Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

સિસ્ટર નિવેદીતા સંકૂલમાં પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન

તા.૬-૭ જાન્યુઆરીના ''એલ્યુમીનાય મીટ'' નું આયોજનઃ દેશભરમાંથી પૂર્વ છાત્રો ભાગ લેશે

રાજકોટ, તા.૨૫ : શહેરની સૌથી જુની શાળાઓમાંની એક સિસ્ટર નિવેદિતા શૈક્ષણીક સંકુલ કે જે મુલ્ય શિક્ષણ માટે સમગ્ર દેશ અને રાજયમાં જાણીતી છે, જેની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણીનું આ વર્ષ છે. જેમાં સંસ્થાના સ્થાપક અને જાણીતા કેળવણીકાર દંપતી ઉષાબેન જાની અને ગુલાબભાઈ જાની દ્વારા આ પંચાસ વર્ષની યાદગાર ઉજવણી માટે વર્ષ દરમ્યાન વિવિધ સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે.

આ સુર્વણ જયંતી વર્ષની ''એલુમીનાય મીટ'' માં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે કાર્યક્રમમાં જોડાવા ઉત્સાહીત છે. આ કાર્યક્રમને પ્રથમ દિવસે એટલે કે જાન્યુઆરી ૬ને શનિવારે કાઠિયાવાડ જીમખાના, રાજકુમાર કોલેજ સામે બપોરે ૪ વાગ્યા થી વિદ્યાર્થીઓ એકત્ર થશે. જેમાં ફેલોશીપ બાદ તમામ વિદ્યાર્થીઓનુ શાબ્દિક સ્વાગત અને પ્રસંગોચીત ઉદબોધન અને સંસ્થાના સ્થાપકો દ્વારા આ દિવસને અનુચિત પ્રવચન બાદ તમામ વિદ્યાર્થીઓ તેમના વર્ષની બેચના વિદ્યાર્થીઓ સાથે સ્ટેઈજ પર આવી ''રેમ્પ વોક'' કરશે જયાં તેમનો પરિચય આપવામાં આવશે. ત્યારબાદ તે દરેકબેચનો સ્કુલના વિશાળ ફોટોવાળા બેક ડ્રોપમાં શાળાના સ્થાપક ટ્રસ્ટીઓ સાથે ગ્રુપ ફોટો પાડવામાં અવશે (આ ગ્રુપ ફોટો સ્મૃતિ રૂપે બીજા દિવસના કાર્યક્રમમાં ફ્રેમ કરી દરેક વિદ્યાર્થીઓને મોમેંટો તરીકે ભેટ આપવામાં આવશે.) ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ પરિવાર સાથે ગુજરાતની ભાતિગળ પરંપરા મુજબ ગરબા લેશે.

બીજા દિવસે રવિવારને જાન્યુઆરી ૭ ના રોજ સિસ્ટર નિવેદિતા શાળામાં આયોજીત બાલસભામાં પૂર્વ વિદ્યાર્થીઓ સમુહમાં પોતની કૃતિઓ રજુ કરશે. જેમા સમુહ ગીત, વેશભૂષા, માર્ચપાસ્ટ અને સ્કાઉટ-ગાઈડની પ્રવૃતિ દરમ્યાન વગાડવામાં આવતુ બેં, પિરામીડ વગેેરે કૃતિઓ વિદ્યાર્થીઓ સમુહમાં રજુ કરશે. આ પ્રતિયોગીતામાં પ્રથમ ત્રણ ટીમને ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમના જુના વર્ગ ખંડોની મુલાકાત લઈ તેમના સંસ્મરણો વાગોળશે.

આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ પોતાના એક પૂર્વ વિદ્યાર્થીઓનુ એસોસિએશન બનાવવાની પણ જાહેરાત કરશે જે આખા વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ કરશે જેમાં પૂર્વ વિદ્યાર્થીઓ માટેના સ્નેહમિલનો, પ્રવાસો, વિદ્યાર્થીઓની ડિરેકટરી વગેેરે પ્રવૃતિઓ ઉપરાંત, સંસ્થાના આદર્શો મુજબ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ પણ કરશે.

સિસ્ટર નિવેદિતા શાળામાં જો કોઈપણ વિદ્યાર્થીએ કોઈપણ વર્ષમાં અભ્યાસ કર્યો હોય અને તેમણે આ ''એલુમની મીટ''માં રજીસ્ટ્રેશન કરાવવા કાર્યાલયનો અથવા કન્વિનર, પૂર્વ વિદ્યાર્થી પરિષભાઈ જોષીને મો.+ ૯૧૯૮૨૫૪૦૦૪૨૫ અથવા ઈ-મેઈલ  parishjoshi@gmail.com પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં શ્રી ગુલાબભાઈ જાની, ટ્રસ્ટી સિસ્ટર નિવેદિતા ડો.હિરેન કોઠારી, ઓર્થોપેડીક સર્જન વંદનાબેન બદિયાણી, પ્રન્સીપલ કોટકસ્કુલ પરીખ જોષી, ફ્રીલાન્સ પત્રકાર હરેશભાઈ સોની (પ્રેમજી વાલજી એન્ડ સન્સ)નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:45 pm IST)