Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સિવિલ હોસ્પીટલના નવા બ્લોકના લોકાર્પણની તૈયારીઃપોલીસ કમિશનર, ડીસીપી, મેયર અને નિતીન ભારદ્વાજે મુલાકાત લીધી

૧૫૦ કરોડના ખર્ચથી બનેલા નવા બિલ્ડીંગનું ૨૮મીએ શનિવારે લોકાર્પણ થવાનું છે : ડીસીપી મનોહરસિંહ જાડેજા પણ જોડાયાઃ તબિબી અધિક્ષક, ડીન સહિતે નવા બ્લોકની માહિતી અધિકારીઓને આપી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઓપીડી સામે નવી બિલ્ડીંગનું કરોડોના ખર્ચથી નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિભાગોમાં દર્દીઓને અદ્યતન સુવિધા સાથેની સારવાર મળતી થશે. આ નવા બ્લોકનું લોકાર્પણ ર૮ ડીસેમ્બર શનિવારે સાંજે ૪ કલાકે કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થવાનું છે. ૭ માળની આ બિલ્ડીંગમાં અનેક નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા'' ને જણાવ્યું હતું કે, સિવીલ હોસ્પીટલનું લોર્કાપણ એ ર૬મી જાન્યુઆરીની ઉજવણીનો એક ભાગ  છે. અત્રે એ નોંધનીય છે કે, ૧પ૦ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પીટલમાં ૮ ઓપરેશન થીયેટર-૪૦૦થી વધુ બેડની સુવિધા, ગાર્ડન-૮ લીફટ-પાંચ લેબોરેટરી સહિત તમામ પ્રકારની અદ્યતન સુવિધા ઉભી કરાઇ છે. કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થવાનું હોઇ તૈયારીનો ધમધમાટ થઇ રહ્યો છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડીન ડો. ગોૈરવી ધ્રુવ તથા હોસ્પિલ-મેડિકલ કોલેજના અન્ય અધિકારીઓ, સ્ટાફ સતત તૈયારીમાં છે. આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ સહિતે નવા બ્લોકની મુલાકાત લીધી હતી. પોલીસે પણ કયાં-કેવો બંદોબસ્ત ગોઠવવો તેની તૈયારીના ભાગ રૂપે નિરીક્ષણ કર્યુ હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)