Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ઘંટેશ્વર પાર્ક પાસે ઇકો કારના ચાલકે બે ટુવ્હીલરને ઉલાળ્યાઃ નેપાળી યુવાનનું મોત, એક યુવાનને ઇજા

ઘંટેશ્વર પાર્કનો નેપાળી કર્મચારી લલીતનાથ (ઉ.૩૪)એ ઘટના સ્થળે જ દમ તોડ્યોઃ બીજા બાઇક ચાલકનો નજીવી ઇજા સાથે બચાવઃ કાર રેઢી મુકી ચાલક ભાગી ગયોઃ ઘટના સીસીટીવીમાં કેદઃ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી

અકસ્માતના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો, નેપાળી યુવાનનો નિષ્પ્રાણ દેહ, તેનું બાઇક અને અકસ્માત સર્જનાર ઇકો કાર જોઇ શકાય છે. તસ્વીરો પીએસઆઇ એમ. બી. જેબલીયાએ આપી હતી

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્કની સામે જ એક ઇકો કારના ચાલકે રસ્તો ઓળંગવા ઉભેલા બે અલગ-અલગ બાઇકચાલકને ઠોકરે ચડાવતાં વેઇટર નેપાળી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બાઇક ચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. અકસ્માત સર્જી કાર રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર પાર્કમાં રહેતો અને ત્યાં જ વેઇટર તરીકે નોકરી કરતો નેપાળી યુવાન લલિતનાથ અર્જુનનાથ (ઉ.વ.૩૪) બપોરે ઘંટેશ્વર પાર્કમાંથી બાઇક નં. જીજે૦૩ડીઇ-૩૨૪૪ લઇ બહાર જવા માટે સામેની સાઇડનો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ઇકો કાર જીજે૩૭ટી-૨૩૨૭ના ચાલકે ઠોકરે લેતાં લલિતનાથનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ કારના બેકાબૂ ચાલકે અન્ય એક બાઇકચાલકને પણ ઉલાળી દીધો હતો. જો કે તેનો નજીવી ઇજા સાથે ચમત્કારીક બચાવ થયો હતો. બંબાટ સ્પીડથી આવેલી ઇકો કારે પહેલા આ બાઇકને ઉલાળ્યું હતું એ પછી નેપાળી યુવાન બાઇક સહિત ઠોકરે ચડ્યો હતો. અકસ્માત બાદ કાર રેઢી મુકી ચાલક ભાગી ગયો હતો. ગાંધીગ્રામના પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ એમ. બી. જેબલીયા અને રાઇટર દિવ્યરાજસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં જેમાં કારનો ચાલક બે બાઇકને ઉલાળતો દેખાય છે. જે બાઇકચાલક બચી ગયો તે ઘણા સમય સુધી રસ્તો ઓળંગવા રાહ જોઇને ઉભેલો દેખાય છે, ત્યાં અચાનક ઇકોની ઠોકરે ચડી જાય છે અને પાછળ નેપાળી યુવાન પણ ઠોકરે ચડે છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વહેતા થયા હતાં.

મૃત્યુ પામનાર લલિતનાથને સંતાનમાં બે પુત્રો છે, જે પાંચ અને ત્રણ વર્ષની વયના છે. તે ચાર ભાઇમાં નાનો હતો. બનાવથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

(4:30 pm IST)