Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કાલાવડ રોડ પર મિત્રો સાથે ફોટા પાડવા ગયેલા ધનરાજ સિંધી પર નેપાળી શખ્સોએ હુમલો કર્યો

અવધ પેલેસ પાસે બનાવઃ અહિ શું કામ આવ્યા કહી ધમાલ

રાજકોટ તા. ૨૫: કાલાવડ રોડ પર અવધ પેલેસ સામે રવિવારે સાંજે રાજકોટથી ફોટા પાડવા ગયેલા ચાર મિત્રો સાથે નેપાળી શખ્સોએ ઝઘડો કરી સિંધી યુવાનને ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વચ્ચે પડેલા મિત્રની પણ ધોલધપાટ થઇ હતી.

જાણવા મળ્યા મુજબ જંકશન પ્લોટ ગાયકવાડીમાં રહેતો ધનરાજ વિનુભાઇ ભાવનાણી (સિંધી) (ઉ.૧૭) અને તેના મિત્રો રાજેશ કિશોરભાઇ સિંધી, અવેશ કુરેશી તથા તુષાર રવિવારે સાંજે કાલાવડ રોડ અવધ પેલેસ પાસે ફોટા પાડવા ગયા હતાં. ધનરાજ અને તેના મિત્રો એક બીજાના ફોટા પાડતાં હતાં ત્યારે નજીકમાં રહેતાં નેપાળી શખ્સોએ આવીને અહિ શું કામ આવ્યા? કહી ગાળો દેતાં ધનરાજે ગાળો દેવાની ના પાડતાં તેને પાંચ-છ નેપાળી શખ્સોએ મળી ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. મિત્ર અવેશ વચ્ચે પડતાં તેની પણ ધોલધપાટ કરી હતી. ધનરાજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

શિવાજીનગરના સાગર પર ધોકા-પાઇપથી હુમલો

દૂધ સાગર રોડ પર શિવાજીનગર-૧૦માં રહેતાં સાગર ભરતભાઇ મકવાણા (ઉ.૧૭)ને સાંજે ભુપેન્દ્ર બારૈયા અને સાથેના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

સામુ કેમ જોયું? કહી પંકજને સોનુએ સળીયો ફટકાર્યો

સહકાર રોડ પર કલ્યાણનગર-૧માં રહેતાં અને કલર કામ કરતાં મુળ યુ.પી.ના પંકજ શ્રીમહિપાલસિંગ પાલ (ઉ.૨૮)ને રાત્રે ઘર નજીક ગોપાલ હોટલ પાસે હતો ત્યારે સોનુ નામના મુળ યુ.પી.ના શખ્સે સામુ કેમ જોવે છે? કહી ઝઘડો કરી સળીયાથી માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભકિતનગર પોલીસને ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જાણ કરી હતી.

(3:29 pm IST)