Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

છેલ્લા ૮ મહિનામાં ઢોર ડબ્બામાં ૧૬૬ ગાયોના મોત થયાનો ઘટસ્ફોટ

જનરલ બોર્ડમાં સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોના ઉત્તરમાં તંત્રનો સ્વિકાર

રાજકોટ, તા.૨૫ :. મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાંથી પકડવામાં આવેલ ગાય, ભેંસ વગેરે પશુઓને કન્ઝર્વન્સી ખાતેનાં ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે.૧ એપ્રિલ થી ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં પકડાયેલ પશુઓ પૈકી ૧૬૬ ગાયોનાં ઢોર ડબ્બામાં મૃત્યુ થયાનું જનરલ બોર્ડમાં એક નગર સેવકનાં પ્રશ્નનાં ઉતરમાં તંત્રએ સ્વિકાર કર્યો છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના મળેલ જનરલ બોર્ડમાં ૩૫ કોર્પોરેટરો દ્વારા વિવિધ ૭૨ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર પારૂલબેન ડેર દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં ગાય, ભેંસ પકડવાની કાર્યવાહીમાં કેટલી ગાયોના ઢોર ડબ્બામાં મોત થયા છે. તેમજ કેટલી ગાયો ગૂમ થયેલ છે. તેમજ આ બાબતે સઘળી જવાબદારી કોની બને છે ? તંત્ર દ્વારા આ પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યુ હતુ કે, મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ગાય, ભેંસ વગેરે ઢોરને પકડી કન્ઝર્વન્સી ખાતેના ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. પકડાયેલા પશુઓ પૈકી મોટાભાગે દુઝણા તથા સારા પશુઓ પશુ માલિકો દ્વારા છોડાવવામાં આવે છે. જ્યારે મોટા ભાગના નબળા, અશકત, બિનઉપજાઉ, નધણીયાત પશુઓ ઢોર ડબ્બા ખાતે રહે છે.

ધીમે ધીમે કુદરતી રીતે થતા ઋતુઓ મુજબ વાતાવરણમાં થતા ફેરફારને લીધે પણ અમુક પશુઓના મૃત્યુ થતા હોય છે. બિમાર પશુઓને વહેલી તકે સારવાર માટે રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે મોકલવામાં આવે છે.

તંત્રના જણાવ્યા પ્રમાણે ૧ એપ્રિલ ૨૦૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીના છેલ્લા ૮ મહિનામાં કન્ઝર્વન્સી ખાતેના ઢોર ડબ્બામાં ૧૬૬ ગાયોના મૃત્યુ થયા છે. આ સમયગાળા દરમિયાન ઢોર ડબ્બા ખાતેથી કોઈ ગાયો ગૂમ થયેલ નથી.

આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ગાયોના મોતના આંકડા રજૂ કરી હકીકતનો સ્વીકાર કર્યો હતો.

(3:25 pm IST)