Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રાજકોટ ૭૧ (ગ્રામ્ય)

સાગઠીયા V/S સાગઠીયા એક લોકનાયક બીજા લડાયક નેતા

ભાજપનાં લાખાભાઇ એસ.એસ.સી પાસ છે અને કોંગ્રેસના વશરામભાઇ ગ્રેજયુએટ છેઃ બંન્ને દલિત સમાજનું પ્રતિનીધત્વ કરે છેઃ લાખાભાઇએ પાટિદાર આંદોલન વખતે એકલા હાથે તાલુકા પંચાયતમાં વિજય મેળવ્યો હતોઃ વશરામભાઇ એ કોર્પોરેશનનાં વિપક્ષી નેતા પદેથી અનેક લોક લડત ચલાવી અનેક લોક પ્રશ્નો ઉકેલ્યા છેઃ બંન્ને ઉમેદવારો સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે

રાજકોટ,તા.૨૫: વિધાનસભાની ચૂંટણી આડે હવે ૧૫ દિવસ આડા છે ત્યારે લોકચર્ચામાં કોણ જીતેશ? તે મુદ્દે અનેક વિધ મુદ્દાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે રાજકોટ-૭૧(ગ્રામ્ય) બેઠકમાં આ વખતેે ભાજપ-કોંગ્રેસનાં બંન્નેનાં ઉમેદવારો નવા છે. અને બન્નેની અટક સાગઠીયા છે. તેમજ બન્ને દલિત સમાજનુ પ્રતિનીધીત્વ કરે છે. ત્યારે આ બેઠકમાં ખરાખરીનો જંગ ખેલાવાની ચર્ચાએ જોર પકડયુ છે. કેમ કે ભાજપનાં ઉમેદવાર લાખાભાઇ જેઠાભાઇ સાગઠીયા આ વિસ્તારમાં 'લોકનાયક' તરીકેની છાપ ધરાવે છે. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર વશરામભાઇ આલાભાઇ સાગઠીયા હાલમાં મ્યુ. કોર્પોરેશનમાં વિપક્ષી નેતા પદે ફરજ બજાવી રહ્યા છે. અને લોકોનાં પ્રશ્ને તેઓએ અનેક સફળ આંદોલન કરી પ્રજાને ન્યાય અપાવ્યો છે. આથી તેઓ એક લડાયક નેતાની છાપ ધરાવે છે.

લાખાભાઇ સાગઠીયા 

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં  ભાજપનાં ઉમેદવાર લાખાભાઇ જેઠાભાઇ સાગઠિયા ખિરસરાનાં વતની છે. તેઓનો જન્મ ૫ નવેમ્બર ૧૯૬૮માં થયો છે. એસ.એસ.સી સુધીનો અભ્યાસ છેે. વ્યવસાયે ખેતી અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા છે. તેમના ધર્મ પત્નિ ગીતાબેન બે ટર્મથી ખીરસરાગામનાં સરપંચ છે. લાખાભાઇ ગત ૨૦૧૨માં વિભાનસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ માંથી લડયા હતા. તેઓની હાર થઇ હતી.હાલમાં લોધીકા તાલુકા પંચાયતમાં વિપક્ષી નેતા છે. અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

વશરામભાઇ સાગઠીયા

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં  કોંગ્રેસનાં  ઉમેદવાર વશરામભાઇ આલાભાઇ સાગઠીયાનો જન્મ ૧૪ મે ૧૯૬૫માં થયો છે. બી.કોમ, એલ.એલ.બી સુધીનો અભ્યાસ છે. વશરામભાઇએ ૧૯૮૯થી બોટાદથી રાજકીય કારીકર્દીનો પ્રારંભ કર્યો છે. બોટાદ તાલુકા યુથ કોંગ્રેસનાં પ્રમુખ,૧૯૯૨માં રાજકોટ કોંગ્રેસમાં સક્રિય કાર્યકર બનીને વિવિધ જવાબદારીઓ નિભાવી છે. ૨૦૦૯માં હેન્ડલુમ બોર્ડ, ભારત સરકારનાં ડાયરેકટર બન્યાં હતા. ૨૦૧૦માં મ્યુનિ. કોર્પોરેશનની પ્રથમ વખત ચૂંટણી લડયા હતા. તેઓની જીત થઇ હતી. જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૧૦ સુધી મ્યુનિ. કોર્પોરેશનનાં વિરોધ પક્ષનાં નેતા પદે રહ્યા છે. ત્યાર બાદ ૨૦૧૬ જાન્યુઆરી થી વિપક્ષી નેતા પદે કાર્યરત છે. અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

કઇ જ્ઞાતિનું પ્રભુત્વ ?

રાજકોટ ગ્રામ્યમાં કુલ ૨,૯૮,૨૯૬  મતદારો છે. જેમાં ૧,૫૭,૧૮૨ પુરૂષ મતદારો તથા ૧,૪૧,૧૧૩ સ્ત્રી મતદારો છે. જ્ઞાતી વાઇઝ આંકડા જોયેતો ૬૭ હજારથી વધુ પાટીદારો, દલિત મતદારો ૩૨ હજારથી વધુ તથા ૧૩૦૦૦ ક્ષત્રિય મતદારો છે. આ બેઠકમાં ૩૪ ગામડાઓનો સમાવેશ થાય છે. કુલ ૩૩૭ મતદાન મથકો છે. (૨૮.૧) 

કોણ જીતશે ? લોકોમાં ચાલતી ચર્ચા

રાજકોટ : વિધાનસભા (૭૧) ગ્રામ્ય બેઠક ઉપર કોણ જીતશે ? તે બાબતે લોકમુખે જે ચર્ચાઓ ચાલી રહી છે. તે મુજબ લાખાભાઇ સાગઠિયાની આ બેઠકના વિસ્તાર ઉપર સારી એવી લોકચાહના છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના તાલુકા પંચાયતના સભ્ય છે. અને તાલુકા પંચાયતના વિપક્ષીનેતા પણ છ.ે આથી હાલમાં તેઓનો ગ્રામ્ય જનતા સાથેનો લોક સંપર્ક જીવંત છે. આમ  લાખાભાઇનું આ જમાપાસુ તેઓને વિજયી બનાવી શકો જયારે બીજી તરફ કોંગ્રેસના વશરામભાઇ સાગઠિયા પણ દલિત સમાજની અનેક સેવાકિય સંસ્થાઓમાં હોદ્દા ધરાવે છે. અને તેના થકી દલીત સમાજમાં સમુહલગ્ન,  ટીફીન સેવા એમ્બ્યુલન્સ જેવા વગેરે કાર્યોથકી દલિત સમાજમાં જાણીતું નામ છે. એટલુ જ નહી સતત બે ટર્મથી કોર્પોરેટર પદે ચુટાયા છે. અને હાલમાં વિપક્ષીનેતાનો હોદ્દો ધરાવે છે. સંગઠ્ઠન ક્ષેત્રે પણ અનેક વખત હોદ્દાઓ સંભાળ્યા છે.

 

(4:44 pm IST)