Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

૨૦૦૮માં મારા ઉપર ખોટો કેસ કરાયેલઃ કુંવરજીભાઇ

ભાજપાધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસ અને નેતાઓને ભાંગફોડીયા ગણાવતા રાજકારણમાં ગરમાવોઃ કુંવરજીભાઇ ખુલીને બહાર આવ્યા : મને તે સમયે મદદ કરનાર નેતાઓ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં, તેમને કાયદાકીય મદદ કરીશઃ રાજકીય નેતાઓને રાજકારણ નહિ ખેલવા અપીલ

રાજકોટઃ તા.૨૫,  આજથી ૧૧ વર્ષ પૂર્વે  હાલ ભાજપમાં રહેલા કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં કલેકટર ઓફિસે રજુઆત સમયે તોડફોડ, ફરજમાં રૂકાવટ સહિતના ગુન્હામાં રાજકોટ કોંગ્રેસના ધારાસભ્યો-સાંસદો સહિત ૧૨ દિગ્ગજ નેતાઓને ૧-૧ વર્ષની જેલ સજા અને ૫-૫ હજારનો દંડ રાજકોટની અદાલતે ફટકારેલ.

ચુકાદો આવ્યા પછી તરત રીએકશન આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ચુકાદાનો હવાલો આપી ભાંગફોડીયા ગણાવ્યા હતા. જેના પગલે રાજકીય ગરમાવો સર્જાયેલ.

દરમિયાન તે સમયે કોંગ્રેસમાં રહેલા અને હાલ ભાજપમાં કેબીનેટ કક્ષાનું પ્રધાનપદુ શોભાવતા શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વળતા પ્રતિભાવમાં કહ્યું છે કે હું કોંગ્રેસમાં હતો એટલે જ લાગણીથી પક્ષના મારા સમર્થનમાં આ નેતાઓ આવ્યા હતા. તેમણે દોષીત જાહેર થયેલ. તમામ નેતાઓને કાયદાકીય મદદની ઓફર કરી છે.

હાલ આ નેતાઓ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, જરૂર પડયે હું તેમને મદદ કરીશ તેમ શ્રી કુંવરજીભાઇએ કહેલ.

કુંવરજીભાઇએ સ્પષ્ટ કહેલ કે ભૂતકાળમાં ભાજપે કોંગી નેતાઓ ઉપર ખોટા કેસો કર્યા હતા.

કુંવરજીભાઇએ સ્પષ્ટ કહેલ કે ૨૦૦૮માં હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે જમીન બાબતે મારા ઉપર ખોટો કેસ કર્યો હતો.

રાજકોટની અદાલતે આપેલ ચૂકાદા ઉપર રાજનીતી નહિ કરવા કુંવરજીભાઇએ રાજકીય નેતાઓને સલાહ આપ્યાનું એબીપી  અસ્મીતા ન્યુઝે તેના પ્રસારીત કરેલ હેવાલમાં જણાવ્યું છે.

(4:15 pm IST)