Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

જીનર્સોની હડતાલને સૌરાષ્ટ્રના યાર્ડોનો ટેકોઃ ઉકેલ ન આવે તો તમામ જણસીઓની હરરાજી બંધ કરવાની ચીમકી

રાજકોટ, તા. ૨૫ :. સૌરાષ્ટ્ર જીનર્સ એસોસીએશન દ્વારા જીએસટીના વિરોધમાં આપવામાં આવેલ બંધના એલાનને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોએ ટેકો જાહેર કરી જો યોગ્ય ઉકેલ ન આવે તો તમામ યાર્ડોમાં હરરાજી બંધ કરવાની ચીમકી આપેલ છે. રાજકોટ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીના જણાવ્યા મુજબ સરકાર દ્વારા યુઆરડી ખરીદી પર જે જીએસટી વસુલ કરે છે તે વ્યાજબી નથી. આ અંગે સરકારે પુનઃ વિચારણા કરવી જોઈએ. હાલમાં ખેડૂતોનો માલ માર્કેટયાર્ડમાં વેચાય છે તેમા પ્રથમ સ્ટેજ પર જ જીએસટી લેવામાં આવે છે તે રદ કરી દેવો જોઈએ અને માલની પ્રોસેસ થયા પછી જ તેના પર જીએસટી દર લગાડવો જોઈએ. આમ કરવાથી સરકારને કોઈ ફેર પડતો નથી અને નુકશાન પણ નથી. જો ખેડૂતોના માલ પર જીએસટી ઉઘરાવવામા આવે છે તેમા ખેડૂતોને પણ એવો અહેસાસ થાય છે કે જીએસટી લાગવાથી અમને જે ભાવ મળે છે તે ઓછો મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જીએસટીની પ્રક્રિયા સરળ કરી વેટની જેમ ઉઘરાવવો જોઈએ.અત્યારે જીનર્સોની હડતાલને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે. ખેડૂતોને કપાસ વેચવો જ પડે તેવી સ્થિતિ છે. શિયાળુ પાકના વાવેતરના બિયારણની ખરીદી અને લગ્નની સીઝન ચાલુ થઈ ગયેલ હોય કપાસની હરરાજી ઠપ્પ થઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જીનર્સોની માંગણી અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડો દ્વારા તમામ જણસીઓની હરરાજી બંધ કરી દેવામા આવશે તેવી અંતમાં અતુલ કામાણીએ ચીમકી આપી છે.

 

(5:02 pm IST)