Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ઔદ્યોગિક - સલામતી - સ્વાસ્થ્ય - પર્યાવરણ માટે જાગૃતિ જરૂરી : ગોવિંદભાઈ પટેલ

ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી અને પર્યાવરણ સંબંધી જાગૃતિ લાવવા કેએસપીસી હંમેશા પ્રયત્નશીલ : હસુભાઈ દવે : ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય જળવાય તે માટે સમયાંતરે આ પ્રકારના સેમીનારના આયોજનથી ઔદ્યોગિક એકમોમાં જાગૃતિ ફેલાય છે : નીતિનભાઈ પેથાણી : ઔદ્યોગિક એકમોમાં સલામતી, સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી બાબતે જાગૃતિ લાવવી અને કામદારો સંપૂર્ણપણે વ્યસનમુકત રહે : અપૂર્વમુનિ સ્વામી

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ, રાજકોટ અને ડાયરેકટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ હેલ્થ ગુજરાત રાજય, અમદાવાદના સંયુકત ઉપક્રમે હેમુગઢવી ઓડીટોરીયમ ખાતે 'ઈન્ડસ્ટ્રીયલ સેફટી, હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટ' વિષયે એક દિવસીય રાજયકક્ષાનો સેમીનાર યોજાઈ ગયો. જેમાં રાજયના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી આઠસો ડેલીગેટ્સ ઉપસ્થિત રહેલ હતા.

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના પ્રમુખ અને મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટ, અમદાવાદના વાઈસ ચેરમેન હસુભાઈ દવેના પ્રમુખ સ્થાને યોજાયેલ આ સેમીનારનું ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરીને ઉદ્દઘાટન કર્યુ હતું. મુખ્ય મહેમાનપદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી નીતિનભાઈ પેથાણી અને અતિથિ વિશેષપદે શ્રી પી.એમ. શાહ નિયામક ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજય ઉપસ્થિત રહેલ હતા.

સ્વાગત પ્રવચન કાઉન્સીલના ગવર્નીંગ બોડી મેમ્બર પ્રોફેસર જયોતિન્દ્રભાઈ જાની અને કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન પારેખે તેમજ ડાયરેકટોરેટ ઓફ ઈન્ડસ્ટ્રીલ સેફટી એન્ડ હેલ્થ, ગુજરાત રાજયના ડાયરેકટર પી. એમ. શાહએ મહેમાનોનું સ્વાગત કરી તેમનો પરિચય આપેલ હતો. સેમીનારના વિષયની ભૂમિકા અને ઉદ્દેશની વિગતો આપતા પી.એમ. શાહે જણાવ્યુ હતું કે ગુજરાતમાં હાલમાં ઈન્ડસ્ટ્રીઝની સંખ્યા ઘણી વધી ગઈ છે સાથે સાથે એમ.એ.એચ. ઈન્ડસ્ટ્રીઝ ખૂબ વધી ગયેલ છે. આ સંદર્ભમાં ઔદ્યોગિક એકમોના માલિકો અને કામદારોમાં ઔદ્યોગિક સલામતી અને હેલ્થ તેમજ પર્યાવરણ સંબંધી બાબતમાં જરૂરી જાગૃતિ લાવવા આ સેમીનારનું આયોજન કરવામાં  આવેલ છે.

કાર્યક્રમના કિ-નોટ સ્પીકર તરીકે સાધુ શ્રી અપૂર્વમુનિ સ્વામીજીએ જણાવેલ હતું કે સલામતી એટલે શું તેની વૈશ્વિક સ્તરે અગત્યતા શું છે અને તેનું હાલના સમયમાં મહત્વ. કામદારોનું સ્વાસ્થ્ય જળવાય તેઓનું વ્યસન મુકત જીવન રહે તેવી બાબતો પર ભાર મૂકયો હતો, પર્યાવરણની સ્વચ્છતા માટે પ્રાથમિક બાબતો જેવી કે વાહનોથી થતા પ્રદૂષણ પર અંકુશ મેળવવો જેથી પર્યાવરણ સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે છે તેવા પ્રયાસો કરવા જરૂરી છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવેલ હતું કે સલામતી એ ઉદ્યોગોની જવાબદારી છે અને તેની સાથે સાથે પર્યાવરણની સ્વચ્છતા જળવાય રહે તે ખૂબ જ જરૂરી છે અને તેમણે જેતપુરની નદીના પાણી પ્રદૂષણની પણ જાણકારી આપી વધુ જણાવ્યુ કે ઔદ્યોગિક વિકાસ એ પર્યાવરણના ભોગે કદાપી ન થવો જોઈએ અને પર્યાવરણની સ્વચ્છતા પર ભાર મૂકયો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર નીતિનભાઈ પેથાણીએ જણાવેલ હતું કે હાલમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય જળવાય તે માટે સમયાંતરે આ પ્રકારના સેમીનારના આયોજનથી ઔદ્યોગિક એકમોમાં જાગૃતિ ફેલાય છે અને પર્યાવરણ સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે છે.

