Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ભેળસેળ યુક્ત પાણીના પાઉચ વેચવાના ગુન્હામાં સન હેલ્થ પ્રોડક્ટના માલીકનો નિર્દોષ છૂટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા.૨૫: રાજકોટ મ્યુનીપલ કોર્પોરેશનની હદમાં આવેલ સન હેલ્થ પ્રોડકટસ દ્વારા 'ડેલ્ટા'નામથી ભેળસેળયુકત પાણીના પાઉચ વેચવાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો થયેલ છે.

સન હેલ્થ પ્રોકડટસ મુ.ભાવનગર રોડ, આજીડેમ ચોકડી, માલીક રણછોડભાઇ નરશીભાઇ ધાડેશીયા વિરૂધ્ધ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેકટરશ્રીએ રેડ પાડી તા.૧૮-૦૪-૨૦૦૬ના રોજ પંચો તથા સાક્ષીઓની હાજરીમાં ડેલ્ટા પાણીના પાઉચ ૨૫૦ એમ.એલ.ના કુલ ૩૬ પાઉચ પૃથ્થકરણ માટે લીધેલ હતા જે પૃથ્થકરણ રીપોર્ટમાં ભેળસેળ યુકત હોવાનુ ખુલતાં ફૂડ ઇન્સ્પેકટરશ્રીએ ભેળસેળ પ્રતિબંધક ધારા હેઠળ રાજકોટની અદાલતમાં રાજકોટના મ્યુનીસીપલ કમીશ્નરની પરવાનગી મેળવી સન હેલ્થ પ્રોકડટસના માલીક રણછોડભાઇ નરશીભાઇ ધાડેશીય વિરૂધ્ધ ભેળસેળવાળા અને શરીર માટે જોખમી પાણીના પાઉચ વેચવા અન્વયે રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

આરોપી સામે ફરીયાદ થતા આરોપી તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલતમાં હાજર થયેલ હતા અને પોતે નિર્દોષ હોવાનુ કથન કરતા અદાલત દ્વારા કેસ આગળ ચલાવવાની કાર્યવાહી હાથ ધરાયેલ અને પુરાવો નોંધવામાં આવેલ હતો.

ફરીયાદીએ પૃથ્થકરણ માટે મોકલાવેલ સેમ્પલ લઇ પધ્ધતિ દ્વારા પૃથ્થકરણ કરવામાં આવેલ છે તે બાબતનો કોઇ ઉલ્લેખ પૃથ્થકરણ અહેવાલમા કરવામાં આવેલ ન હોવાથી આરોપી સામેનો ગુન્હો સાબીત કરવામાં ફરીયાદી પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ છે જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઇએ તેવી બચાવ પક્ષે રજૂઆતો કરેલ હતી.

જયારે ફરીયાદ પક્ષે પોતાનો કેન નીશંક પણે પુરવાર કરેલ હોવાની દલીલ આગળ ધરી આરોપીને સખત સજા કરવા માંગણી કરાયેલ હતી.

બન્ને પક્ષોની વિસ્તૃત દલીલોના અંતે રાજકોટના મ્યુની. જજ શ્રીએ આરોપી તરફે કરાયેલ તમામ દલીલો સાથે સહમતી દર્શાવી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રાજેશ ધ્રુવ, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ હતા.(૧.૧૧)

(4:59 pm IST)