Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

૧૩ વર્ષની સગીર સાવકી પુત્રી ઉપર વારંવાર બળાત્કાર ગુજારવા અંગે પિતાને ૧૦ વર્ષની સજા

ગુનો સાબીત કરવા જરૂરી તત્વો-સંજોગો પ્રબળ છેઃ ડી.જી.પી.વોરાની રજૂઆત

રાજકોટ તા.૨૫: રાજકોટના જોઇન્ટ ડિસ્ટ્રીકટ જજ શ્રી  એમ.એમ.બાબીએ આરોપી યોગેશ બચુભાઇ કથીરીયા ઉ.વ.૪૫ વાળાને પોતાની સાવકી પુત્રી ઉ.વ.૧૩ વાળી ઉપર વારંવાર બળાત્કાર કરવા બદલ ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, ભોગ બનનાર ઉ.વ.૧૩ વાળીની માતાએ આરોપી યોગેશ બચુભાઇ કથીરીયા સાથે પુનઃ લગ્ન કરેલ હતા જે સમયે ભોગ બનનારની ઉમર ૧૨ વર્ષની હતી અને તેણી સાવકા પિતા સાથે રહેતી હતી. આ સમય દરમ્યાન ભોગ બનનાર ઘરે એકલી હોય ત્યારે આરોપી ભોગ બનનારને પોતાના પગ દબાવી દેવા કહેતો અને એક દિવસે ભોગ બનનાર આરોપીના પગ દબાવતી હતી ત્યારે આરોપીએ તેણીને ધક્કો મારી પલંગ ઉપર સુવડાવી દીધેલ અને બળાત્કાર કરેલ હતો.

આ સમયે ભોગ બનનારે પોતાને છોડી દેવા માટે આરોપી સમક્ષ કરગરતા આરોપીએ તેને મારકુટ કરેલ હતી અને  ધમકી આપેલ હતી કે, જો આ વાત કોઇને કરશે તો આરોપી તેને મારી નાખશે. આવી બીકથી ભોગ બનનારે આ વાત કોઇને કરેલ ન હતી. ભોગ બનનારના આવા ડરનો લાભ લઇ આરોપી યોગેશે ભોગ બનનારનું વારંવાર શોષણ કરવાનું ચાલુ કરેલુ તેમજ ભોગ બનનાર જો ઇન્કાર કરે કે વિરોધ કરે તો આરોપી તેને મારકુટ કરતા. આ પ્રકારે વારંવાર થતા ભોગ બનનારને ગુપ્ત ભાગો ઉપર પીડા થવા લાગેલ જેથી તે એક દિવસ રડતી હતી ત્યારે ભોગ બનનારની પાડોશીએ તેણીને પુછેલ ત્યારે ભોગ બનનારે હિંમત એકઠી કરી સમગ્ર બનાવની જાણ કરેલ.

આ ઉપરાંત એક દિવસ ભોગ બનનાર સાથે આરોપી બળાત્કાર કરતો હતો ત્યારે ભોગ બનનારની પાડોશીની દીકરીએ આ બનાવ નજરે જોયો હતો. પાડોશીની દીકરીએ આ બનાવની જાણ ભોગ બનનારની માતાને કરેલ હતી. આ પ્રકારે જાણ થતાં ભોગ બનનારની માતાએ આ બાળકી સમક્ષ પુછપરછ કરેલ ત્યારે માતાને સમગ્ર બનાવની જાણ થયેલ. તેણીએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હતું.

આ કેસમાં આરોપી તરફે બચાવ કરતા રજુઆત થયેલ હતી કે, ભોગ બનનાર તેમજ તેણીની માતા અને નજરે જોનાર સાહેદની જુબાનીમાં વિરોધાભાસ ઘણો છે તેથી બનાવ બન્યાનું માની શકાય નહીં. શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલશ્રી એસ.કે.વોરાએ રજુઆત કરેલ હતી કે કાયદાની જોગવાઇ મુજબ જુબાનીઓમાં વિરોધાભાસ હોવોએ સહાજીક છે કારણ કે, સાહેદો જયારે પોલીસ સમક્ષ નિવેદન આપે ત્યારે એક પરિસ્થિતી હોય છે. અને કોર્ટ સમક્ષ જુબાની આપે ત્યારે સમગ્ર રીતે જુદી પરિસ્થિતી હોય છે. મહત્વની બાબત એ છે કે, આરોપી સામે ગુનો સાબીત કરવા માટે જે જરૂરી તત્વો અને સંજોગો છે તે બાબતે કોઇ વિરોધાભાસ ન હોવો જોઇએ. આજુબાજુની પરિસ્થિતિ અને સંલગ્ન સંજોગો બાબતે ગમે તેટલો વિરોધાભાસ હોય તો પણ ગુનો સાબીત માનવામાં આવા વિરોધાભાસનું કોઇ મહત્વ રહેતું નથી. વધુમાં શ્રી સરકાર તરફે રજુઆત થયેલ કે, ભોગ બનનારની ઉમર ધ્યાનમાં લેતા બનેલ બનાવ અંગે જયારે તેણી કોર્ટ સમક્ષ જુબાની આપતી હોય ત્યારે તેણીના માનસપટ ઉપર સમગ્ર બનાવ ફરીથી જીવંત થતો હોય છે અને તેવા સંજોગોમાં જયારે તેણી જુબાની આપે ત્યારે પોલીસ સમક્ષના નિવેદન કરતા જુબાનીમાં વધુ ચોકસાઇ અને સ્પષ્ટતા આવે. આવી સ્પષ્ટતા અને ચોકસાઇને વિરોધાભાસ ગણી આરોપી નિર્દોષ હોવાના તારણ ઉપર આવવુ તે કાયદાકીય પ્રબંધો અને ન્યાય પ્રક્રિયા સાથે સુસંગત નથી.

સરકાર તરફની આ તમામ દલીલોને ધ્યાનમાં લઇ સેશન્સ કોર્ટે આરોપીને ઇ.પી.કો.ની કલમ-૩૨૩,૩૭૬,૫૦૬ (૨), તથા ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨ની કલમ-૬ હેઠળ ગુનેગાર ઠરાવી દરેક કલમ હેઠળ કેદની સજાનો તેમજ દંડનો હુકમ કરેલ છે જે સંયુકત રીતે ગણતા આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા  તેમજ રૂ.૧૦,૦૦૦ નો દંડ ફરમાવવામાં આવેલ છે. વધુમાં કોર્ટે માનવીય અભિગમ દાખવી દંડની રકમ ભરપાઇ થાય ત્યારે ભોગ બનનાર તથા તેણીની માતાને વળતર પેટે તે રકમ ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

(4:45 pm IST)