Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

અવસાન પામેલ કર્મચારીના પુત્રને રહેમ રાહે નોકરી આપવા અંગેની રીટમાં સરકારને હાઇકોર્ટની નોટીસ

રાજકોટ તા ૨૫  :  ૨૦૦૩માં અવસાન પામેલ કર્મચારીના પુત્રને રહેમ રાહે નોકરી આપવા માટેની રિટ પીટીશનમાં ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરને ગુજરાત હાઇકોર્ટે નોટીશ ફટકારી છે.

આ કેસની વિગત એવી છે કે, સાયલાના રહીશ ચુનીલાલ ભગવાનજી વાઘેલા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરના તાબા હેઠળ તાલુકા પંચાયત, સાયલા ખાતે પટાવાળા તરીકે નોકરી કરતા હતા. તેઓ ચાલુ નોકરી દરમિયાન તા. ૧૭/૧૧/૨૦૦૩ ના રોજ અવસાન પામેલ. તેમના પરિવારમાં તેમના પત્ની અને દીકરો છે, પરંતુ તેમના પત્ની અભણ હોવાના કારણે તેમને ગુજરનાર કર્મચારીના સ્થાને રહેમરાહે નોકરી મળી શકે તેમ ન હતી. ગુજરનાર કર્મચારીના પુત્ર જગદીશભાઇ વાઘેલાએ નવ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. તેથી પિતાના અવસાન બાદ વર્ધા ૨૦૦૩માં જગદીશભાઇએ પટાવાળાની જગ્યા પર રહેમરાહે નોકરી માટે જીલ્લા પંચાયત, સુરેન્દ્રનગરને અરજી આપેલ, પરંતુ જીલ્લા પંચાયત, સુરેન્દ્રનગર તરફથી એવો જવાબ મળ્યો કે, જગદીશભાઇએ S.S.C. સુધી અભ્યાસ કરેલ નથી અને જરૂરી શૈક્ષણીક લાયકાત ધરાવતા નથી. તેથી જગદીશભાઇને રહેમરાહે નોકરી આપી શકાઇ નહીં.

આ રીટ પીટીશનમાં જગદીશભાઇ વાઘેલા વતી તેમના વકીલ શ્રી જીતુભાઇ ચોટાઇ અને આદિત્ય દાવડાએ રજુઆત કરેલ કે વિપરીત અને પ્રતિકુળ સંજોગોના કારણે જગદીશભાઇ વર્ષ ૨૦૦૩ પછી તાત્કાલીક કોર્ટ કાર્યવાહી કરી ન શકયા, અને ૧૬ વર્ષો જેટલો સમય પસાર થયો, પરંતુ માત્ર તેટલા કારણથી કોઇ વ્યકિતને ન્યાયથી વંચિત રાખી શકાય નહીં જગદીશભાઇના પિતાજીના અવસાન વખતે જે નિયમો અમલમાં હતા તે જ નિયમોના આધારે જગદીશભાઇના કેસનું મુલ્યાંકન થવું જોઇએ. ૨૦૦૩ પછી નિયમોમાં ફેરફાર થયો હોય તો તેના કારણે જગદીશભાઇને પૂર્વગ્રહ કરી શકાય નહીં. ઉપરાંત જગદીશભાઇના વકીલશ્રીએ અન્ય મુદ્દાઓ પર પણ રજુઆત કરેલ.

સમગ્ર રજુઆતને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકાર, જીલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને તાલુકા પંચાયત સાયલાને નોટિસ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં જગદીશભાઇ વાઘેલા વતી રાજકોટના એડવોકેટ શ્રી જીતુભાઇ ચોટાઇ અને શ્રી આદિત્ય દાવડા રોકાયેલા છે.

(3:57 pm IST)