Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રજા રેકર્ડ રખાતો નથી, વહીવટી અધિકારીઓ પોતાના દોષનો ટોપલો સફાઇ કામદારો પર ઢોળી રહ્યા છે

મૃતકને પણ ગુટલીબાજના લીસ્ટમાં દર્શાવી દીધા એ પુરાવો શું પુરતો નથી? વાલ્મીકી આગેવાન યતીન વાઘેલાના નેતૃત્વમાં સફાઇ કર્મચારીઓની ઉચ્ચ કક્ષાએ રજુઆત

રાજકોટ તા. ૨૫ : વિવિધ વોર્ડમાં ફરજ બજાવતા સફાઇ કામદારોને રજાના મામલે ગુટલીબાજ તરીકે ઓળખાવાતા ભારો આક્રોશ આ વર્ગમાં ફેલાયો છે. વાલ્મીકી આગેવાન યતીન વાઘેલાના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા નિકળેલ સફાઇ કામદારોએ 'અકિલા' સમક્ષ યાતના વર્ણવતા જણાવ્યુ હતુ કે ખરેખર તો અધિકારીઓ ખુદ દોષિત છે એટલે દોષનો ટોપલો સફાઇ કર્મચારીઓ ઉપર ઢોળવા વ્યર્થ પ્રયાસ કરાઇ રહ્યો છે.

તેઓએ જણાવેલ કે સફાઇ કર્મચારીઓને સીએલ. રીપોર્ટ કે એફ.એલ. રીપોર્ટ , કે મેડીકલ રજા મુકવા માટે અરજી પત્રક અપાતા નથી. કેમ કે તેમની પાસે રેકોર્ડ મસ્ટર જ મેઇન્ટેન થતુ નથી. ઓન પેપર રજા ન હોવાના કારણે કર્મચારીઓની રજા હોવા છતા તમારી રજા પુરી થઇ ગઇ છે તેવા મભમ જવાબો વાળી રવાના કરી દેવાય છે. છેલ્લા બે ત્રણ વર્ષથી રજા ભોગવનારને લેખીતમાં કોઇ આધાર અપાતો નથી. એકપણ કર્મચારીની જીપીએફ સ્લીપ અપાતી નથી.

દરેક વોર્ડમાં કર્મચારીઓની હાજરી પુરવા માટે મશીનો મુકવામાં આવે છે તે પણ એટલા નબળી કક્ષાના છે કે કર્મચારી હાજર હોવા છતા હાજરીથી વંચિત રહી જાય છે. ફેસ ઓળખાવવામાં એટલી વાર લાગ છે કે લાંબી કતાર હોવાથી પાછળના કર્મચારીઓ વંચિત રહી જાય છે. ખરે ખર જયાં બે બે મશીન હોવા જોઇએ ત્યાં એક હાજરી મશીનથી કામ ચલાવી લેવાય છે. વળી આ હાજરી મશીનો પણ ક્ષતિવાળા હોય છે તેમ સફાઇ કામદારોએ જણાવેલ.

દરેક વોર્ડમાં સફાઇ કર્મચારીઓ સેટઅપના પ્રમાણમાં ઓછા છે. પરીણામે કોઇની રજા વિધિવત મંજુર કરે તો તે વિસ્તારનું કામ રજળી પડે છે. એટલે કોઇ કાયદેસર રીતે રજા ભોગવવા માંગતા હોય તો પણ તેમની રજા મંજુર કરાતી નથી. રજા આપવા માટે રેકોર્ડ જ રખાતો નથી. પછી મંજુર કરવાનો સવાલ જ કયાં રહ્યો.

પોતાનો દોષનો ટોપલો નાના સફાઇ કર્મચારીઓ ઉપર ઓઢાડવા જે પ્રયાસ થઇ રહ્યો છે તે ગેરવ્યાજબી છે. વહીવટી કર્મચારીઓ કેટલી ભુલો કરે છે તેનું એક ઉદાહરણ એ છે કે એક સફાઇ કામદાર મૃત્યુ પામેલ છે છતા તેનું નામ ગુટલીબાજ કર્મચારીના લીસ્ટમાં દર્શાવી દીધુ છે.

સફાઇ કામદારોને ખોટા ચિતરવાનું બંધ કરો અને તેમને પણ કાયદેસરની રજાની વ્યવસ્થા કરો તેવી માંગણી સફાઇ કામદારોએ ઉઠાવી છે.

તસ્વીરમાં યતીન વાઘેલા (મો.૯૮૨૫૭ ૯૮૪૫૭) ના નેતૃત્વમા અખબાર કાર્યાલયે વ્યથા વ્યકત કરતા વિનુ વાઘેલા, હિતેષ વાઘેલા, અર્જુન વાઘેલા, યોગેશ વાડોદરા, ભાવેશ ગોરી, ગોપાલભાઇ ઝાલા, વિપક શીંગાળા, પંકજભાઇ ગોરી, પ્રકાશભાઇ વાઘેલા, મુકેશ વાઘેલા, મગન ઝાલા, રાહુલ વાઘેલા, અમૃત વાળા, નરસિંહભાઇ ગાંજળ, હેમંતભાઇ ઝાલા, ધનસુખ વાઘેલા, નાથાભાઇ કબીરા, તુલસીભાઇ વાઘેલા, ગોવિંદભાઇ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(5:26 pm IST)