Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

મવડીના રામધણ આશ્રમમાં લાખોની ચોરી

મોડી રાતે આશ્રમના બાપુના રૂમમાંથી તસ્કરો રોકડ-સોના-ચાંદીના દાગીના ચોરી ગયાઃ ખાલી થેલા, બેગ પાછળના જંગલ વિસ્તારમાંથી મળ્યાઃ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટઃ સીસીટીવી કેમેરા નથીઃ ફરિયાદ ન નોંધાવાઇ

જ્યાં લાખોની ચોરી થઇ તે શ્રીરામધણ આશ્રમ-ગોૈશાળા (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: મવડી ગામ બાયપાસ પર આવેલા સુવિખ્યાત શ્રીરામધણ આશ્રમ-ગોૈશાળામાં મોડી રાતે ચોરીનો બનાવ બનતાં આશ્રમના સેવકોમાં ચકચાર મચી ગઇ હતી. રાત્રીના અઢી પછી કોઇપણ સમયે તસ્કરો  ત્રાટકયા હતાં અને મંદિરના મહંતશ્રીના રૂમમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી લાખોની મત્તા ઉસેડી ગયાની વાત ચર્ચાઇ રહી છે. જો કે આ મામલ કોઇ વિધીસીર ફરિયાદ નોંધાવાઇ નથી. તાલુકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરી પ્રાથમિક માહિતી મેળવી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ મોડી રાતે ત્રણેક વાગ્યે રામધણ આશ્રમ-ગોૈશાળાના મહંત કે જેઓ પોતાના રૂમથી બહાર ગોૈશાળા વિભાગમાં સુતા હોઇ તેમની ઉંઘ ઉડતાં રૂમ તરફ આંટો મારવા જતાં રૂમના દરવાજા ખુલ્લા જોવા મળતાં તપાસ કરતાં અંદર બધુ વેરવિખેર જોવા મળ્યું હતું. તેમજ બેગ, થેલા સહિતની ચીજવસ્તુઓ ગાયબ જણાયા હતાં. તપાસ કરતાં આ થેલા અને બેગ મકાન પાછળના જંગલ જેવા વિસ્તારમાંથી ખાલી હાલતમાં ફેંકી દેવાયેલા મળ્યા હતાં. જેમાંથી લાખો રૂપિયાની રોકડ, સોના-ચાંદીની ચીજવસ્તુઓ ગાયબ હોવાનું કહેવાય છે.

શ્રી રામધણ આશ્રમ-ગોૈશાળા વિશાળ જગ્યામાં પ્રસ્થાપિત છે અને અહિ ત્રણ હજારથી વધુ ગાયોનું પાલનપોષણ થાય છે. જગ્યાના મહંતશ્રીને દાતાઓ તરફથી છુટેહાથે ગાયોના નિભાવ માટે દાન મળે છે. મહંતશ્રી આ રકમ તથા સોના-ચાંદીની ચીજવસ્તુઓ કે જે ભેટમાં મળી હોય છે તે એમ જ રૂમમાં થેલા, બેગમાં ભરીને રાખતા હતાં. આ માલમત્તા ચોરાઇ ગયાનું કહેવાય છે. જો કે ચોરીનો આંકડો હજુ સામે આવ્યો નથી. તાલુકા પોલીસને જાણ થતાં પી.આઇ. જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર, એસ.આર. સોલંકી, વી.એમ. જાડેજા, ઉમેશભાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી. જો કે રાતે મહંતશ્રીએ ફરિયાદ નોંધાવી નહોતી. સવારે ફરીથી પોલીસ ટૂકડી તપાસાર્થે શ્રીરામધણ આશ્રમે પહોંચી હતી. પરંતુ બપોર સુધી કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

આશ્રમ-ગોૈશાળામાં મહંતશ્રી સાથે અનેક સેવકો રોજબરોજ મોડી રાત સુધી હાજર હોય છે. રાત્રીના પણ બે-સવાબે સુધી અમુક સેવકો હાજર હતાં. તેઓ જતાં રહ્યા બાદ મહંતશ્રી ગોૈશાળા વિભાગમાં સુઇ ગયા હતાં. તેઓ પોતાના રૂમમાં સુતા નહોતાં. રાતે ત્રણ-સવાત્રણે તેમની ઉંઘ ઉડતા લટાર મારવા ઉભા થયાં અને રહેણાંક રૂમ તરફ ગયા ત્યારે ચોરી થયાની ખબર પડી હતી. હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાવાઇ નથી. સેવકોને જાણ થતાં મોટી સંખ્યામાં રામધણ આશ્રમે પહોંચ્યા છે. તસ્કરો મકાનની પાછળના ભાગે દાગીના-રોકડના ખાલી થેલા ભાગી જંગલ જેવા વિસ્તારમાંથી નીકળી ગયાની શકયતા છે. શ્રી રામધણ આશ્રમ-ગોૈશાળામાં કયાંય સીસીટીવી કેમેરા પણ નથી. અગાઉ અહિ આગ ભભૂકી હતી ત્યારે લાખોનો ઘાંસચારો બળી ગયો હતો. બીજા જ દિવસે દાતોઓએ દાનનો ધોધ વહાવતાં બળી ગયો હતો તેના કરતાં પણ વધુ ઘાંસનો જથ્થો આવી ગયો હતો. શ્રીરામધણ આશ્રમ-ગોૈશાળા પ્રત્યે મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધા ધરાવે છે. ત્રણેક હજારથી વધુ ગાયોનો અહિ નિભાવ થાય છે. પોલીસ સવારે અગિયારેક વાગ્યે ફરીથી ગોૈશાળા ખાતે પહોંચી હતી. જો કે બપોર સુધી ફરિયાદ નોંધાવાઇ નથી. 

(3:26 pm IST)