Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ગાંધીગ્રામ શકિતનગરમાંથી ૧૯મીએ ગૂમ થયેલી ભરવાડ પરિણીતાની આજીડેમ પાસે ખાણમાંથી લાશ મળતાં અરેરાટી

ત્રણ સંતાન મા વિહોણા થયાઃ આપઘાત કર્યાની શકયતાઃ ગૂમ થઇ ત્યારે પોલીસે સીસીટીવી ચેક કરતાં પગપાળા જતી દેખાઇ હતી

રાજકોટ તા. ૨૫: ગાંધીગ્રામ શકિતનગર-૨/૯ના ખુણે રહેતી રેખાબેન રણછોડભાઇ કિહલા (ઉ.વ.૨૪) નામની ભરવાડ પરિણીતા ૧૯મીએ સવારે સાડા અગિયારેક વાગ્યે ઘરેથી ગૂમ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. દરમિયાન આ પરિણીતાની લાશ આજીડેમની ખાણમાંથી ફુલાઇ ગયેલી, કોહવાઇ ગયેલી હાલતમાં મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કોઇપણ કારણોસર તેણીએ આપઘાત કરી લીધાની શકયતા પરથી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજીડેમની ખાણમાં એક અજાણી મહિલાની લાશ મળ્યાની જાણ ૧૦૮ના ઇએમટી ડો. ભાવેશ વાઢેરે કરતાં આજીડેમના પીએસઆઇ સી.એસ. પટેલ, કોૈશલેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની લાશ ફુલાઇ ગયેલી, કોહવાઇ ગયેલી જણાતી હોઇ ચાર-પાંચ દિવસ પહેલા મોત થયાનું તારણ નીકળ્યું હતું. તેણીના પહેરવેશ અને હાથ-પગના ઘરેણા જોતાં તે ભરવાડ સમાજની હોય તેવું લાગતું હતું. પોલીસે ગૂમ થયાની યાદી અંગે અલગ-અલગ પોલીસ મથકમાં તપાસ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ૨૩/૧૨ના રોજ ગાંધીગ્રામ શકિતનગરની ભરવાડ પરિણીતા રેખાબેન રણછોડભાઇ કિહલા (ઉ.૨૪) ગૂમ થયાની નોંધ થઇ હોઇ તેના આધારે તેના સ્વજનોને બોલાવતાં આ લાશ રેખાબેનની જ હોવાનું સ્પષ્ટ થયું હતું.

બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રેખાબેન ૧૯મીએ ઘરેથી કંઇ કહ્યા વગર નીકળી ગઇ હતી. તેણીને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ રણછોડભાઇ ધુડાભાઇ કિહલા પશુપાલનનું કામ કરે છે. તેણે ત્રણેક દિવસ શોધખોળ બાદ ૨૩મીએ ગાંધીગ્રામ પોલીસમાં પત્નિ ગૂમ થયાની જાણ કરી હતી. ત્યાં ગત સાંજે તેણીની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં બનાવ આપઘાતનો છે કે કેમ? તે હજુ સ્પષ્ટ થયું નથી. મૃતકના માવતર પક્ષના નિવેદનો નોંધવાના બાકી છે.

(11:31 am IST)