Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

હરિયાણાના ટ્રકમાંથી બે સ્થળે 'કટીંગ' થયું: તાલુકા અને આજીડેમ પોલીસે ૬.૯૨ લાખનો દારૂ પકડ્યોઃ ૬ ઝડપાયા

૩૧મીએ દારૂની રેલમછેલ કરી કમાઇ લેવાનો બૂટલેગરોનો ઇરાદોઃ પોલીસના સતત દરોડા : આજીડેમ પીઆઇ એ.એસ. ચાવડા અને કનકસિંહ ચોૈહાણની બાતમી પરથી ગોંડલ ચોકડીએથી ૨.૮ લાખના દારૂ ભરેલા ટ્રક સાથે પકડી લેવાતાં તેણે બીજો માલ ગોવર્ધન ચોકના પટમાં ઉતાર્યાનું કબુલતાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા અને ટીમે દરોડો પાડી પાંચ શખ્સોને ૪,૮૪,૦૦૦ના દારૂ સાથે પકડી લીધાઃ હરિયાણાના ભોજસિંહ પરમાર અને રાજકોટના જુનેદના મોકલનાર-મંગાવનાર તરીકે નામ ખુલ્યા

રાજકોટ તા. ૨૫: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અંતર્ગત પોલીસે બૂટલેગરો પર સતત ધોંસ યથાવત રાખી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી ખુરશીદ અહેમદની સુચના હેઠળ રોજબરોજ વિદેશી દારૂ પકડવામાં આવી રહ્યો છે. આજીડેમ પોલીસે મોડી રાતે ગોંડલ રોડ ચોકડી મહિરાજ હોટેલ પાસેથી રૂ. ૨,૦૮,૮૦૦નો ૬૯૬ બોટલ દારૂ ભરેલો ટ્રક પકડી લઇ એક હરિયાણાના શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સે પહેલા મવડી ૧૫૦ રીંગ રોડ પર ગોવર્ધન ચોક માધવ વાટીકા મેઇન રોડ મનિષ મોટર કેર નામના ગેરજ પાસે પણ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાનું કબુલતાં આજીડેમ પોલીસે તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસની ટીમે ત્રાટકી કટીંગ માટે આવેલા પાંચ શખ્સોને રૂ. ૪,૮૪,૮૦૦ના ૧૨૧૨ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. આમ એક જ ટ્રકમાંથી બે સ્થળે કટીંગ થયેલો કુલ રૂ. ૬.૯૨ લાખનો દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. આ વખતે સપ્લયર અને મંગાવનારાના નામ પણ સામે આવ્યા છે. આ દારૂ મોકલનાર હરિયાણાના શખ્સ અને મંગાવનાર રાજકોટના મુસ્લિમ શખ્સના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

આજીડેમ પોલીસે આરજે૧૮જીએ-૪૯૧૪ નંબરના ટ્રકને આંતરી તલાશી લેતાં પાછળના ઠાઠામાં પાવડરની ગુણીઓ ભરેલી જોવા મળી હતી. આ ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની પાક્કી બાતમી હોઇ ગુણીઓ હટાવીને તપાસ કરતાં પાછળના ભાગેથી રૂ. ૨,૦૮,૮૦૦નો ૬૯૬ બોટલ દારૂ (રોયલ જનરલ રિઝર્વ વ્હીસ્કી) મળી આવતાં દારૂ તથા ટ્રક મળી કુલ રૂ. ૧૨,૦૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. તેમજ ટ્રક ચાલક નરેશ મદનલાલ શર્મા (બ્રાહ્મણ) (ઉ.૪૨-રહે. ચાંગ તા. જી. ભવાની, હરિયાણા)ની ધરપકડ કરવામાં આવી હતી.

નરેશની પુછતાછ થતાં તેણે આ દારૂ ભીવાની હરિયાણાના ભોજસિંહ જગતસિંહ પરમારે મોકલ્યો હતો અને રાજકોટના જુનેદ ગજ નામના શખ્સને આપવાનો હતો તેવી કબુલાત આપતાં અને રાજકોટના શખ્સના મોબાઇલ નંબર પણ નરેશે પોલીસને આપતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે તેના ટ્રકમાંથી દારૂની ઓછી બોટલો મળી હોઇ તેણે બીજે કયાંક પણ કટીંગ કર્યાની શંકા ઉપજતાં વધુ પુછતાછ પી.આઇ. ચાવડા અને ટીમે કરતાં નરેશે ૧૫૦ રીંગ રોડ પર માધવ વાટીકા મેઇન રોડ પર મનિષ મોટર કેર નામના ગેરેજમાં દારૂનો જથ્થો ઉતાર્યાનું કબુલતાં આજીડેમ પોલીસે જાણ કરતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એચ. સરવૈયા તથા જે. એસ. ગેડમની રાહબરીમાં પી.આઇ. જે. વી. ધોળા, પીએસઆઇ એમ. વી. ડામોર, એઅસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. પ્રવિણભાઇ વસાણી, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, ચંદ્રસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, ઉમેશભાઇ ચાવડા, અરજણ ઓડેદરા, દિવ્યરાજસિંહ ઝાલા, મહેશભાઇ સેગલીયા સહિતે દરોડો પાડ્યો હતો.

તાલુકા પોલીસે પાંચ શખ્સો વિનોદ વલ્લભભાઇ વિશપરા (ઉ.૩૦-રહે.  બાપા સિતારામ સોસાયટી-૧, સોલવન્ટ પાછળ), મહેબુબ અયુબભાઇ શાહમદાર (ઉ.૨૩-રહે. ગંજીવાડા-૧૨), જાવીન મહમદભાઇ જુણેજા (ઉ.૨૮-રહે. હૈદરી ચોક, દુધ સાગર રોડ), હુશેન મુશાભાઇ કુંઢા (ઉ.૨૯-રહે. ગંજીવાડા-૧૧/૧૨) તથા સુમિત વિરેન્દ્રસિંહ ભદોરીયા (ઉ.૩૦-રહે. રેલનગર હર્ષદ બ્લોક પહેલો માળ કવાર્ટર નં. ૧૦૮)ને પકડી લઇ રૂ. ૪,૮૪,૮૦૦નો ૧૨૧૨ બોટલ દારૂ તથા રિક્ષામળી કુલ રૂ. ૫,૩૫,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી  ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી ગેડમ, એસીપી એચ.એલ. રાઠોડની સુચના મુજબ પીઆઇ એ.એસ.ચાવડા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ ભીંસડીયા, મહેન્દ્રભાઇ પરમાર, કોન્સ. શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પી.આઇ. ચાવડા અને કનકસિંહની બાતમી પરથી આજીડેમ પોલીસે કામગીરી થઇ હતી. તેમજ બીજા દરોડામાં તાલુકા પોલીસે કામગીરી કરી હતી.

દારૂના પાઉચ સાથે ધવલ પકડાયો

ઓમનગર સર્કલ પાસેથી ધવલ ઉર્ફ લાલો પ્રવિણભાઇ વ્યાસ (ઉ.૨૯-રહે. ઓમનગર ૪૦ ફુટ રોડ)નેરૂ. ૪૫ના વ્હીસ્કીના બે પાઉચ સાથે તાલુકાના પીએસઆઇ એન. ડી. ડામોર સહિતે પકડી લીધો હતો.

(3:23 pm IST)