Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

વ્યાજે લીધેલા ૩ લાખના ૬ લાખ માંગી માર્કેટ યાર્ડના વેપારી રાજન ગજેરાનું અપહરણઃ પગ ભાંગી નાંખ્યો

સામા કાંઠે રહેતાં મિત્ર જયદિપ પટેલના ભાઇ અતુલ પટેલ પાસેથી ધંધાના કામે ચારેક મહિના પહેલા પાંચ ટકેથી લીધા હતાં : અટીકા પાસે ન્યુ ગોપવંદના સોસાયટીમાંથી એકટીવામાં અપહરણ કરી શ્યામ હોલ પાસે લાવ્યા, ધોલધપાટ થતી'તી એ વખતે જ રાજનના મિત્ર મિતેષ સગપરીયા આવી જતાં બધા ભાગી ગયાઃ ફરિયાદ નોંધાવવા જતી વખતે ફરીથી રસ્તામાં આંતરી ૮ શખ્સો ધોકા-છરીથી તૂટી પડ્યા : ભકિતનગર પોલીસે ઘવાયેલા રાજન ગજેરાના મિત્ર જયદિપ પટેલ, તેના ભાઇ અતુલ પટેલ, કાનો તેમજ પાંચ અજાણ્યા સામે અપહરણ-રાયોટીંગ-મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યોઃ ઝપાઝપીમાં સોનાની બે વીંટી ખોવાઇ

 

રાજકોટ તા. ૨૫: વ્યાજખોરીના અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે આવી ગયા છે. વધુ એક બનાવમાં અટિકા નહેરૂનગર પાસે શ્રધ્ધા સોસાયટી રોડ પર ન્યુ ગોપવંદનામાં રહેતાં અને માર્કેટ યાર્ડમાં અનાજનો વેપાર કરતાં લેઉવા પટેલ યુવાને વ્યાજે લીધેલા ૩ લાખ સામે ૬ લાખ માંગી ઘરેથી અપહરણ કરી શ્યામ હોલ પાસે લઇ જઇ ધોલધપાટ કરતાં મિત્રએ બચાવી લેતાં અને બંને ફરિયાદ નોંધાવવા જતાં હતાં ત્યારે ફરીથી રસ્તામાં આંતરી ધોકા-છરીથી હુમલો કરી વેપારીનો ભગ ભાંગી નાંખતા અને તેના મિત્રને પણ મારકુટ કરતાં બંને હોસ્પિટલના બિછાને પહોંચ્યા હતાં. પોલીસે વેપારીના મિત્ર સામા કાંઠે રહેતાં પટેલ શખ્સ, તેના ભાઇ સહિત ૮ જણા વિરૂધ્ધ અપહરણ, મનીલેન્ડ એકટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હુમલાખોરોએ વેપારીનો પગ ભાંગી નાંખ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ન્યુ ગોપવંદના સોસાયટીમાં રહેતાં અને માર્કેટ યાર્ડમાં અનાજનો વેપાર કરતાં રાજનભાઇ હેમતભાઇ ગજેરા (ઉ.વ.૪૦) નામના લેઉવા પટેલ યુવાન અને તેમના મિત્ર ખોડિયાર સોસાયટીમાં રહેતાં મિતેષભાઇ કાંતિભાઇ સગપરીયા (ઉ.૪૦) રાત્રીના સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાના પર નિલકંઠ ટોકિઝ નજીક અતુલ પટેલ, કાનો સહિતનાએ ધોકા-સળીયા-છરીથી હુમલો કર્યાનું જણાવતાં બંનેને સારવાર માટે દાખલ કરાયા હતાં. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

પીએસઆઇ આર.એન. સાંકળીયા અને સ્ટાફે હોસ્પિટલે પહોંચી રાજનભાઇ પાસેથી માહિતી મેળવતા વ્યાજની ઉઘરાણીનો ડખ્ખો સામે આવ્યો હતો. તેની ફરિયાદ પરથી રણછોડનગરમાં રહેતાં તેના જ મિત્ર જયદિપ હાપલીયા (પટેલ), તેના ભાઇ અતુલ પટેલ, કાનો તથા પાંચ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૬૫, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૦૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, મનીલેન્ડ એકટ તથા ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

રાજનભાઇના કહેવા મુજબ તે યાર્ડમાં વેપાર કરે છે. થોડા મહિના પહેલા ધંધાના કામે જરૂર પડતાં મિત્ર જયદિપ પટેલ મારફત તેના ભાઇ અતુલ પટેલ પાસેથી રૂ. ૩ લાખ પાંચ ટકાના વ્યાજેથી લીધા હતાં અને વ્યાજ ભર્યુ હતું. પણ હવે અતુલ પટેલે ૩ લાખના ૬ લાખ માંગી આકરી ઉઘરાણી ચાલુ કરી હતી. વ્યાજની ઉઘરાણી માટે ગઇકાલે અતુલ, જયદિપ, કાનો અને એક અજાણ્યો ટુવ્હીલર લઇને ઘરે આવ્યા હતાં અને રાજનભાઇનું એકટીવામાં અપહરણ કરી શ્યામ હોલ પાસે લઇ ગયા હતાં. ત્યાં તેની મારકુટ ચાલુ કરી હતી ત્યાં મિત્ર મિતેષભાઇ સગપરીયા નીકળતાં તેને બૂમ પાડતાં તે બચાવવા દોડી આવતાં તેને પણ ઢીકા-પાટુનો માર માર્યો હતો. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.

એ પછી રાજનભાઇ અને તેના મિત્ર ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે રવાના થયા હતાં. ત્યાં નિલકંઠ ટોકિઝ નજીક પહોંચતા અતુલ, જયદિપ, કાનો અને બીજા પાંચ શખ્સો ટુવ્હીલર અને કાળા રંગની સ્વીફટ કારમાં આવ્યા હતાં અને બંને મિત્રોને ફરીથી આંતરી લઇ ફરીથી ધોકા-છરીથી હુમલો કર્યો હતો. જેમાં રાજનભાઇનો ડાબો પગ ભાંગી ગયો હતો. તેના મિત્રને પણ છરીથી છરકાર કરી ધોકા ફટકારાયા હતાં. ઝપાઝપીમાં મિતેષભાઇની સોનાની બે વીંટીઓ પડી જતાં ખોવાઇ ગઇ હતી. હુમલાખોરોએ વ્યાજ સહિત રૂપિયા આપી દેજે નહિતર મારી નાંખશું તેવી ધમકી પણ આપી હતી. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં આરોપીઓની શોધખોળ શરૂ થઇ છે. રાજનભાઇ સિવિલમાં સારવાર લઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે.

(3:40 pm IST)