Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ઈન્દ્રનીલે કહેલુ, માંગો એ બોર્ડ કે નિગમ આપીશું : કરણાભાઈ

મિતુલ દોંગાને એ શરતે મેન્ડેટ મળેલ કે કરણાભાઈનું ઉમેદવારીપત્ર માન્ય થઈ જાય તે પછી તેમણે ફોર્મ પાછુ ખેંચી લેવું: કોંગીના ટોચના નેતાઓ સાથે ગુજરાતમાં ૭ સીટો ફાળવવા સમજૂતી થયેલી : આજે પણ ગઠબંધનનો સત્તાવાર ઉમેદવાર છું : ફોર્મ પાછુ ખેંચાવવા કોંગી આગેવાનો મારી પાસે વ્હેલી સવારે પાંચ વાગ્યામાં આવેલા : રાજકોટ-૬૮ની બેઠક ઉપર જોરદાર જંગ જામશે

રાજકોટ, તા. ૨૫ : રાજકોટ વિધાનસભા-૬૮ બેઠકનું કોકડુ હજુ ગુંચવાયેલુ જ છે. કોંગ્રેસ અને જેડીયુ વચ્ચેની સમજૂતી બાદ પણ રાજકોટની ઉકત બેઠક ઉપર બંને ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. બે દિવસ પહેલા ઈન્દ્રનીલભાઈ અને આ બેઠકના ઉમેદવાર મિતુલ દોંગાએ જાહેરાત કરી દીધી હતી કે કોંગી ઉમેદવાર પણ આ બેઠક ઉપરથી જ લડશે. દરમિયાન આ બેઠકના જેડીયુના ઉમેદવાર શ્રી કરણાભાઈ માલધારીએ કહ્યું કે આ બેઠક ઉપરથી દાવેદારી છોડી દેવા મને કોઈપણ બોર્ડ કે નિગમ આપવાની ઓફર કરવામાં આવી હતી.

''અકિલા''ની મુલાકાતે આવેલા કરણાભાઈએ જણાવેલ કે રાહુલ ગાંધીની સુચનાથી રાષ્ટ્રીય ગઠબંધનના નેતા શરદ યાદવ, છોટુભાઈ વસાવા, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, ભરતભાઈ સોલંકી વગેરેની બનેલી હાઈપાવર કમીટીમાં કોંગ્રેસ અને છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી વચ્ચે ગઠબંધન થયેલ તે અનુસાર ગુજરાતમાં સાત સીટો બીટીપીને આપવી તેવી સમજૂતી થયેલ. તે સાત સીટોમાં રાજકોટ પૂર્વ ૬૮ વિધાનસભા સીટનો સમાવેશ થયેલ. તે સીટ મારે લડવાનુ થતા અને મને મેન્ડેટ મળતા ગઠબંધનના સતાવાર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ અને આજે પણ ગઠબંધનનો સતાવાર ઉમેદવાર છું, વાત રહી કોંગ્રેસના ઉમેદવાર મિતુલભાઈ દોંગાને એ શરતે મેન્ડેટ મળેલ કે કરણાભાઈનું ઉમેદવારી પત્ર માન્ય થઈ જાય ત્યારબાદ તેમને ફોર્મ પાછુ ખેંચવાનુ હતું અમારી જાણ મુજબ કોંગ્રેસ પ્રદેશ તરફથી તેમને આદેશ પણ આપવામાં આવ્યો હતો છતાં તેમને ફોર્મ પાછુ ખેચ્યુ નથી. આ કેમ થયુ તે અંગે છોટુભાઈને જણાવતા તેઓએ કહેલ કે તમો જ ગઠબંધનના સત્તાવાર ઉમેદવાર છો અને તમો આગળ વધો. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે વાત થઈ ગયેલ છે.

કરણાભાઈએ વધુમાં જણાવેલ કે બે - ત્રણ દિવસ પહેલા વ્હેલી સવારે પાંચ વાગ્યામાં કોંગી આગેવાનો ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, મિતુલ દોંગા, રાજુ જુંજા સહિતના મારા ઘરે મને મળવા આવ્યા હતા. ચારેક કલાક સુધી મારી સાથે વાતચીત કરી મને સમજાવવા ભારે દબાણ કરી ફોર્મ પાછુ ખેંચવા ખૂબ પ્રયત્નો કર્યા હતા પણ હું મારી વાત ઉપર અડગ રહ્યો હતો. મને કોઈપણ બોર્ડ કે નિગમમાં ચેરમેનપદ આપવાની ઓફર પણ કરી હતી. મેં કહ્યું કે આ બેઠક ઉપર ઓબીસી સમાજના બે લાખથી વધુ મતદારો છે. તેઓએ અંતમાં કહેલ કે મને ત્રાસ આપવાની આ યોજના છે.

તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ વિધાનસભા-૬૮ના જેડીયુના ઉમેદવાર શ્રી કરણાભાઈ માલધારી તેમજ દાનુભા સોઢા, જેન્તીભાઈ મનાણી, અરવિંદભાઈ સરવૈયા, ડી. જે. સોમૈયા, ઘનશ્યામભાઈ પટેલ, સંતોકબેન માલધારી અને સત્યપાલ બૌદ્ધ નજરે પડે છે.

(4:54 pm IST)