Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

વિજયભાઈએ પ્રજાપતિ સમાજને 'પરચુરણ' ન કહ્યાના કોઈ પુરાવા નથી : સંદેશા અભિયાન શરૂ

પ્રજાપતિ સમાજના તમામ ગોળના આગેવાનોએ વેદના ઠાલવી

રાજકોટ, તા. ૨૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજયના પ્રજાપતિ સમાજને પ્રતિનિધિત્વ મળે એ બાબતે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવા ગયેલ વિવિધ શહેર અને ગોળના પ્રજાપતિ સમાજના આગેવાનોનું વિજયભાઈએ ઘોર અપમાન કર્યુ હતું અને પ્રજાપતિ ''પરચુરણ'' છે એવી અપમાનજનક ભાષા વાપરીને કોઈને સાંભળ્યા નહોતા તેમ જણાવી પ્રજાપતિ સમાજના આગેવાનોએ રોષપૂર્વક કહ્યું કે વિજયભાઇને ખબર નથી કે રાજયમાં પ્રજાપતિ સમાજની ૪૫ લાખની વસ્તી છે. ૩૫ લાખ મતદારો છે. આ સંગઠિત સમાજ વર્ષોથી હંમેશા ભાજપ સાથે જ રહ્યો છે. ઘરનાનું ઘોર અપમાન કરનાર ભાજપના હવે વળતા પાણી છે. રાજયભરનો પ્રજાપતિ સમાજ આ ચૂંટણીમાં ભાજપથી વિમુખ રહેશે. પ્રજાપતિ સમાજના કેટલાક સ્વાર્થ સાધુઓ અને કહેવાતા પ્રજાપતિ આગેવાનો પોતાનું હિત સાધવા અને ભાજપમાં સ્થાન ટકાવી રાખવા વિજયભાઈની વકીલાત કરતા જાહેર નિવેદનો કરે છે કે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રજાપતિઓને ''પરચુરણ'' કહ્યાનો કોઈ પુરાવો નથી માટે પ્રજાપતિ સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો પણ વિજયભાઈનું આ અપમાનજનક વિધાન હકીકત છે.

ગુજરાતનો પ્રજાપતિ સમાજ શાંત અને સરળ છે એનો મતલબ એ નથી કે તેની પરચુરણ પ્રજામાં ગણતરી કરીને અપમાન કરવું. ગુજરાતના સમસ્ત પ્રજાપતિઓની એક રાજયવ્યાપી સંસ્થાએ છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન રાજયભરના પ્રજાપતિઓને એક છત્ર નીચે  લાવવાનું કામ કર્યુ છે, આ સંસ્થાના સ્થાપક એક   કોંગ્રેસ અગ્રણી છે. પ્રજાપતિઓના સંગઠનની આ તાકાત ભાજપને ખટકતી હતી, ભયની નીતિ અપનાવીને  પ્રજાપતિ સમાજના આ જીવન કોંગ્રેસી આગેવાનને ભાજપમાં જોડાવાની ફરજ પાડી પ્રજાપતિ સમાજના આ તાકાતવર સંગઠનને તોડી પાડવાની ભાજપની સાજીસ છે, હવે જો  પ્રજાપતિ સમાજે સ્વમાનથી જીવવુ હશે તો ભાજપ સાથે છેડો ફાડવો પડશે.  પ્રજાપતિ સમાજને કોડીનો ગણીને અપમાન કરનાર ભાજપને આ ચુંટણીમાં પાઠ ભણાવવાનું  પ્રજાપતિ સમાજે નક્કી કર્યુ છે. રાજયભરના  પ્રજાપતિ પરિવારોને આ સંદર્ભે સંદેશો મોકલવાનું અભિયાન આગામી સપ્તાહથી શરૂ થશે તેમ આ આગેવાનોએ જણાવ્યું છે.

તસ્વીરમાં  પ્રજાપતિ સમાજના વિવિધ ગોળના આગેવાનો સર્વશ્રી નાથાભાઇ આંબલીયા, પરશોતમભાઇ સીતાપરા, હસમુખભાઇ હરણેશાહ, વિરલ વાડોલીયા, વિપુલ વાડોલીયા, લાઠીયા જયેશભાઇ, કાપડીયા રાજુભાઇ, વિજય સીતાપરા, ગીરીશ કાપડીયા, અરૂણા જી. કાપડીયા અને સંદીપ પ્રજાપતિ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૦)

 

(5:02 pm IST)