગેરે વહેલા બંધ કરીને સમયસર ઘરે પહોંચવું પડે છે. જેને કારણે તેઓના વેપાર-ધંધામાં ખુબ જ મોટું આર્થિક નુકશાન થઇ રહ્યું છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એકમો ત્રણ શિફટમાં કામ કરતી હોય તેમના વર્કરોને રાત્રે ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આથી દુકાનદારો-વેપારીઓ મોડે સુધી પોતાનો વેપાર કરી શકે સાથોસાથ વેપાર-ધંધાઓ આર્થિક મંદીમાંથી બહાર નીકળે અને પોતાના ધંધામાં વૃધ્ધિ કરી શકે. તે માટે શહેરમાંથી રાત્રી કર્ફયું હટાવવા અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.પરંતુ જો કાયદાકીય દ્રષ્ટિએ આપણે રાત્રી કર્ફયું હટાવી ન શકીએ તો આમ પ્રજાની માંગણીને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફારો કરી રાત્રી કર્ફયુનો સમય રાત્રે ૧૧ થી સવારના ૬ સુધી ફરજીયાત કરવું જરૂરી છે. જેથી લોકોને થતી કનડગત અટકાવી શકાય. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:56 pm IST)