Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ઓમનગરના પટેલ વેપારી અમિત ભાલોડી સાથે બિહારની વિશ્વકર્મા હાર્ડવેર કંપની અને બહુનામધારી શખ્સની ૬ લાખની છેતરપીંડી

ફોન કરી હાર્ડવેરના માલનો ઓર્ડર આપી ૪૫ હજાર એડવાન્સ આપ્યાઃ બાકીના ૬,૦૯,૭૮૫ ચુકવ્યા જ નહિઃ વર્ષ ૨૦૧૭નો બનાવઃ જે તે વખતે વેપારીએ પોલીસને લેખિત અરજીઓ છતાં ગુનો દાખલ ન થતાં કોર્ટમાં ફરિયાદ નોંધાવવી પડી

રાજકોટ તા. ૨૫: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમ માર્કેટીંગ નામની પેઢી ધરાવી આલડ્રોપ ટાવર બોલ્ટ, ડોર સ્ટોપર તથા હાર્ડવેર ટ્રેડીંગનો વેપાર કરતાં અમિતભાઇ વિઠ્ઠલભાઇ ભાલોડી (પટેલ) (ઉ.વ.૩૫-રહે. વાવડી, આકાર હાઇટ્સ, એલ-વિંગ બ્લોક નં. ૨૦૩) સાથે બિહાર ભોજપુરની વિશ્વકર્મા હાર્ડવેર એન્ડ પ્લાય હાઉસ નામની કંપની તથા દિપકકુમાર ઉર્ફ અજય ઉર્ફ રાજેશ નામના શખ્સે અલગ-અલગ વખતે  ઓર્ડર આપી રૂ. ૬,૫૪,૭૮૫નો હાર્ડવેર માલ ખરીદી એડવાન્સ પેટે રૂ. ૪૫ હજાર આપી બાકીના રૂ. ૬,૦૯,૭૮૫ ન ચુકવી છેતરપીંડી કરતાં આ અંગે કોર્ટમાં ફરિયાદ નોંધાવાતાં કોર્ટના આદેશથી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસે અમિતભાઇ પટેલની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ રચી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે. અમિતભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મવડી રીંગ રોડ પર માધવ ગેઇટ નજીક ઓમ માર્કેટીંગ નામે હાર્ડવેરની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. ૨૩/૧૦/૧૭ના રોજ અમિતભાઇના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે આલડ્રોપ, ટાવર બોલ્ટ, ડોર સ્ટોપર સહિતના માલ અંગે પુછતાછ કરી હતી અને પોતાને પાંચ-છ લાખના માલની જરૂર છે તેવી વાત કરી હતી. એ પછી ૪/૧૧/૧૭ના રોજ ઓર્ડર આપી ફોન કરનારે રૂ. ૪૫ હજાર અમિતભાઇના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતાં. બાકીની રકમ માલ મળ્યે અચુક આપી દેશે તેવું વચન આપ્યું હતું.

એ પછી અમિતભાઇએ ઓર્ડર મુજબનો માલ બિહારના વિશ્વકર્મા હાર્ડવેર અને પ્લાયવૂડના સરનામે તેમની બીજા અલગ-અલગ એડ્રેસ પર મોકલ્યો હતો. આ રીતે કુલ છએક વખત મળી રૂ. ૬,૫૪,૭૮૫નો માલ મોકલાયો હતો. મંગાવનારે માલ મળી ગયાની ખાત્રી પણ આપી દીધી હતી. પરંતુ એ પછી તેણે બાકીનું પેમેન્ટ રૂ. ૬,૦૯,૭૮૫ ચુકવાવામાં ગલ્લા તલ્લા શરૂ કર્યા હતાં. તેને જુદા-જુદા નંબરો પર ફોન કરી ઉઘરાણી કરવામાં આવતાં તે સંતોષકારક જવાબ આપતો નહોતો. એ પછી તપાસ કરતાં ફોન કરનાર શખ્સ દિપક, અજય અને રાજેશ એવા અલગ-અલગ નામે ઓળખાતો હોવાનું અને તેણે ઠગાઇ કર્યાનું સામે આવતાં તે વખતે ૧/૦૮/૧૮ના રોજ તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીની લેખિત ફરિયાદ કરી હતી. તેમજ પોલીસ કમિશનર કચેરીમાં પણ અરજી આપી હતી. પરંતુ ગુનો દાખલ ન થતાં કોર્ટમાં ફરિયાદ કરવી પડી હતી. તેમ અમિતભાઇએ જણાવતાં કોર્ટએ આ બારામાં એમ કેસ દાખલ કરી તાલુકા પોલીસને ગુનો નોંધવા મોકલતાં પીએસઆઇ જી. એસ. ગઢવીએ આગળની તપાસ શરૂ કરી છે.

(12:55 pm IST)