Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

મેરેથોનના દોડવીરોને ગુરૂ - શુક્ર કીટ વિતરણ : હાફ મેરેથોનનું રજીસ્ટ્રેશન થશે

આર્ટ ગેલેરી ખાતે ટી-શર્ટ સહિતની કિટ અપાશે

રાજકોટ, ૨૫ : રાજકોટ મહાનગરપાલિકા અને રોટરી કલબ ઓફ મીડટાઉનના નેજા હેઠળ આગામી ૨૯મીના રવિવારે રાજકોટમાં યોજાવા જઈ રહેલી સવન રાજકોટ મેરેથોનની આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મેરેથોનમાં ભાગ લેવા માટે દોડવીરોમાં અનેરી ઉત્કંઠા પણ જોવા મળી રહી છે. દરમિયાન મેરેથોનમાં રજિસ્ટ્રેશન કરાાવનાર દોડવીરોને ગુરૂવાર અને શુક્રવારે મેરેથોન કિટનું વિતરણ કરવામાં આવશે. આ કિટ રેસકોર્સની શ્યામાપ્રસાદ આર્ટગેલેરી ખાતેથી આપવામાં આવશે. સાથે સાથે જે દોડવીરો ૧૦ અને ૨૧ કિલોમીટર દોડ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયા છે તેઓ માટે સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તા.૨૬ને ગુરૂવાર અને તા.૨૭ને શુક્રવારે સવારે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધી રેસકોર્સની શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે 'બીબ એકસ્પો કીટ ડિસ્ટ્રિબ્યુશન' રાખવામાં આવ્યું છે. અહીં ૫, ૧૦ અને ૨૧ કિ.મી. (હાફ મેરેથોન)માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવનારા દરેક દોડવીરને ટી-શર્ટ સહિતની કિટ આપવામાં આવશે. જે દોડવીરોનું રજિસ્ટ્રેશન થયું તેમને આયોજકો દ્વારા એસ.એમ.એસ. પણ કરી દેવામાં આવ્યા છે અને એ એસ.એમ.એસ.માં તેમને નંબર પણ આપવામાં આવ્યો છે તેથી દોડવીરે તે નંબર લઈને ઉપરોકત સમય અનુસાર આવવાનું રહેશે.

૧૦ કિ.મી. અને ૨૧ કિ.મી. (હાફ મેરેથોન)માં રજિસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયેલા દોડવીરો માટે સ્થળ રજિસ્ટ્રેશન પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેથી જે દોડવીરો ૧૦ અને ૨૧ કિ.મી.ની દોડમાં ભાગ લેવા માગતાં હોય તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેમ યાદીમાં અંતમાં જણાવાયુ છે.

(11:54 am IST)