Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બ્લોકમાં હશે આટઆટલી અદ્યતન સુવિધાઓ

૪૦ પથારી સાથેનો આઇસીસીયુ વિભાગ, હાઇફાઇ ઓપરેશન થીએટર, યુરોલોજીમાં લેસરની સુવિધા

 રાજકોટ તા. ૨૪: સિવિલ હોસ્પિટલમાં નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ૨૮મીએ લોકાર્પણ થવા જઇ રહ્યું છે ત્યારે આ નવા બ્લોકમાં દર્દીઓને લાભ કરતી કેટકેટલી અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે? તેની માહિતી તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ આપતાં જણાવ્યું હતું કે આ બ્લોકમાં અનેક એવી સુવિધા દર્દીઓને મળી શકશે જે અત્યાર સુધી નહોતી મળી શકતી.

ડો. મહેતાએ જણાવ્યું હતું કે આ નવા બિલ્ડીંગમાં ૪૦ બેડનો આઇસીયુ વિભાગ, ૮ મોડયુલર ઓપરેશન થિએટર (હાઇફાઇ સુવિધા સાથેના), અદ્યતન ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ-જેમાં ૧ કરોડના માઇક્રોસ્કોપની સુવિધા હશે. જેના કારણે અનેક ગંભીર પ્રકારની તકલીફોનું નિવારણ સરળતાથી થઇ શકશે. આ ઉપરાંત યુરોલોજીમાં લેસરની સુવિધા ઉપલબ્ધ થશે. આથી હવે પથરી સહિતના ઓપરેશનો લેસર પધ્ધતિથી થઇ શકશે. આ ઉપરાંત પ્લાસ્ટીક સર્જરી ડિપાર્ટમેન્ટ પણ છે. તેમજ ડાયાલિસીસ વિભાગમાં પણ અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.  તેમજ હૃદય રોગના દર્દીઓ માટે ઇકો કાડિર્યોગ્રાફીની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ માટેના ૩ મશીનો આવી ગયા છે. આ ઉપરાંત અનેક સુવિધાઓ છે. સરકારે આ સુપર સ્પેશિયાલિટી વિભાગ માટે ૨૫૦ના નવા સ્ટાફની પણ મંજૂરી આપી દીધી છે. જેમાં વર્ગ એક થી વર્ગ ચારના તમામ કર્મચારીઓનો સમાવશે થાય છે. આ માટેની ભરતીઓ પણ શરૂ થશે. નવી બિલ્ડીંગમાં હોસ્પિટલના દસ સુપરસ્પેશિયાલિટી તબિબો સેવા કાર્યરત રહેશે. આમ નવો વિભાગ શરૂ થતાં દર્દીઓને એવી અનેક સુવિધા મળશે જે અત્યાર સુધી નહોતી મળતી.

(4:34 pm IST)