કેએસપીસીના પ્રમુખ શ્રી હસુભાઈ દવેએ જણાવેલ હતું કે આ સેમીનારનો સંશોધનાત્મક અહેવાલ રાજય સરકારને મોકલવામાં આવશે અને પર્યાવરણ અને ઔદ્યોગિક પ્રદૂષણ સંદર્ભે લોકજાગૃતિ વ્યાપક બનાવવામાં આવશે. આ સેમીનારોની સફળતાપૂર્વકનું આયોજન કરવા રાજય સરકાર દ્વારા તેમજ વિવિધ ઔદ્યોગિક એકમ દ્વારા સહયોગ પ્રાપ્ત થયેલ છે. ઔદ્યોગિક એકમોના માલિકો અને કામદારોમાં ઔદ્યોગિક સલામતી અને હેલ્થ તેમજ પર્યાવરણ સંબંધી બાબતમાં જરૂરી જાગૃતિ લાવવા આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. ઉદ્યોગોમાં અકસ્માતોને નિવારવા અને પર્યાવરણની જાળવણીનો આપણો જે ઉદ્દેશ છે તેને જવાબદારીપૂર્વક નિભાવવાની જરૂરીયાત છે. કેએસપીસી આ બાબતે હંમેશા પ્રયત્નશીલ છે.

નિવૃત ડે. ડાયરેકટર, ઈન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ, રાજકોટના શ્રી ડી.જી.પંચમીયાએ ઔદ્યોગિક સલામતીની વર્તમાન સમયમાં અગત્યતા વિષયે ચેરમેન - દત્તોપંત ઠેગડી નેશનલ વર્કસ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ - વડોદરાના શ્રી હિરન્મયભાઈ પંડ્યાએ પ્રદૂષણના પડકારો અને તેના ઉપાયો એ વિષયે પ્રોફેસર એમ.બી.એ., ડીપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના હિતેષભાઈ શુકલએ ઉત્સાહપૂર્ણ ટીમ દ્વારા સફળતાએ વિષયે ફાયર એન્ડ એચ.એસ.ઈ. એકસપર્ટ, વડોદરાના એમ.એમ. પઠાને ફાયર સેફટીના નોર્મસ તથા વર્તમાન પરિસ્થિતિમાં તેની અગત્યતા વિશે માર્ગદર્શન આપેલ હતું.

આ કાર્યક્રમમાં કાઉન્સીલના હોદ્દેદારો સર્વશ્રી ઉપપ્રમુખ ડી.જી.પંચમીયા, માનદમંત્રી મનહરભાઈ મજીઠીયા, કોષાધ્યક્ષ રામભાઈ બરછા, ચેરમેન દિપકભાઈ સચદે, ગવર્નીંગ બોડીના સભ્યો હીરાભાઈ માણેક, દિલીપભાઈ ઠાકર, કિરીટભાઈ વોરા, વાલ્જીભાઈ ચાવડા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, ટાટા કેમીકલ્સના શુકલ, નિરમા લીમીટેડના એસ.વી.સોનારા તેમજ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, રાજકોટના જોઈન્ટ ડાયરેકટર એચ.એસ. પટેલ, આર.એ. પરમાર, શ્રી ભારથી, જે.એમ. દ્વિવેદી, એમ.સી. ઝીંઝાલા, એમ.સી.બારીયા, ડી.કે.પટેલ, વાય.એમ. પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઈ સચદેએ કરેલ હતું.

કાર્યક્રમને સફળ બનાવવા એચજે ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. રાજકોટના એડમીન એન્ડ પર્સોનલ મેનેજર જે.આર.કીકાણી, શ્રી શર્મા, પ્રદિપભાઈ મહેતા, મનોજભાઈ જોબનપુત્રા, જનકભાઈ પરસાણીયા, રામમદન યાદવ, સહદેવસિંહ જાડેજા,  કાઉન્સીલના મેમ્બર ડો.જયોતિન્દ્ર જાની, ગીતાંજલી કોલેજના વિદ્યાર્થીઓ, કાઉન્સીલના ભરત રાબા, રિઝવાન ગલીયારા, પરેશ મારૂ, નિકેત પોપટ, મોનીકા વેગડા તેમજ વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ જયદીપ કાચા, શ્યામ ભોજક અને વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

(12:55 pm IST)