Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકુમાર કોલેજમાં વોર ટ્રોફી ટેન્‍ક ટી-૫૫નું અનાવરણ કરાયુ

આ ટેન્‍ક નિહાળવા માટે અન્‍ય શાળાઓના વિદ્યાર્થીઓને પણ આમંત્રણ અપાશેઃ માંધાતાસિંહજી

રાજકોટઃ ભારતીય સંરક્ષણ દળમાં યુધ્‍ધ ટેન્‍કનું ઘણું જ મહત્‍વ રહ્યું છે. મિલિટરી ફોર્સની રેજિમેન્‍ટમાં ટેન્‍ક રેજિમેન્‍ટ પ્રખ્‍યાત છે. ત્‍યારે હું જે સ્‍કૂલનો પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકયો છું, જે શાળા તેની રાજવંશની પરંપરા તરીકે સુખ્‍યાત હોવા ઉપરાંત ભારતના સંરક્ષણ દળોમાં પણ જે શાળાના વિદ્યાર્થીઓએ વીરતાની ગાથા અંકિત કરી છે, એવી રાજકુમાર કોલેજમાં ભારતીય આર્મીની ટી- ૫૫ ટેન્‍ક ખુલ્લી મુકતા ગર્વની લાગણી અનુભવું છું. યુધ્‍ધ ટેન્‍ક આર્મી સ્‍કૂલ સિવાય કોઈ શાળાઓને અપાતી નથી. ત્‍યારે ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટની રાજકુમાર કોલેજમાં આ ટી-૫૫ વોર ટ્રોફી ટેન્‍ક પ્રદર્શન અર્થે કાયમી ધોરણે મૂકવામાં આવી છે. જે દેશના સૈનિકોની વીરતાની ગાથા કહેશે તેમજ ભાવિ પેઢીને આર્મીમાં જોડાવા પ્રોત્‍સાહન આપશે. એમ ભારતના રાજદૂત, રાજકુમાર કોલેજના પૂર્વ વિદ્યાર્થી સુજાન ચિનોયે ટી-૫૫ ટેન્‍કનાં અનાવરણ કરતા જણાવ્‍યું હતું.

તેમણે આ પ્રસંગે શહીદ જનરલ બિપીન રાવતને યાદ કરતા કહ્યું હતું કે આ ટેન્‍ક રાજકુમાર કોલેજમાં મુકાય તે માટે મેં જનરલ બિપીન રાવત સાથે વાતચીત કરી હતી અને આ કામમાં તેમણે ઘણો જ સહકાર આપ્‍યો હતો.

આ પ્રસંગે રાજકોટના ઠાકોર સાહેબ અને આરકેસી ટ્રસ્‍ટના પ્રમુખ માંધાતાસિંહજીએ જણાવ્‍યું હતું કે આ ટેન્‍ક જોવા માટે અન્‍ય શાળાઓના વિદ્યાર્થીઓને પણ તબકકાવાર આમંત્રણ પાઠવવામાં આવશે. શાળામાં આ ટેન્‍ક મુકાઈ તે ગર્વની વાત હોવાનું તેમણે જણાવ્‍યું હતું. નોંધનીય છે કે આ ટેન્‍કની જાળવણીની જવાબદારી હવે આરકેસી સ્‍કૂલ કરવાની રહેશે.

આ પ્રસંગે ટ્રસ્‍ટી મંડળ પ્રમુખશ્રી રાજકોટના એચ. એચ.ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, ટ્રસ્‍ટી મંડળ- ભાવનગરના એચ.એચ. મહારાજા રાઓલ શ્રી વિજયસિંહજી, લીંબડીના એચ.એચ. ઠાકોર સાહેબ શ્રી જયદીપસિંહજી, ધ્રોલના એચ.એચ. ઠાકોર સાહેબ શ્રી પદ્મરાજસિંહજી, ચુડાના ઠાકોર સાહેબ શ્રી કૃષ્‍ણકુમારસિંહજી, લાઠીના ઠાકોર સાહેબ શ્રી કિર્તીકુમારસિંહજી અને મુળીના ઠાકોર સાહેબ શ્રી જીતેન્‍દ્રસિંહજી, સંસ્‍થાપક પરિવારોના સભ્‍યો, શાળાના વિદ્યાર્થીઓના માત- પિતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શુભેચ્‍છકો ઉપસ્‍થિત રહયા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:42 pm IST)