Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

રાજકોટમાં જાન્યુઆરીમાં પૂ.વિદિતાત્માનંદજી જ્ઞાનયજ્ઞ પીરસશે

વેદાંત વિચાર વર્તુળ દ્વારા રાષ્ટ્રીય શાળાના પ્રાર્થનાખંડમાં આયોજન : પૂ.સ્વામીજી ઉપદેશસારમ્ અને ગીતાજી અધ્યાય - ૧૩ વિશે કથા શ્રવણ કરશે

રાજકોટ, તા. ૨૫ : વેદાંત વિચાર વર્તુળ રાજકોટ દ્વારા આગામી તા.૨ જાન્યુ. થી તા.૮ જાન્યુ. દરમિયાન સવારે ૭ થી ૮ અને સાંજે ૬:૩૦ થી ૮ રાષ્ટ્રીયશાળાના પ્રાર્થનાખંડમાં સવારે અને સાંજે એમ બે સત્રમાં ઉપદેશસારમ્ અને ગીતાજી અધ્યાય-૧૩નો શ્રવણ કરવાનો લાભમળશે. તત્વતીર્થ આશ્રમ અમદાવાદના શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદ્દગુરૂદેવ સ્વામી શ્રી વિદિત્માનંદજી પોતાની ભાવવાહી શૈલીમાં ભાવિકોને ઉપદેશસારમ્ અને ગીતાજીના ૧૩માં અધ્યાય ઉપર ઉપદેશ કરશે.

સાંપ્રત દોડભાગના સમયમાં કોઈના માટે તો ઠીક માણસને ખુદ પોતાના માટે પણ ટાઈમ નથી રહ્યો. ઝડપથી બધુ મેળવી લેવાની લાહ્યમાં માનવી કોણ છે? કયાંથી આવ્યો છે? અને કયાં જવાનો છે? તે બધુ ભુલી ભૌતિક સમૃદ્ધિ પાછળ દોડી રહ્યો છે. પરંતુ તેના આત્મકલ્યાણનું શું? તે માટે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી એ જ ઉત્તમ રસ્તો ગણાય. તેના માટે કર્મ અને ઉપાસના દ્વારા સંશુદ્ધ થયેલા અંતઃકરણથી શાસ્ત્રનું શ્રવણ અને મનન તે સૌથી સહેલો ઉપાય ગણાય.

આમ જોઈએ તો શાસ્ત્રની સમજણ સૌ કોઈ માટે સહેલી નથી ત્યારે કડવી દવા બાળકને મધ સાથે ચટાડવામાં આવે તો ભાવે અને દવા પણ પેટમાં જતા લાભ કરે. તેમ ગહન વેદાંત શાસ્ત્ર ઉપર સરળ શૈલીમાં તેનો અર્ક પીરસવામાં આવે તો શ્રવણ કરનારની સુગમતા વધી જાય તે સ્વાભાવિક છે. આ હેતુથી રાજકોટ ખાતે એક આધ્યાત્મિક જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

દેશ વિદેશમાં વેદાંતના અધ્યાપન કાર્યમાં વ્યસ્ત તેમજ તેના પ્રચાર પ્રસાર માટે ઠેર-ઠેર શિબિરો, પ્રવચનો દ્વારા આત્મકલ્યાણની આહલેક જગાડનાર સ્વામી શ્રી વિદિત્માનંદજીના આ વર્ષ શતાભિષેક મહોત્સવ ઉજવણી સંદર્ભે રાજકોટમાં આધ્યાત્મિક જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર માટે સીડી અને પુસ્તકો ૫૦ ટકા રાહતદરે અપાશે. તસ્વીરમાં ગોવિંદભાઈ ચૌહાણ (મો.૭૯૯૦૪ ૮૬૧૩૪) અને ધીરૂભાઈ સોજીત્રા (સીનીયર સાધક) નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)