Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

જંકશન પ્લોટમાં રાજન અને ટોળકીની દાદાગીરીઃ મુસ્લિમ મહિલાને ખૂનની ધમકી

ભાડૂઆતને મકાન ખાલી કરી ભાગી જવા ધમકાવ્યાઃ ગેરેજના કારીગરોને માર માર્યોઃ ગુનો નોંધવા માંગણી

રાજકોટ તા. ૨૫: જંકશન પ્લોટ વિસ્તારમાં અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલા અને નામચીનની છાપ ધરાવતાં રાજન આણી મંડળીએ આતંક મચાવતાં અને મકાન ખાલી કરવા માટે મહિલાને ખૂનની ધમકી આપી તેમજ ગેરેજમાં કામ કરતાં બે યુવાનને માર મારી ડખ્ખો કરતાં આ મામલે પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ થઇ છે.

આ અંગે જંકશન પ્લોટમાં રહેતાં મુસ્લિમ મહિલાએ પોલીસ કમિશ્નર અને પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ.ને રજૂઆત કરી આ બનાવમાં આઇપીસી ૩૮૪, ૨૯૪, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦-બી, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધવા માંગણી કરી છે. લેખિત ફરિયાદમાં રાજન  ખીયાણી ઉર્ફ રાજન સંધી, તેના ફઇ ખતીજાબેન અને પત્નિ સમા તથા અન્ય છ શખ્સો સામે ગુનો નોંધવા માંગણી કરવામાં આવી છે. રાજન અનેક ગુનામાં સંડોવાઇ ચુકયાનું અને આ વિસ્તારમાં ગુંડા તત્વોને ભેગા કરી ગમે તેની સાથે ડખ્ખા કરવાની ટેવ ધરાવતો હોવાનો આક્ષેપ કરાયો છે. રાજનના ફઇએ ત્રણ દિવસ પહેલા જ એક મકાન ખાલી કરવા ધમકી આપી ગેરેજના કારીગરને માર માર્યો હતો. તેમજ ફરિયાદી મહિલાના ઘરે જઇ તેને પણ બહાર નીકળશો તો જીવતા નહિ રહેવા દઇએ તેવી ધમકી આપી હતી અને મકાનના ભાડૂઆતને તાકીદે ઘર ખાલી કરી ભાગી જવા કહી ધમકાવ્યા હતાં. આ શખ્સ સામે પોલીસ તાકીદે આકરી કાર્યવાહી કરી પાઠ ભણાવે તેવી માંગણી લેખિત ફરિયાદમાં કરવામાં આવી છે.

 

(4:51 pm IST)